Petrol Diesel Price: વર્તમાન સમયમાં દેશના વાહનચાલકો અને સામાન્ય જનતા માટે એક ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે. ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને તેલ કંપનીઓને થઈ રહેલા નુકસાનના કારણે આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધરખમ વધારો થવાની શક્યતા સેવાઈ રહી છે.
ભાવવધારાનું મુખ્ય કારણ: કંપનીઓને થતું નુકસાન
વિદેશી બ્રોકરેજ ફર્મ 'મેક્વાયરી'ના એક રિપોર્ટ અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઊંચા હોવા છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ લાંબા સમયથી સ્થિર રાખવામાં આવ્યા છે. આ સ્થિરતાને કારણે તેલ માર્કેટિંગ કંપનીઓને ભારે આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે. રિપોર્ટમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે, પશ્ચિમ બંગાળ સહિતના 5 રાજ્યોમાં ચાલી રહેલી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કંપનીઓ આ નુકસાનની ભરપાઈ કરવા માટે ભાવમાં વધારો કરી શકે છે.
આ પણ વાંચો: બેંક એકાઉન્ટ વગર પણ થશે UPI પેમેન્ટ! : Google Payનું નવું ફીચર, જાણો કેવી રીતે કરશે કામ
કેટલો હોઈ શકે ભાવવધારો?
ગણતરી મુજબ, ક્રૂડ ઓઇલના હાલના ભાવના આધારે પેટ્રોલ પર પ્રતિ લિટર ₹18 અને ડીઝલ પર પ્રતિ લિટર ₹35 સુધીનો વધારો થઈ શકે તેમ છે. એક અંદાજ મુજબ, કંપનીઓ હાલ દરરોજ આશરે ₹1,600 કરોડનું નુકસાન ભોગવી રહી છે. સરકાર દ્વારા એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવા છતાં આ આંકડો ચિંતાજનક છે. ક્રૂડ ઓઇલના ભાવમાં દર 10 ડોલરનો ઉછાળો કંપનીઓના નુકસાનમાં લગભગ 6 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરે છે.
ભારતની આયાત નિર્ભરતા અને આર્થિક પડકારો
ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 88% ક્રૂડ ઓઇલ આયાત કરે છે. જેમાં મધ્ય પૂર્વ અને રશિયાનો મોટો હિસ્સો છે. ક્રૂડ ઓઇલના વધતા ભાવ માત્ર તેલ કંપનીઓ માટે જ નહીં, પરંતુ દેશની આર્થિક સ્થિતિ માટે પણ મુશ્કેલી ઊભી કરી રહ્યા છે. વર્ષ 2026ના પ્રથમ ક્વાર્ટરમાં દેશની ચાલુ ખાતાની ખાધ વધીને 20 અબજ ડોલર સુધી પહોંચવાની આશંકા છે. સરકારી મહેસૂલમાં એક્સાઇઝ ડ્યુટીનું યોગદાન જે 2017માં 22% હતું, તે ઘટીને હવે માત્ર 8% રહી ગયું છે. જો સરકાર તમામ ડ્યુટી હટાવી દે, તો પણ કંપનીઓની ખોટ પૂરી કરવી મુશ્કેલ જણાય છે.
આ પણ વાંચો: Gold Silver Price Today : સોના-ચાંદીની ચમક વધુ ફીકી પડી, જાણો આજનો લેટેસ્ટ ભાવ
વૈશ્વિક સ્થિતિ
માત્ર ભારત જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પણ સ્થિતિ ગંભીર છે. અમેરિકામાં ઓગસ્ટ 2022 પછી પેટ્રોલના ભાવ 4 ડોલર પ્રતિ ગેલનની સપાટી વટાવી ગયા છે. આ ઉપરાંત પાકિસ્તાન, નેપાળ અને શ્રીલંકા જેવા પડોશી દેશોએ પણ પોતાની આર્થિક મજબૂરીને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે.
જો ચૂંટણી બાદ કંપનીઓ ભાવ વધારવાનો નિર્ણય લે છે, તો તે સામાન્ય માણસના ખિસ્સા પર મોટો ભાર સાબિત થશે. હાલમાં દેશની જનતા ચૂંટણીના પરિણામો અને ત્યારબાદ ભાવ અંગેના સત્તાવાર નિર્ણય પર મીટ માંડીને બેઠી છે.





