Gujarat Cabinet Expansion : દિવાળી નજીક આવી રહી છે અને અમદાવાદ શહેરના નાગરિકો માટે ખુશખબર આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) તરફથી દિવાળીની ભેટ રૂપે મફત બસ મુસાફરીની વિશેષ યોજના જાહેર કરવામાં આવ્યું છે. AMTS દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ, ધનતેરસથી લઈને સતત ત્રણ દિવસ સુધી, અમદાવાદની AMTS બસોમાં તમામ મુસાફરો માટે કોઈપણ પ્રકારનું ભાડું લેવાનું નહીં હોય. અર્થાત્ બસ મુસાફરી સંપૂર્ણપણે મફત રહેશે. આ નિર્ણયથી શહેરના હજારો નાગરિકોને મોટો રાહત મળશે અને તહેવાર દરમિયાન ટ્રાફિક ઘટાડવા સાથે જાહેર પરિવહન પ્રત્યેની સ્વીકાર્યતા પણ વધશે તેવી આશા છે.
દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થશે
આ યોજના માટેની અંતિમ મંજૂરી માટેની દરખાસ્ત આવતીકાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવશે. મંજૂરી મળતાની સાથે જ આ યોજના અમલમાં આવી જશે અને નાગરિકો મફત પ્રવાસનો સીધો લાભ લઈ શકશે.
ભીડની તૈયારી, વધારાની બસો મૂકાશે
દિવાળીના દિવસોમાં બજારોમાં વધતી ભીડ અને ટ્રાફિકને ધ્યાનમાં રાખીને AMTS દ્વારા ખાસ આયોજન પણ કરવામાં આવ્યું છે. જાહેર પરિવહનમાં વધુ ભરોસો વધે એ માટે વધારાની બસોની વ્યવસ્થા પણ AMTS દ્વારા તૈયાર રાખવામાં આવી છે, જેથી મુસાફરોને તકલીફ ન પડે અને મુસાફરી સરળ બને.
નાગરિકોને અપીલ, જાહેર પરિવહનનો લાભ લો...
AMTS અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, "તહેવાર દરમિયાન ખાનગી વાહનોના બદલે જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરો, ટ્રાફિકથી બચો અને મફત મુસાફરીનો લાભ લો."






