ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચુડના સત્તાવાર નિવાસસ્થાનમાં લાંબા સમય સુધી રહેવા મામલે સુપ્રીમ કોર્ટ પ્રશાસને કડક વલણ દાખવ્યું છે. કોર્ટે કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયને પત્ર લખીને કહ્યું છે કે નિયમો મુજબ કોઈ નિવૃત અધિકારીને આટલા સમય સુધી સરકારી નિવાસ મેળવવાનો અધિકાર નથી, તેથી ચંદ્રચુડને તાત્કાલિક બંગલો ખાલી કરવાનો આદેશ આપવામાં આવે.
5 કૃષ્ણ મેનન માર્ગ – મુખ્ય ન્યાયાધીશનું સત્તાવાર નિવાસસ્થાન
ડી. વાય. ચંદ્રચુડ 10 નવેમ્બર 2024ના રોજ ભારતના 50મા મુખ્ય ન્યાયાધીશ પદેથી નિવૃત્ત થયા હતા. તેઓ પદ પર રહેતા વખતે 5 કૃષ્ણ મેનન માર્ગ પર રહેતા હતા, જે ટાઇપ-8 બંગલો તરીકે ઓળખાય છે અને મુખ્ય ન્યાયાધીશ માટે નિર્ધારિત છે.
નિવૃત્તિ પછી, તેમને નિયમ પ્રમાણે ટાઈપ-7 બંગલામાં હંગામી નિવાસ માટે મોકલવામાં આવાનું હતું, પરંતુ તેમણે સુપ્રીમ કોર્ટ પ્રશાસન પાસે વિનંતી કરીને 30 એપ્રિલ 2025 સુધી 5 કૃષ્ણ મેનન માર્ગના નિવાસમાં રહેવાની પરવાનગી લીધી હતી. ત્યારબાદ વર્તમાન મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈએ પણ તેમને 31 મે સુધી રહેવાની વધુ છૂટ આપી.
કોર્ટે શું કહ્યું પત્રમાં?
સુપ્રીમ કોર્ટ પ્રશાસન દ્વારા સરકારને લખાયેલા પત્રમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે:
“નિવૃત્તિના 8 મહિના બાદ પણ શ્રી ચંદ્રચુડ સરકારી નિવાસમાંથી ખસ્યા નથી. હવે તેઓ માટે મંજૂર સમયગાળો પણ પૂરો થઈ ગયો છે. નવા ન્યાયાધીશોને રહેઠાણ ફાળવવામાં અડચણ ઉભી થઈ રહી છે. આવી સ્થિતિમાં તેઓને તાત્કાલિક બંગલો ખાલી કરવાનું કહેવું જરૂરી છે.”
શું કારણે મળતી રહી છૂટ?
5 કૃષ્ણ મેનન માર્ગ, જો કે સત્તાવાર CJI માટેના નિવાસ તરીકે ઓળખાય છે, છતાં તેમ પછીના બે CJI – સંજીવ ખન્ના અને વર્તમાન ન્યાયાધીશ બીઆર ગવઈએ આ નિવાસ સ્વીકારવાનું ટાળ્યું અને પોતાના અગાઉના નિવાસમાં જ રહેવાનું પસંદ કર્યું. પરિણામે ચંદ્રચુડને તેમાં વધુ સમય રહેવાની પરવાનગી મળતી રહી.





