વલસાડ વન વિભાગે અવશેષોના ગેરકાયદેસર હેરફેર અંગે ખાનગી બાતમીના આધારે ગેરકાયદેસર વન્યજીવ શિકાર અને ચામડાના વેપારના રેકેટનો પર્દાફાશ કર્યો છે. વલસાડના નવેરા ગામમાં રહેતા અજય માંદા પટેલના નિવાસસ્થાને વન વિભાગની ટીમે સ્વતંત્ર પંચોની હાજરીમાં દરોડા પાડ્યા હતા.
ગેરકાયદેસર શિકાર અને ચામડાનો વેપાર
તપાસ દરમિયાન અજય પટેલના ઘરેથી દીપડાનું (Panthera pardus) ચાર પંજા કપાયેલું ચામડું મળી આવ્યું, જે વન્યજીવ સુરક્ષા અધિનિયમ, 1972 (સુધારા 2022)ની અનુસૂચિ-1 હેઠળ સંરક્ષિત પ્રજાતિ છે. પૂછપરછમાં અજય પટેલે જણાવ્યું કે તેણે આ ચામડું કપરાડા તાલુકાના માલઘર ગામના સુરેશભાઈ કાશીનાથ વંજારા (ઉંમર 41) પાસેથી વેપારના હેતુસર ખરીદ્યું હતું. સુરેશભાઈએ સ્વીકાર્યું કે તેણે આ ચામડું તેના સંબંધી સીતારામ વળવી (માલઘર, ઈહદર ફળિયું) પાસેથી વેચાણ માટે મેળવ્યું હતું. આ રીતે, આ ત્રણેય વ્યક્તિઓ દીપડાના ગેરકાયદેસર શિકાર અને ચામડાના વેપારમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું.
ગેરકાયદેસર પ્રવૃત્તિઓ
વધુ તપાસમાં સુરેશભાઈના કબજામાંથી એક થેલામાંથી પોટલામાં બાંધેલા પક્ષી અને પ્રાણીના હાડકાં પણ જપ્ત કરવામાં આવ્યા. તેણે જણાવ્યું કે આ હાડકાં દુડો (રેવી દેવી ઘુવડ – Barn Owl, Tyto alba)ના છે, જે પણ અનુસૂચિ-1 હેઠળ સંરક્ષિત પ્રજાતિ છે. આરોપીઓ વન્યજીવોના શિકાર, ચામડા અને હાડકાંના વેચાણ તેમજ તાંત્રિક વિધીઓ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હોવાના પુરાવા મળ્યા છે.વન વિભાગે આ મામલે વલસાડ ઉત્તર ખાતે ગુનો નોંધી, આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે.
જનતાને અપીલ
બંને મુખ્ય આરોપીઓની જામીન અરજીઓ વલસાડ કોર્ટે નામંજૂર કરી છે, અને હાલ તપાસ ચાલુ છે.વન વિભાગે જનતાને અપીલ કરી છે કે, વન્યજીવોના શિકાર, ચામડા કે વન ઉપજના ગેરકાયદેસર વેપાર અંગે કોઈપણ માહિતી હોય તો નજીકની વન કચેરી અથવા હેલ્પલાઇન નંબર 1926 પર જાણ કરે. તમારી એક માહિતી અમૂલ્ય જીવન બચાવી શકે છે.






