Home International Foga Usa National Gujarati Competition 2026

અમેરિકામાં FOGA USA દ્વારા પ્રથમ રાષ્ટ્રીય ગુજરાતી સ્પર્ધા યોજાઇ : યુનાઇટેડ ગુજરાતી કન્વેન્શન 2026નું સફળ આયોજન

The first national Gujarati competition held in America by FOGA USA
Published by: Vaishnavi Pathak
Last Updated: Jun 04, 2026, 03:14 AM IST

માતૃભાષાના જતન માટે અનોખી પહેલ

અમેરિકામાં વસતા ગુજરાતી સમાજને એકતાના તાંતણે બાંધતી અગ્રણી સંસ્થા ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન્સ ઓફ USA (FOGA USA) દ્વારા ફ્લોરિડાના ઓર્લાન્ડોમાં 22 થી 25 મે, 2026 દરમિયાન મેમોરિયલ ડે વીકએન્ડ નિમિત્તે બીજું 'યુનાઇટેડ ગુજરાતી કન્વેન્શન 2026' યોજાયું હતું. આ ભવ્ય કન્વેન્શન દરમિયાન પહેલી વખત 'FOGA USA નેશનલ ગુજરાતી કોમ્પિટિશન'નું આયોજન કરાયું હતું.

આ રાષ્ટ્રીય સ્તરની અનોખી પહેલની પ્રેરણા 'ગુજરાતી મંડળ ઓફ સેન્ટ્રલ ઓહીયો' (GMOCO) દ્વારા સફળતાપૂર્વક યોજાતી સ્થાનિક સ્પર્ધાઓમાંથી લેવામાં આવી છે. તેનો મુખ્ય ઉદ્દેશ અમેરિકામાં જન્મેલા અને ઉછરેલા નવી પેઢીના બાળકોમાં માતૃભાષા પ્રત્યે પ્રેમ, ગૌરવ અને સાંસ્કૃતિક જોડાણ મજબૂત કરવાનો છે.

50થી વધુ બાળકોએ બતાવી અસાધારણ પ્રતિભા

આ ઐતિહાસિક સ્પર્ધામાં અમેરિકાના જુદા-જુદા રાજ્યોમાંથી 50થી વધુ બાળકો અને યુવાનોએ પૂરા ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. વિદેશી ધરતી પર જ્યાં અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ હોય, ત્યાં આ બાળકોએ ગુજરાતી ભાષાના વાંચન, લેખન અને વક્તૃત્વ ક્ષેત્રે પોતાની નોંધપાત્ર પ્રતિભા રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

સ્પર્ધાના મુખ્ય આકર્ષણો અને વિષયો

આ સ્પર્ધા અંતર્ગત બાળકોના ભાષાકીય કૌશલ્યને ચકાસવા માટે મુખ્યત્વે 3 પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું:

  • નિબંધ લેખન

  • વક્તૃત્વ સ્પર્ધા

  • કવિતા પાઠન

બાળકો પોતાના મૂળિયા સાથે જોડાઈ શકે તે માટે ખૂબ જ વિચારપૂર્વક વિષયોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં પરિવાર, ગુજરાતના મહાનુભાવો, પ્રવાસન, ગુજરાતી ભોજન, સંસ્કૃતિ અને ભારત જેવા વિષયોનો સમાવેશ થતો હતો. સ્પર્ધકોની કૃતિઓમાં માત્ર ભાષા જ નહીં, પરંતુ ગુજરાતી ઇતિહાસ, પરંપરાઓ અને મૂલ્યો પ્રત્યેનો ઊંડો લગાવ પણ સ્પષ્ટપણે ઝળકતો હતો.

આ પણ વાંચો: ટ્રમ્પનો દાવ કે દગો? | ખોટી રીતે વેપાર કરનારા દેશોની યાદીમાં ભારતનું નામ કર્યું સામેલ, શું હવે વધશે ટેરિફનું ભારણ? | Offbeat Stories

આયોજકો અને સ્પર્ધકોના અનુભવો

"અમેરિકામાં જન્મેલા બાળકો ગુજરાતી ભાષામાં આટલી સહજતાથી વાંચી, લખી અને બોલી શકે છે તે સમગ્ર સમાજ માટે અત્યંત આનંદ અને ગૌરવની વાત છે." — રૂપમ ચોક્સી, સ્પર્ધાના સંયોજક

સ્પર્ધામાં ભાગ લેનાર બાળકો પણ આ મંચ મળવાથી ખૂબ ખુશ જણાતા હતા:

  • કહાની પટેલ નામના સ્પર્ધકે જણાવ્યું કે, "મારું મંદિર, બાળસભા અને મારો પરિવાર મને ગુજરાતી શીખવા પ્રેરણા આપે છે. આ ભાષા મને મારા દાદા-દાદી અને ધાર્મિક ગ્રંથો સાથે જોડે છે. મારી માતા હંમેશાં કહે છે કે આપણે દુનિયાના કોઈપણ ખૂણે રહીએ, પણ આપણા મૂળ અને સંસ્કૃતિને ક્યારેય ભૂલવા જોઈએ નહીં."

  • અન્ય સ્પર્ધક કિયાન લાખાણી અને માનવ રાવે પણ જણાવ્યું કે રાષ્ટ્રીય મંચ પર ગુજરાતીમાં બોલવાનો અનુભવ તેમના માટે ખૂબ જ ખાસ અને ગૌરવપૂર્ણ રહ્યો છે.

આ પ્રથમ પ્રયાસમાં આયોજકોની અપેક્ષા કરતાં પણ વધુ સારો પ્રતિસાદ મળ્યો છે, જે સાબિત કરે છે કે સાત સમુંદર પાર પણ ગુજરાતી ભાષાનું ભવિષ્ય ઉજ્જવળ છે. FOGA USA દ્વારા આ સફળતા બદલ તમામ વિદ્યાર્થીઓ, માતા-પિતા, શિક્ષકો અને સ્વયંસેવકોનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now