Maldives diving accident: સમુદ્રની અસીમ સુંદરતા અને તેના અદ્રશ્ય રહસ્યો હંમેશા માનવીને આકર્ષતા રહ્યા છે, પરંતુ ક્યારેક આ જ આકર્ષણ જીવલેણ અને કાળમુખું સાબિત થાય છે. વૈશ્વિક પ્રવાસીઓ માટે ધરતી પરનું સ્વર્ગ ગણાતા માલદીવ્સના પ્રખ્યાત ટુરિસ્ટ સ્પોટ 'વાવુ એટોલ' (Vaavu Atoll) ખાતે તાજેતરમાં એક એવી હૃદયદ્રાવક ઘટના બની છે જેણે સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિક જગતને હચમચાવી દીધું છે. સમુદ્રના પેટાળને નજીકથી જાણવા અને રિસર્ચ કરવા નીકળેલા ઇટાલીના ૫ અત્યંત અનુભવી ડાઇવર્સ એક ઊંડી અને અંધારી પાણીની ગુફામાં (Underwater Cave) ગયા પછી ક્યારેય પાછા ન ફર્યા. માલદીવ્સના ઇતિહાસની આ સૌથી ગંભીર અને ભયાનક ડાઇવિંગ દુર્ઘટના ગણાવવામાં આવી રહી છે.
આ કોઈ સામાન્ય સહેલાણીઓ નહોતા જે મોજ-મસ્તી કરવા ગયા હોય, પરંતુ સમુદ્રના વિજ્ઞાનને અને તેની થિયરીઓને ખૂબ સારી રીતે સમજનારા આંતરરાષ્ટ્રીય સ્તરના નિષ્ણાતો હતા. આ તમામ લોકો 'Duke of York' નામની લક્ઝરી યોટ (બોટ) દ્વારા આ દરિયાઈ અભિયાન પર નીકળ્યા હતા. આ અકસ્માત વાવુ એટોલમાં દરિયાની સપાટીથી આશરે 50 મીટર (164 ફૂટ) ની આકરી ઊંડાઈએ આવેલી એક રહસ્યમય ગુફામાં થયો હતો. આખરે એવું તે શું બન્યું કે, વિશ્વના સૌથી શ્રેષ્ઠ ડાઇવર્સ અને સમુદ્ર વૈજ્ઞાનિકો આ કાળી ગુફામાંથી જીવતા બહાર ન આવી શક્યા? તે સવાલ અત્યારે રહસ્ય બનેલો છે.
ટોચના મરીન બાયોલોજિસ્ટ અને પ્રોફેસર્સ જ બન્યા કાળનો કોળિયો
આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોની પ્રોફાઇલ જોઈને જ અંદાજો લગાવી શકાય છે કે તેઓ કેટલા સક્ષમ હતા. આ ગ્રૂપમાં સામેલ 5 લોકોમાંથી 4 લોકો ઇટાલીની પ્રખ્યાત 'યુનિવર્સિટી ઓફ જેનોઆ' સાથે સંકળાયેલા હતા.
પ્રોફેસર મોનિકા મોન્ટેફાલ્કોન: ઇટાલીના જાણીતા મરીન બાયોલોજિસ્ટ, જેઓ માલદીવ્સમાં આઇલેન્ડ મોનિટરિંગ કેમ્પેઈનના સાયન્ટિફિક ડાયરેક્ટર હતા.
જ્યોર્જિયા સોમ્માકલ: પ્રોફેસર મોનિકાની પુત્રી, જે પોતે એક તેજસ્વી બાયોમેડિકલ એન્જિનિયર હતી.
મ્યુરિયલ ઓડેનિનો: 31 વર્ષીય યુવા અને ઉત્સાહી મરીન બાયોલોજિસ્ટ.
ફેડેરિકો ગુઆલ્તિયેરી: 31 વર્ષીય સર્ટિફાઇડ સ્કૂબા ડાઇવિંગ ઇન્સ્ટ્રક્ટર, જેમને દરિયાનો બહોળો અનુભવ હતો.
જિયાનલુકા બેનેડેત્તી: 44 વર્ષીય બોટ ઓપરેશન મેનેજર, જેઓ બેન્કિંગની વૈભવી કરિયર છોડીને ડાઇવિંગના શોખ માટે 2017થી માલદીવ્સમાં જ સ્થાયી થયા હતા.
3 ચેમ્બરવાળી માયાવી ગુફા અને રેસ્ક્યુ ઓપરેશનનો પહાડ જેવો પડકાર
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, જે અંડરવોટર ગુફામાં આ વૈજ્ઞાનિકો ગયા હતા તે અંદરથી અત્યંત જટિલ અને માયાવી છે. આ ગુફામાં 3 મોટી ચેમ્બર (ઓરડા) આવેલી છે, જે એકબીજા સાથે સાંકડા અને ભુલભુલામણી જેવા માર્ગોથી જોડાયેલી છે. આટલી ઊંડાઈએ સૂર્યનો એક પણ કિરણ પહોંચતો નથી અને ચારેય તરફ ઘોર અંધારું હોય છે. હાલમાં માલદીવ્સ કોસ્ટગાર્ડ અને સૈન્યની રેસ્ક્યુ ટીમે ભારે જહેમત બાદ માત્ર બોટ મેનેજર જિયાનલુકા બેનેડેત્તીનો જ મૃતદેહ ગુફાના પ્રવેશદ્વાર પાસેથી રિકવર કર્યો છે, જ્યારે બાકીના 4 ડાઇવર્સ હજુ પણ ગુફાની અંદર ફસાયેલા હોવાની આશંકા છે. માલદીવ સરકારના પ્રવક્તા મોહમ્મદ હુસૈન શરીફે જણાવ્યું કે, દરિયામાં જોરદાર પવન અને ખરાબ હવામાનના કારણે સર્ચ ઓપરેશનમાં મુશ્કેલી પડી રહી છે. ઇટાલીથી પણ ૨ ખાસ ડાઇવિંગ એક્સપર્ટ્સ આ ટીમની મદદે માલે પહોંચી રહ્યા છે.
મોત પાછળના4 સંભવિત કારણો: એક્સપર્ટ્સની નજરે
આટલા હાઈ-પ્રોફાઈલ અને ટ્રેન્ડ ડાઇવર્સ એકસાથે કેવી રીતે જીવ ગુમાવી બેસે, તે રહસ્ય ઉકેલવા તપાસકર્તાઓ નીચે મુજબની 4 આશંકાઓ પર કામ કરી રહ્યા છે:
1. બ્લેકઆઉટ અને રસ્તો ભૂલવો: સમુદ્રના ખરાબ હવામાનને કારણે ગુફાની અંદરની ઝીણી રેતી અને કાંપ એટલી હદે ઉડ્યા હોઈ શકે કે ડાઇવર્સની ફ્લેશલાઇટ પણ નકામી થઈ ગઈ હોય. ઝીરો વિઝિબિલિટીના કારણે તેઓ બહાર નીકળવાનો રસ્તો ભૂલી ગયા હોઈ શકે.
2. સાથીને બચાવવાનો પ્રયાસ (Panic): સાંકડી ગુફામાં કદાચ દીકરી કે કોઈ એક સાથી ફસાઈ ગયો હોય અને તેને બહાર કાઢવાના ચક્કરમાં કિંમતી સમય વેડફાયો હોય, જેના કારણે તમામનો ઓક્સિજન ખતમ થઈ ગયો હોય.
3. ઓક્સિજન ટોક્સિસિટી (Gas Poisoning): દરિયામાં 164 ફૂટ નીચે પાણીનું દબાણ અતિશય હોય છે. જો સિલિન્ડરમાં રહેલા ગેસનું મિશ્રણ આ ઊંડાઈ માટે યોગ્ય ન હોય, તો વધુ પડતા દબાણ હેઠળ ઓક્સિજન જ શરીરમાં ઝેર (Toxic) બની જાય છે અને માણસ બેભાન થઈ જાય છે.
4. ગોપ્રો કેમેરા ખોલશે આખરી રહસ્ય: પ્રોફેસર મોનિકાના પતિ કાર્લોએ જણાવ્યું કે તેમની પત્ની ક્યારેય કોઈના જીવને જોખમમાં ન મૂકે. પ્રોફેસર મોનિકા પાસે તેમનો ખાસ GoPro કેમેરો હતો, જે તે હંમેશા હેલ્મેટ કે હાથમાં રાખતા હતા. જો તે કેમેરો રેસ્ક્યુ ટીમને મળી જશે, તો ગુફાની અંદરની આખરી પળોનું સત્ય દુનિયા સામે આવી જશે.
કુદરત સામે વિજ્ઞાન લાચાર: એક અણધાર્યો અંત
માલદીવ્સ જેવા શાંત ટાપુઓ પર પ્રોફેશનલ ડાઇવિંગ દરમિયાન આવા અકસ્માતો ખૂબ જ દુર્લભ છે. પરંતુ આ ઘટના સાબિત કરે છે કે પ્રકૃતિ અને સમુદ્ર ભલે ઉપરથી ગમે એટલા શાંત અને આકર્ષક દેખાતા હોય, તેમના પેટાળમાં ભયાનક રહસ્યો છુપાયેલા છે. કુદરત સામે માણસ કે તેનું આધુનિક વિજ્ઞાન ગમે ત્યારે લાચાર સાબિત થઈ શકે છે. જે વૈજ્ઞાનિકો આખી જિંદગી દરિયાઈ સૃષ્ટિને સમજવા અને તેને બચાવવા માટે મથતા રહ્યા, આખરે તે જ સમુદ્રના અંધકારમાં કાયમ માટે વિલીન થઈ ગયા.





