Dhandhuka GIDC Fire: અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં આવેલી GIDC (ઔદ્યોગિક વસાહત) માં આજે આગની એક મોટી ઘટના બની હતી. GIDC વિસ્તારમાં આવેલા ભંગારના એક ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ગોડાઉનમાં પ્લાસ્ટિક અને પૂંઠા જેવી જ્વલનશીલ વસ્તુઓનો મોટો જથ્થો હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, જે એક મોટી રાહતની વાત છે.
પ્લાસ્ટિક અને પૂંઠાના જથ્થાને કારણે આગ પ્રસરી
મળતી માહિતી મુજબ, ધંધુકા GIDCમાં ભંગારના આ ગોડાઉનમાં પ્લાસ્ટિકની બોટલો, કચરો અને પેકિંગમાં વપરાતા પૂંઠાનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. અચાનક કોઈ અગમ્ય કારણોસર આ જથ્થામાં આગ લાગી હતી. પ્લાસ્ટિક હોવાને કારણે કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા, જેને પગલે સ્થાનિક કારખાનાના શ્રમિકો અને લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. લોકોએ સમયસૂચકતા વાપરી તુરંત ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
ધંધુકા ફાયર ટીમની ત્વરિત કામગીરી
આગની ઘટનાની જાણ થતા જ ધંધુકા નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર જવાનોએ પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતા અટકાવી હતી અને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન છે, પરંતુ સત્તાવાર કારણ હજુ જાણવા મળ્યું નથી. ગોડાઉનમાં રહેલો મોટો માલસામાન બળીને ખાખ થઈ ગયો છે, જેનાથી આર્થિક નુકસાન થયું હોવાની શક્યતા છે.





