Home Gujarat Ficci 100 Ahmedabad Bhupendra Patel Gujarat Growth

અમદાવાદથી FICCI શતાબ્દી ઉજવણીની ભવ્ય શરૂઆત! : ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ હબ તરીકે કર્યું રજૂ

Bhupendra Patel
Published by: Aryan Shah
Last Updated: Apr 21, 2026, 09:47 AM IST

Bhupendra Patel : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ફેડરેશન ઑફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI) ની સ્થાપનાનાં 100 વર્ષની ઉજવણીનો પ્રારંભ કરાવતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ આઝાદીની શતાબ્દી ઉજવવા તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે FICCI ના 100 વર્ષની ઉજવણી અને દેશનો આ અમૃતકાળ એ ફિક્કી માટે ડબલ બોનાન્ઝા છે. મુખ્યમંત્રીએ ફિક્કીની નેશનલ એક્ઝીક્યુટીવ કમિટીની મિટીંગમાં પ્રેરક સંબોધન કર્યુ હતું. તેમણે દેશના સૌથી જુના, પ્રતિષ્ઠિત અને પ્રભાવશાળી ઉદ્યોગ મંચ તરીકે ફિક્કીની 100 વર્ષની સફળ યાત્રાને નોંધપાત્ર સિમાચિહ્ન ગણાવી હતી.

રાષ્ટ્રીય વિકાસમાં ફિક્કી અને ગુજરાતનું યોગદાન

મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લિડરશીપમાં ડિજીટલ ભારત-મેઈક ઈન ઈન્ડિયા-સ્ટાર્ટઅપ ઈન્ડિયા-સ્કિલ ઈન્ડિયા જેવા ઈનીશ્યેટીવ્ઝથી ભારત આત્મનિર્ભરતાથી વિકાસ રાહે દોડતું થયું છે તેમાં પણ ફિક્કીનો ઉલ્લેખનીય સહયોગ મળ્યો છે. મુખ્યમંત્રીએ વડાપ્રધાનના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની ડેવલપમેન્ટ જર્નીની પ્રભાવક પ્રસ્તુતિ કરતાં કહ્યુ કે, દ્રષ્ટીવંત નેતૃત્વ અને ડેવલપમેન્ટ માટેના કમિટમેન્ટથી કેટલી સ્પીડ અને સ્કેલ સાથે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થઈ શકે તે ગુજરાતે દેશ અને દુનિયાને બતાવ્યું છે. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાત દેશના GDP ના 8.3 ટકા, નેશનલ ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટમાં 18 ટકા અને દેશની કુલ નિકાસમાં 27 ટકાના યોગદાન સાથે અગ્રેસર છે.

'વિકસિત ગુજરાત @2047' અને સેમિકન્ડક્ટર હબ

વડાપ્રધાનના 'વિકસિત ભારત' ના વિઝનને સાકાર કરવા 'વિકસિત ગુજરાત @2047' નો રોડમેપ તૈયાર કરનાર દેશનું પ્રથમ રાજ્ય છે. આ રોડમેપ અંતર્ગત 2047 સુધીમાં રાજ્યના અર્થતંત્રને 3.5 ટ્રિલિયન US ડોલર સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું. આ માટે રાજ્ય સરકારે સેમિકન્ડક્ટર, એ.આઈ. અને ગ્રીન ગ્રોથ જેવા ઇમર્જિંગ સેક્ટર્સ પર ફોકસ કર્યું છે. તાજેતરમાં જ સાણંદમાં વડાપ્રધાનશ્રીના હસ્તે શરૂ કરાયેલા બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ દ્વારા ગુજરાત હવે ગ્લોબલ સેમિકન્ડક્ટર સપ્લાય ચેનનો મહત્ત્વનો હિસ્સો બનશે. એટલુ જ નહિ, ગિફ્ટ સિટીમાં કાર્યરત AI સેન્ટર ઑફ એક્સેલન્સ, ડેટા સેન્ટર અને ફિનટેક રાજ્યને વિવિધ ઈમર્જિંગ સેક્ટર્સમાં વધુ મજબૂત બનાવશે. ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી, આઈ.ટી. અને આઈ.ટી.ઈ.એસ. પોલિસી, જી.સી.સી. પોલિસી જેવી પ્રોત્સાહક પોલિસીઝથી પોલિસી ડ્રિવન સ્ટેટ અને વિશ્વના ઉધોગો માટે 'મોસ્ટ ફેવરિટ ડેસ્ટિનેશન' બન્યું છે. આજે વિશ્વની ફોર્ચ્યુન 500 કંપનીઓમાંથી 100 કંપનીઓ ગુજરાતમાં કાર્યરત છે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું.

વુમન-લેડ ડેવલપમેન્ટ અને વાઈબ્રન્ટ ગુજરાત સમિટ

ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાનએ વુમન ડેવલપમેન્ટ નહીં, પરંતુ 'વુમન-લેડ ડેવલપમેન્ટ'નો કોન્સેપ્ટ આપ્યો છે. તેને અનુરૂપ ગુજરાતમાં પણ મહિલા સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા હાલમાં જ 'હર સ્ટાર્ટઅપ' (Her Start-up) પ્લેટફોર્મ શરૂ કર્યુ છે. મુખ્યમંત્રીએ ગુજરાતને વેપાર-ઉદ્યોગના વર્લ્ડ મેપ પર પ્રતિષ્ઠા અપાવનારી વાઈબ્રન્ટ ગુજરાત સમિટની સફળતામાં પ્રારંભથી જ FICCI ના નેશનલ પાર્ટનર તરીકે સહયોગી રહી છે તેની પણ સરાહના કરી હતી. વડાપ્રધાન ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ' ના મંત્રને સાકાર કરીને વિકસિત ભારત @2047 ના નિર્માણ માટે FICCI ના સક્રિય સહયોગની અપેક્ષા મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી. FICCI ના અધ્યક્ષ અનંત ગોએન્કાએ શતાબ્દીના લોન્ચપેડ તરીકે અમદાવાદની વ્યૂહાત્મક પસંદગી વિશે વાત કરતાં રાજ્યના ઉદ્યોગલક્ષી નીતિઓની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે રાજ્ય સરકારની પ્રો-એક્ટિવ પોલિસીઝ અને ખાનગી સાહસો વચ્ચેનો સમન્વય દેશના અન્ય રાજ્યો માટે પણ બ્લૂપ્રિન્ટ (નકશા) તરીકે કામ કરે છે.

ગુજરાતની ઉદ્યોગલક્ષી નીતિઓની પ્રશંસા

તેમણે કહ્યું કે ગુજરાતે સાબિત કર્યું છે કે કેવી રીતે રાજ્ય સરકારની નીતિઓ આર્થિક લેન્ડસ્કેપને બદલી શકે છે. જેમ સમગ્ર દેશ વિકસિત ભારત@2047 ના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે, તેમ FICCI પણ ગુજરાતના મેન્યુફેક્ચરિંગ, સેવાઓ અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ વધારવા માટે રાજ્ય સરકાર સાથે મળીને કામ કરવા ઉત્સુક છે તેમ તેમણે ઉમેર્યું હતું. આ અવસરે FICCI ગુજરાત સ્ટેટ કાઉન્સિલના ચેરમેન ગોકુલ જયકૃષ્ણએ સ્ટાર્ટઅપ્સ અને ગ્રીન એનર્જી માટેના હબ તરીકે રાજ્યની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે મુખ્યસચિવ એમ.કે. દાસ, FICCI ના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ વિજય શંકર, વાઇસ પ્રેસિડેન્ટ પુનીત દાલમિયા, સેક્રેટરી જનરલ અનંત સ્વરૂપ તથા ડાયરેક્ટર જનરલ જ્યોતિ વિજ સહિત સંસ્થાના હોદ્દેદારો, અગ્રણીઓ તેમજ ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now