Home Gujarat Surat Surat Udhna Son Attack Mother Over Food Dispute Crime News

"જમવાનું કેમ નથી બનાવ્યું?" કહી પુત્રએ જનેતાનો જીવ લીધો : પુત્રએ પિતાનું ગળું દબાવ્યું, બચાવવા વચ્ચે પડેલા માતાને મળ્યું મોત

Surat Udhna Family Dispute Mehul Shah Arrest
Published by: Nirali Gohil
Last Updated: Apr 21, 2026, 11:42 AM IST

સુરત: ડાયમંડ સિટી સુરતના ઉધના વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક અને માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. લોહીના સંબંધો પર ક્રોધ એટલો હાવી થઈ ગયો કે એક પુત્રએ પોતાની જ જનેતાને મોતને ઘાટ ઉતારી દીધી. સામાન્ય જણાતા પારિવારિક ઝઘડાએ અચાનક ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં એક વૃદ્ધ માતાએ જીવ ગુમાવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર સુરત શહેરમાં ચકચાર મચી ગઈ છે અને પરિવારમાં માતમ છવાયો છે.

જમવા બાબતે શરૂ થયેલો વિવાદ હત્યામાં પરિણમ્યો મળતી માહિતી મુજબ, ઉધના વિસ્તારમાં રહેતા 33 વર્ષીય મેહુલ શાહ નામના યુવકનો તેના માતા-પિતા સાથે અવારનવાર ઝઘડો થતો હતો. ઘટનાના દિવસે મેહુલ મોડો ઘરે આવ્યો હતો અને તેની માતા પ્રતીક્ષાબેન (70 વર્ષ) ને પૂછ્યું હતું કે, "તેના માટે અને તેની દીકરી માટે જમવાનું કેમ નથી બનાવ્યું?" આ મામલે માતા અને પુત્ર વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. જોતજોતામાં વાત એટલી વણસી ગઈ કે મેહુલ ઉશ્કેરાઈ ગયો હતો.

પિતાને બચાવવા વચ્ચે પડેલા માતા બન્યા શિકાર

જ્યારે ઝઘડો ઉગ્ર બન્યો ત્યારે મેહુલના પિતા હર્ષદભાઈ વચ્ચે પડ્યા હતા. મેહુલે ઉશ્કેરાટમાં આવીને પિતાનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. પોતાના પતિને બચાવવા માટે ૭૦ વર્ષીય વૃદ્ધા પ્રતીક્ષાબેન વચ્ચે પડ્યા ત્યારે નરાધમ પુત્રએ તેમને જોરદાર ધક્કો માર્યો હતો. ધક્કાને કારણે વૃદ્ધા નીચે પટકાતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સ્થળ પર જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો: સુરતમાં કરોડોની 'ફ્લોટિંગ ગોલ્ડ' સાથે ત્રણ તસ્કરો ઝડપાયા : આંતરરાષ્ટ્રીય બજારમાં છે મોટી માંગ, કિંમત છે કરોડોમાં..!!

આરોપી પુત્ર છેલ્લા એક મહિનાથી હતો બેરોજગાર

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી મેહુલ શાહ ડ્રાઈવિંગનો વ્યવસાય કરતો હતો, પરંતુ છેલ્લા એક મહિનાથી તે બેરોજગાર હતો અને ઘરે જ બેસી રહ્યો હતો. આર્થિક સંકડામણ અને પત્ની સાથેના છૂટાછેડા (તેની પત્ની ૫ વર્ષ પહેલા તેને છોડી ગઈ હતી) ને કારણે તે સતત માનસિક તણાવમાં રહેતો હતો. આ તણાવ અને ગુસ્સાએ આજે એક નિર્દોષ માતાનો ભોગ લીધો છે.

એસીપી સી.જી. વડોરિયાનું નિવેદન અને પોલીસ કાર્યવાહી

આ મામલે સુરતના એસીપી સી.જી. વડોરિયાએ જણાવ્યું હતું કે, ગઈકાલે ઉધના પોલીસ સ્ટેશન ખાતે 0946/2026 નંબરનો ગુનો નોંધાયેલ છે, જે ગુનામાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1), 115(2) અને 352 મુજબની કલમો લગાડવામાં આવેલ છે. સદર ગુનાના કામે ફરિયાદી જે છે તે હર્ષદભાઈ મણિલાલ શાહ છે અને આરોપી તેમનો જ દીકરો છે, જેનું નામ મેહુલ છે. ગુનાની ટૂંકી વિગત એ રીતની છે કે, પરમદિવસે એટલે કે તારીખ 19-04-2026ના રોજ આરોપી મેહુલ ઘરે આવે છે અને તેની માતા પ્રતીક્ષાબેનને કહે છે કે 'તેના માટે અને તેની દીકરી માટે શા માટે જમવાનું બનાવેલ નથી?'. આ બાબતે તેના અને તેની માતા વચ્ચે બોલાચાલી થાય છે, જેમાં મેહુલના પિતા હર્ષદભાઈ વચ્ચે પડે છે. ત્યારે મેહુલ હર્ષદભાઈનું ગળું દબાવી દે છે અને આ ઝપાઝપીમાં પોતાની માતા પ્રતીક્ષાબેનને ધક્કો મારી દે છે, જેના લીધે પ્રતીક્ષાબેનનું મરણ થાય છે. આરોપી મેહુલ શાહ ડ્રાઈવિંગનો ધંધો કરતો હતો અને છેલ્લા એક મહિનાથી પોતાના ઘરે બેઠો હતો. સદર ગુનાના કામે આરોપીની અટક કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ જી.કે. ગઢવી, પોલીસ ઇન્સ્પેક્ટર, ઉધના પોલીસ સ્ટેશન કરી રહ્યા છે."

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now