મધ્ય પૂર્વમાં વધતી તણાવની સ્થિતિ વચ્ચે ઈરાનના અગ્રણી શિયા ધર્મગુરુ ગ્રાન્ડ આયાતુલ્લાહ નાસિર મકારિમ શિરાઝીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સામે ફતવો જાહેર કર્યો છે. આ ફતવામાં તેમણે બંને નેતાઓને "અલ્લાહના શત્રુઓ" તરીકે વર્ણવ્યા છે અને વિશ્વભરના મુસ્લિમો સજાગ બનીને તેમના વિરોધમાં એક થવા માટે આહવાન કર્યું છે.
શિઆ ધર્મગુરુનો આક્રોશ અને ધાર્મિક નિવેદન
આયાતુલ્લાહે જણાવ્યું કે, જે રીતે ઈરાન પર હુમલા કરવામાં આવ્યા અને અસહિયારી સ્થિતિ ઊભી કરાઈ, તે સામે ધાર્મિક દ્રષ્ટિએ પણ વિરોધ જરૂરી છે. શિરાઝી, જે બારાહ ઇમામી શિયા પરંપરામાં "મરજા" તરીકે ઓળખાતા સૌથી ઉચ્ચ પદ પર છે, તેમનો ફતવો માત્ર ધાર્મિક સંદેશ નથી, પણ રાજકીય સત્તાઓ માટે સ્પષ્ટ ચેતવણી પણ છે.
યુદ્ધવિરામ પર શંકા અને ફરી ઝઘડાની ચેતવણી
ઈરાનના ચીફ ઓફ સ્ટાફ મેજર જનરલ અબ્દુલરહીમ મુસવીએ પણ યુદ્ધવિરામ વિશે અનિષ્ણિતતા વ્યક્ત કરતા કહ્યું કે, “દુશ્મન તરફથી ફરી કોઈપણ પ્રકારનો હુમલો થયો તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે.” તેમણે એ પણ જણાવ્યું કે જ્યારે ઈરાન પરમાણુ ચર્ચામાં વ્યસ્ત હતું, ત્યારે ઇઝરાયલે હુમલો કર્યો અને અમેરિકાએ તેનું સમર્થન કર્યું – જે દર્શાવે છે કે આ બંને દેશો પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે.
24 જૂનના યુદ્ધવિરામ પહેલાંના બલિદાનો આંકડા
વિગત મુજબ, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે 12 દિવસ ચાલેલી હિંસક અથડામણમાં ઈરાનના 610 નાગરિકો અને ઇઝરાયલના 28 લોકોનાં મૃત્યુ થયા હતા. યુદ્ધવિરામની જાહેરાત અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી હતી, પણ ઈરાન તરફથી તેને સતત શંકાની નજરે જોવામાં આવી રહી છે.
પરમાણુ ક્ષમતા અને હુમલાની માહિતી
આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA) દ્વારા જાણવા મળ્યું છે કે ઈરાન પાસે પરમાણુ બોમ્બ બનાવવા માટે પૂરતું યુરેનિયમ મોજૂદ છે. આ દરમિયાન અમેરિકાએ દાવો કર્યો છે કે તેણે પોતાની B-2 બોમ્બર્સની મદદથી ઈરાનના ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાન પરમાણુ સેન્ટરોને નિશાન બનાવીને નુકસાન પહોંચાડ્યું છે.
તેહરાનની જેલ પર હુમલો – 71ના મોત
23 જૂને થયેલા ઇઝરાયલના દુર્ભાગ્યપૂર્ણ હુમલામાં એવિન જેલને ટાર્ગેટ બનાવવામાં આવી હતી. એ જેલ, જે રાજકીય કેદીઓ માટે જાણીતી છે, ત્યાંના 71 લોકોનાં મોત થયા હોવાનું ઈરાનના ન્યાય વિભાગે જણાવ્યું છે. મૃતકોમાં કેદીઓ ઉપરાંત જેલ કર્મચારી, સુરક્ષા સદસ્યો અને મુલાકાત માટે આવેલા લોકો પણ સામેલ છે.
વિદેશ મંત્રાલયની AMERICAને ચેતવણી
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિવેદનો પર ગંભીર વિરોધ નોંધાવ્યો છે. ટ્રમ્પે થોડા દિવસો અગાઉ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનીના પત્રની સામે ઝેર ઉગાળ્યું હતું, જેને લઈને અરાઘચીએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે – "જો સમજૂતી ઈચ્છો છો, તો તમારી ભાષા બદલો."
તેમણે કહ્યું કે, ખામેની સામે કરેલ અપશબ્દો માત્ર એક નેતાનું નહિ, પરંતુ સમગ્ર શિયા સમુદાય અને તેમના કરોડો અનુયાયીઓનું અપમાન છે.





