Denmark News: વિશ્વભરમાં પ્રાણી કલ્યાણ અને જૈવ વૈવિધ્યના સંરક્ષણ અંગે ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે ડેનમાર્કના સ્વાયત્ત પ્રદેશ ફેરો આઇલેન્ડ્સમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં 1000 વર્ષ જૂની પરંપરાના નામે એક જ દિવસમાં 700થી વધુ વ્હેલ અને ડોલ્ફિનનો સામૂહિક શિકાર કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાના દૃશ્યો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિશ્વભરમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. સ્થાનિક ભાષામાં ‘ગ્રીંડાદ્રાપ’ (Grindadráp) અથવા ‘ગ્રાઇન્ડ’ તરીકે ઓળખાતી આ પ્રથામાં દરિયાઈ સસ્તન પ્રાણીઓને કિનારા તરફ હાંકી લાવવામાં આવે છે અને ત્યારબાદ ધારદાર હથિયારો વડે તેમની હત્યા કરવામાં આવે છે. આ ઘટનાના કારણે દરિયાકાંઠાનું પાણી લોહીથી લાલ થઈ ગયું હતું, જેના દૃશ્યો ઘણા લોકો માટે હચમચાવી દેનારા સાબિત થયા છે.
શું છે ‘ગ્રીંડાદ્રાપ’ પરંપરા?
ફેરો આઇલેન્ડ્સ(Faroe Islands)માં સદીઓથી ચાલતી આ પરંપરાનો સંબંધ વાઇકિંગ યુગ સાથે જોડાય છે. સ્થાનિક લોકોનું માનવું છે કે દરિયાઈ જીવોનો આ શિકાર તેમની સાંસ્કૃતિક ઓળખનો એક ભાગ છે અને તેનાથી સમુદાયને ખાદ્ય પુરવઠો મળે છે. આ પ્રથા દરમિયાન બોટ દ્વારા વ્હેલ અને ડોલ્ફિનના ટોળાને દરિયાના ઓછા ઊંડાણવાળા વિસ્તારો તરફ હાંકી લાવવામાં આવે છે. ત્યારબાદ શિકારીઓ હૂક, દોરડા અને ધારદાર ચપ્પુઓની મદદથી પ્રાણીઓને કિનારે ખેંચી લાવે છે અને તેમનો વધ કરે છે. ત્યારબાદ તેમના માંસને સ્થાનિક સમુદાયમાં વહેંચી દેવામાં આવે છે. જોકે આધુનિક સમયમાં આ પરંપરા સતત વિવાદોનું કેન્દ્ર બની રહી છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેની સામે વિરોધ વધી રહ્યો છે.
એક જ દિવસમાં 706 દરિયાઈ જીવોના મોત
પર્યાવરણ અને પ્રાણી અધિકાર સંગઠનોના જણાવ્યા અનુસાર 27 મેના રોજ ફેરો આઇલેન્ડ્સના ત્રણ અલગ-અલગ દરિયાકાંઠા વિસ્તારોમાં આ સામૂહિક શિકારની ઘટનાઓ બની હતી. કુલ મળીને 706 જેટલા દરિયાઈ જીવોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. માહિતી મુજબ ‘તોર્શા વન’ વિસ્તારમાં સૌથી વધુ 402 પાયલટ વ્હેલ અને 4 બોટલનોઝ ડોલ્ફિનનો શિકાર કરવામાં આવ્યો હતો. જ્યારે ‘સ્કાલાબોટનુર’ વિસ્તારમાં 168 અને ‘હ્વાલવિક’ વિસ્તારમાં 132 એટલાન્ટિક વ્હાઇટ-સાઇડેડ ડોલ્ફિન મારવામાં આવી હતી. પ્રાણી અધિકાર કાર્યકરોનો દાવો છે કે, ઘણા પ્રાણીઓને મૃત્યુ પહેલાં લાંબા સમય સુધી પીડા સહન કરવી પડી હતી. કેટલાક કિસ્સાઓમાં તેમને મારવામાં મિનિટો નહીં પરંતુ લાંબો સમય લાગ્યો હતો, જેના કારણે પ્રાણીઓ ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં તરફડતા રહ્યા હતા.
આ પણ વાંચો: અમેરિકાનો મોટો દાવો: ઈરાન સામેનું ‘ઓપરેશન એપિક ફ્યુરી’ પૂર્ણ, છતાં મધ્ય પૂર્વમાં તણાવ અને હુમલાઓ યથાવત્
બાળકોની હાજરીમાં થયો શિકાર
આ ઘટનાનો વધુ એક ચોંકાવનારો પાસો એ છે કે શિકાર દરમિયાન કિનારે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો હાજર હતા. કેટલાક અહેવાલો મુજબ બાળકો પણ આ સમગ્ર ઘટનાના સાક્ષી બન્યા હતા. પ્રાણી અધિકાર સંગઠનોનું કહેવું છે કે આવી હિંસક પ્રવૃત્તિઓ બાળકો સામે થવી નૈતિક રીતે પણ ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. સોશિયલ મીડિયા પર શેર થયેલા વીડિયો અને તસવીરોમાં મોટી સંખ્યામાં લોકો કિનારે ઊભા રહીને આ સમગ્ર ઘટનાને નિહાળતા જોવા મળ્યા હતા.
કાયદામાં ફેરફાર બાદ વધ્યો વિવાદ
આ સમગ્ર ઘટનાને વધુ વિવાદાસ્પદ બનાવતી એક મહત્વપૂર્ણ બાબત પણ સામે આવી છે. અહેવાલો અનુસાર આ સામૂહિક શિકારના માત્ર એક દિવસ પહેલાં, એટલે કે 26 મેના રોજ, ફેરો આઇલેન્ડ્સની સંસદે પશુ કલ્યાણ કાયદામાં ફેરફાર કર્યો હતો. આ ફેરફાર હેઠળ ડોલ્ફિનને મળતી કેટલીક કાયદાકીય સુરક્ષાઓ દૂર કરવામાં આવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ નિર્ણય બાદ જ મોટા પાયે થયેલા શિકારને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. પ્રાણી કલ્યાણ સંગઠનોનું કહેવું છે કે કાયદામાં થયેલા આ ફેરફારે આવા શિકારને વધુ સરળ બનાવ્યો છે, જ્યારે સ્થાનિક સરકાર અને સમર્થકોનો દાવો છે કે આ તેમની પરંપરાગત જીવનશૈલી અને સંસ્કૃતિનો ભાગ છે.
પરંપરા કે ક્રૂરતા? વિશ્વભરમાં ચર્ચા
ફેરો આઇલેન્ડ્સમાં થતી આ પ્રથા વર્ષોથી ચર્ચાનો વિષય રહી છે. એક તરફ સ્થાનિક લોકો તેને પોતાની સંસ્કૃતિ, ઇતિહાસ અને ખાદ્ય પરંપરાનો ભાગ ગણાવે છે, તો બીજી તરફ પ્રાણી અધિકાર કાર્યકરો તેને અનાવશ્યક અને ક્રૂર ગણાવે છે. નિષ્ણાતોનું માનવું છે કે આધુનિક સમયમાં જ્યારે ખાદ્ય સુરક્ષા માટે અનેક વિકલ્પો ઉપલબ્ધ છે ત્યારે આવા સામૂહિક શિકારની આવશ્યકતા અંગે ફરી વિચારવાની જરૂર છે. ખાસ કરીને દરિયાઈ જૈવ વૈવિધ્ય અને પ્રાણી કલ્યાણને લઈને વધતી વૈશ્વિક જાગૃતિ વચ્ચે આ મુદ્દો વધુ સંવેદનશીલ બન્યો છે. આ ઘટનાએ ફરી એકવાર એ ચર્ચાને જન્મ આપ્યો છે કે શું સદીઓ જૂની પરંપરાઓને આધુનિક નૈતિક મૂલ્યો અને પ્રાણી કલ્યાણના ધોરણો સામે પુનઃમૂલ્યાંકન કરવાની જરૂર છે કે નહીં.





