Home International European Union Bans Iran Irgc Terrorist Organization List

ઈરાન પર યુરોપિયન યુનિયનની મોટી કાર્યવાહી : IRGCને આતંકવાદી સંગઠનોની યાદીમાં સામેલ કરવાનો નિર્ણય

ઈરાન પર યુરોપિયન યુનિયનની મોટી કાર્યવાહી
Published by: OBS Bureau
Last Updated: Jan 29, 2026, 05:35 PM IST

અમેરિકા સાથે ચાલી રહેલા ભારે તણાવની વચ્ચે હવે યુરોપિયન યુનિયન (EU) એ પણ ઈરાન વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું છે. યુરોપિયન યુનિયને ઈરાનની શક્તિશાળી સૈન્ય પાંખ 'ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ' (IRGC) ને અલ-કાયદા, ઈસ્લામિક સ્ટેટ અને હમાસ જેવા ખતરનાક આતંકવાદી સંગઠનોની યાદીમાં મૂકવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા ખામેનેઈની મુશ્કેલીઓમાં ધરખમ વધારો થવાની શક્યતા છે.

આતંકવાદી જેવું કૃત્ય તો આતંકવાદી જેવો જ વ્યવહાર: કાજા કલ્લાસ

યુરોપિયન કમિશનના ઉપાધ્યક્ષ કાજા કલ્લાસે આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે IRGC એ ઈરાનમાં વિરોધ પ્રદર્શનો દરમિયાન અંદાજે 6373 નિર્દોષ લોકોની હત્યા કરી છે. તેમણે ગુરુવારે સ્પષ્ટપણે કહ્યું કે જો કોઈ સંગઠન આતંકવાદીની જેમ વર્તે છે, તો તેની સાથે આતંકવાદી જેવો જ વ્યવહાર થવો જોઈએ. આ યાદીમાં સામેલ થયા બાદ IRGC ના સભ્યો પર EU દેશોમાં પ્રવેશવા પર પ્રતિબંધ લાગી શકે છે અને તેમની સંપત્તિઓ પણ જપ્ત કરવામાં આવી શકે છે.

ફ્રાન્સના બદલાયેલા વલણથી ઈરાન એકલું પડ્યું

અગાઉ ફ્રાન્સ આ દરખાસ્તનો વિરોધ કરી રહ્યું હતું કારણ કે તેને ઈરાનમાં ફસાયેલા પોતાના નાગરિકોની સુરક્ષાની ચિંતા હતી. જોકે, હવે ફ્રાન્સે પોતાનું વલણ બદલ્યું છે. ફ્રાન્સના વિદેશ મંત્રી જીન-નોએલ બારોટે જણાવ્યું કે ઈરાનમાં શાંતિપૂર્ણ દેખાવો પર જે આતતાયી દમન ગુજારવામાં આવ્યું છે, તેનો જવાબ આપવો અનિવાર્ય છે. ઈટાલી, સ્પેન અને જર્મની જેવા દેશો પહેલેથી જ આ પ્રસ્તાવના સમર્થનમાં હતા, હવે ફ્રાન્સના જોડાવાથી ઈરાન કૂટનીતિક રીતે ઘેરાયું છે.

શા માટે IRGC ઈરાન માટે અત્યંત મહત્વનું છે?

IRGC એ ઈરાનની સામાન્ય સેનાથી અલગ અને સૌથી શક્તિશાળી સૈન્ય શાખા છે. વર્ષ 1979 માં ઈસ્લામિક ક્રાંતિની રક્ષા માટે આ પાંખ બનાવવામાં આવી હતી, જે સીધી સુપ્રીમ લીડરને રિપોર્ટ કરે છે. ઈરાનની અર્થવ્યવસ્થા, રાજકારણ અને વિદેશ નીતિમાં આ સંગઠનનો મોટો હસ્તક્ષેપ છે. અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા તેને અગાઉ જ આતંકવાદી સંગઠન જાહેર કરી ચૂક્યા છે, હવે યુરોપના આ નિર્ણયથી ઈરાન પર આંતરરાષ્ટ્રીય દબાણ ચરમસીમાએ પહોંચશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now