Paris Temperature: યુરોપના અનેક દેશો હાલમાં ઇતિહાસની સૌથી ગંભીર હીટવેવનો સામનો કરી રહ્યા છે. અસહ્ય ગરમીના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે, જ્યારે ફ્રાન્સ, સ્પેન, ઇટાલી અને બ્રિટન જેવા દેશોમાં તાપમાનના તમામ જૂના રેકોર્ડ તૂટી રહ્યા છે. સૌથી વધુ અસર ફ્રાન્સમાં જોવા મળી રહી છે, જ્યાં સરકારે દેશના મોટા ભાગમાં સર્વોચ્ચ સ્તરનું 'રેડ હીટ એલર્ટ' જાહેર કર્યું છે. સતત વધી રહેલા તાપમાનને કારણે લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી રહી છે અને અત્યાર સુધીમાં 40થી વધુ લોકોના મોત નોંધાયા છે.
ફ્રાન્સના રાષ્ટ્રીય હવામાન વિભાગ 'મેટિયો-ફ્રાન્સ'એ ખાસ કરીને વૃદ્ધો, બાળકો, ગર્ભવતી મહિલાઓ અને ગંભીર બીમારીઓથી પીડાતા લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ હીટવેવ સામાન્ય ગરમી નથી, પરંતુ આબોહવા પરિવર્તનના કારણે વધુ ગંભીર બની રહેલી અસામાન્ય પરિસ્થિતિ છે.
પેરિસમાં 147 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
ફ્રાન્સની રાજધાની પેરિસમાં આ વર્ષે જૂન મહિનામાં જે ગરમી નોંધાઈ છે તે છેલ્લા 147 વર્ષના ઇતિહાસમાં ક્યારેય જોવા મળી નહોતી. વર્ષ 1872થી અત્યાર સુધીના રેકોર્ડમાં પહેલીવાર સતત અનેક દિવસો સુધી તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહ્યું છે. ફ્રાન્સના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં આવેલા પિસોસ (Pissos) શહેરમાં તાપમાનનો પારો 44.3 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો, જે આ હીટવેવ દરમિયાન નોંધાયેલું સૌથી વધુ તાપમાન છે. દેશનું સરેરાશ તાપમાન પણ વધીને 29.8 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે, જે અત્યાર સુધીનો નવો રાષ્ટ્રીય રેકોર્ડ માનવામાં આવી રહ્યો છે.
હીટવેવથી 40થી વધુ લોકોના મોત
આ હીટવેવ માત્ર અસહ્ય ગરમી પૂરતી મર્યાદિત રહી નથી, પરંતુ હવે જીવલેણ સાબિત થઈ રહી છે. ફ્રાન્સમાં અત્યાર સુધી ગરમીના કારણે સીધા 40થી વધુ લોકોના મોત નોંધાયા છે. મૃતકોમાં ગરમ કારમાં ફસાઈ ગયેલા બાળકોનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત ગરમીથી રાહત મેળવવા માટે લોકો નદીઓ, તળાવો અને કેનાલોમાં નહાવા ઉતરી રહ્યા છે, જ્યાં સુરક્ષા વ્યવસ્થાના અભાવે ડૂબી જવાના અનેક બનાવો પણ સામે આવ્યા છે. એક ચોંકાવનારી ઘટનામાં ફ્રાન્સમાં બસમાં એર કન્ડિશનિંગ ન હોવાથી એક બસ ડ્રાઈવર ડ્રાઈવિંગ દરમિયાન જ ગરમીના કારણે બેભાન થઈ ગયો હતો, જેના કારણે બસ અકસ્માતનો ભોગ બની હતી.
'હીટ ડોમ' શું છે? કેમ વધી રહી છે આટલી ગરમી?
હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આ સમગ્ર હીટવેવ પાછળનું મુખ્ય કારણ 'હીટ ડોમ' છે. જ્યારે વાતાવરણમાં ઊંચા દબાણ (High Pressure System)નું મજબૂત ક્ષેત્ર લાંબા સમય સુધી એક વિસ્તારમાં સ્થિર રહે છે, ત્યારે તે ગરમ હવાને બહાર નીકળવા દેતું નથી. પરિણામે સૂર્યની ગરમી સતત એક જ વિસ્તારમાં ફસાઈ રહે છે અને તાપમાન ઝડપથી વધે છે. આ પરિસ્થિતિમાં આકાશ સ્વચ્છ રહે છે, સૂર્યપ્રકાશ વધુ તીવ્ર બને છે અને દિવસ-રાત બંને સમયે તાપમાન અસામાન્ય રીતે ઊંચું રહે છે.
યુરોપ ગરમી સામે કેમ લાચાર બન્યું?
ફ્રાન્સ, ઇટાલી અને સ્પેન જેવા યુરોપિયન દેશોમાં ઐતિહાસિક રીતે અત્યંત ગરમી ભાગ્યે જ પડતી હતી. તેથી અહીંના મોટાભાગના જૂના મકાનો અને શહેરોની રચના ઠંડા હવામાનને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. ઘણા ઘરોમાં આજે પણ એર કન્ડિશનરની વ્યવસ્થા નથી. હવે ગ્લોબલ વોર્મિંગના કારણે તાપમાનમાં ઝડપથી વધારો થતાં કરોડો લોકો એસી વગરના ઘરોમાં અસહ્ય ગરમી સહન કરવા મજબૂર બન્યા છે. વીજળીની માંગમાં પણ ભારે વધારો થયો છે અને આરોગ્ય સેવાઓ પર દબાણ વધી રહ્યું છે.
આ પણ વાંચો: Rolex ઘડિયાળથી MacBook સુધી... : સરકાર પહેલીવાર વેચી રહી છે વિદેશી મહેમાનોની કરોડોની ભેટો
બ્રિટન, સ્પેન અને ઇટાલીમાં પણ રેકોર્ડ તૂટ્યા
માત્ર ફ્રાન્સ જ નહીં, બ્રિટનમાં પણ આ વર્ષે જૂન મહિનાના સૌથી ગરમ દિવસો નોંધાયા છે. સ્પેન અને ઇટાલીમાં પણ અનેક વિસ્તારોમાં હીટ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે, આ વર્ષે હીટવેવ સામાન્ય કરતાં ઘણી વહેલી શરૂ થઈ છે, જે ભવિષ્ય માટે ગંભીર ચેતવણી સમાન છે. વર્ષ 2003માં યુરોપમાં આવેલી વિનાશક હીટવેવ જેવી સ્થિતિ ફરી સર્જાવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગ્લોબલ વોર્મિંગને લઈને વૈજ્ઞાનિકોની ચેતવણી
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આ પ્રકારની અતિશય ગરમી પાછળ માનવસર્જિત ક્લાઈમેટ ચેન્જ મુખ્ય કારણ છે. વધતું ગ્લોબલ વોર્મિંગ હીટવેવને વધુ તીવ્ર, લાંબી અને વારંવાર બનતી બનાવી રહ્યું છે. તેમનું માનવું છે કે, એકલદોકલ હીટવેવને સંપૂર્ણપણે ગ્લોબલ વોર્મિંગ સાથે જોડવી યોગ્ય નથી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં યુરોપમાં વધતી ગરમીના રેકોર્ડ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે, આબોહવા પરિવર્તનની અસર હવે વધુ ગંભીર બની રહી છે. જો કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે તાત્કાલિક પગલાં નહીં લેવાય તો ભવિષ્યમાં આવી હીટવેવ વધુ વિનાશક સાબિત થઈ શકે છે.





