Home International Canada Csis Air India Flight 182 Khalistani Extremists Acknowledgement

ફ્લાઇટ 182; ચાર દાયકા બાદ એર ઈન્ડિયા બ્લાસ્ટ પર હવે કેનેડાની કબૂલાત : 41 વર્ષ સુધી છુપાયેલું સત્ય આખરે આવ્યું બહાર

Air India Flight 182
Image Credit: AI
Published by: Aryan Shah
Last Updated: Jun 26, 2026, 11:57 AM IST

Air India Flight 182 : વર્ષ 1985ની એ આ આઘાતજનક ઘટના આજે પણ ભારત અને કેનેડાના ઇતિહાસમાં એક કાળા ધબ્બા સમાન છે. 23 જૂન 1985ના રોજ કેનેડાના ટોરોન્ટોથી ઉપડેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ 182 જ્યારે લંડન થઈને મુંબઈ તરફ આવી રહી હતી, ત્યારે તેમાં એક ભયંકર બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે પ્લેન હવામાં જ ટુકડા થઈ ગયું હતું. આ ભયાનક દુર્ઘટનાને કેનેડાની ધરતી પરથી ઓપરેટ થયેલો અત્યાર સુધીનો સૌથી મોટો અને ઘાતક આતંકવાદી હુમલો માનવામાં આવે છે. લાંબા સમય સુધી આ મામલે મૌન સેવ્યા બાદ, હવે આશરે 41 વર્ષ પછી કેનેડાએ સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે આ હુમલા પાછળ કેનેડામાં સક્રિય ખાલિસ્તાની આતંકવાદીઓનો જ હાથ હતો.

ભયાનક દુર્ઘટના અને માસૂમોની ચીખ

23 જૂન 1985ના રોજ બનેલી આ ઘટનામાં વિમાને હવામાં જ પોતાનું સંતુલન ગુમાવી દીધું હતું કારણ કે તેના કાર્ગો એરિયામાં વિસ્ફોટકો મૂકવામાં આવ્યા હતા. આ હુમલામાં 22 ક્રૂ મેમ્બર અને 307 મુસાફરો સહિત કુલ 329 નિર્દોષ લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા. વિમાન જ્યારે એટલાન્ટિક મહાસાગર પરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે જ આ બ્લાસ્ટ થયો અને ક્ષણભરમાં બધું જ તબાહ થઈ ગયું. ચાર દાયકાના લાંબા સમયગાળામાં આ પહેલીવાર બન્યું છે જ્યારે કેનેડાની સરકારે અથવા તેની કોઈ મોટી એજન્સીએ દેશમાં વસતા ખાલિસ્તાની આતંકવાદીઓને પ્લેનમાં વિસ્ફોટકો ગોઠવવા માટે સીધા જવાબદાર અને દોષી ઠેરવ્યા છે. ભારતે આ ઘટનાના પહેલા દિવસથી જ આને ખાલિસ્તાની કાવતરું ગણાવ્યું હતું, જેના પર હવે કેનેડાએ પણ મહોર મારી દીધી છે.

આ પણ ખાસ વાંચો : યુરોપ આગની ભઠ્ઠી બન્યું! : પેરિસમાં 147 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, 44 ડિગ્રી પાર પહોંચ્યો પારો; હીટવેવથી 40થી વધુના મોત

કેનેડિયન સુરક્ષા એજન્સી CSISનો ખુલાસો

આ સમગ્ર વિવાદ અને ઐતિહાસિક વળાંક ત્યારે આવ્યો જ્યારે કેનેડિયન સિક્યુરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ (CSIS) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર એક સત્તાવાર પોસ્ટ શેર કરી. આ પોસ્ટમાં એજન્સીએ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું કે, "23 જૂન 1985ના રોજ કેનેડામાં સ્થિત ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા મૂકવામાં આવેલા બોમ્બના કારણે એર ઈન્ડિયા ફ્લાઇટ 182 તબાહ થઈ ગઈ હતી. આ ભયાનક હુમલામાં સવાર તમામ 329 લોકોના મોત થયા હતા, જેમાં મોટાભાગના મુસાફરો કેનેડિયન નાગરિકો હતા." એજન્સીએ વધુમાં સ્વીકાર્યું કે આ હુમલો કેનેડાના સમગ્ર ઇતિહાસનો સૌથી ઘાતક અને ક્યારેય ન ભૂલી શકાય તેવો આતંકવાદી હુમલો છે.

બબ્બર ખાલસાનું કાવતરું અને કાળો ઇતિહાસ

આ ભયાનક આતંકવાદી હુમલાની તપાસમાં બહાર આવ્યું હતું કે ખાલિસ્તાની સમર્થક સંગઠન 'બબ્બર ખાલસા' ના સભ્યો દ્વારા મુસાફરોના સામાન રાખવાના ડબ્બામાં (કાર્ગો હોલ્ડ) ગુપ્ત રીતે બોમ્બ છુપાવવામાં આવ્યો હતો. આ વિસ્ફોટ એટલો સુઆયોજિત હતો કે પ્લેનના પાયલટોને ઈમરજન્સી સિગ્નલ મોકલવાનો પણ સમય મળ્યો નહોતો. વર્ષ 2001માં અમેરિકા પર થયેલા 11 સપ્ટેમ્બર (9/11) ના આતંકી હુમલા પહેલા, એર ઇન્ડિયાની આ ઘટનાને વિશ્વનો સૌથી ઘાતક ઉડ્ડયન આતંકવાદ (Aviation Terrorism) માનવામાં આવતો હતો. આ ઘટનાની ગંભીરતાને જોતા, વર્ષ 2005ની શરૂઆતમાં કેનેડા સરકારે દર વર્ષની 23 જૂનને આ દુર્ઘટનામાં ભોગ બનેલા નિર્દોષ લોકોની યાદમાં 'રાષ્ટ્રીય સ્મૃતિ દિવસ' (National Day of Remembrance) તરીકે જાહેર કર્યો હતો.

આ પણ ખાસ વાંચો : 27 જૂને 1 કિલોમીટર જેટલો વિશાળ એસ્ટરોઇડ પૃથ્વી પાસેથી પસાર થશે : શું ખરેખર કોઈ ખતરો છે? NASAએ આપી મહત્વની માહિતી

ગુપ્તચર એજન્સીની અગાઉની ચેતવણીઓ

કેનેડાની આ સુરક્ષા એજન્સીએ અગાઉ એક વાર્ષિક અહેવાલ બહાર પાડ્યો હતો, જેમાં કેનેડામાં વધી રહેલા ખાલિસ્તાની ઉગ્રવાદને દેશની આંતરિક સુરક્ષા માટે એક મોટો ખતરો ગણાવ્યો હતો. આ અહેવાલ બહાર આવ્યાના થોડા મહિનાઓ બાદ જ એજન્સીએ સત્તાવાર રીતે બબ્બર ખાલસા પર દોષનો ટોપલો ઢાંક્યો છે. પોતાના અહેવાલમાં એજન્સીએ ચેતવણી આપી હતી કે કેનેડાની ધરતી પર સક્રિય ખાલિસ્તાની જૂથો પોતાના હિંસક અને કટ્ટરપંથી એજન્ડાને પ્રોત્સાહન આપવા માટે દેશનો દુરુપયોગ કરી રહ્યા છે. એટલું જ નહીં, આ જૂથો ભારતમાં વિધ્વંસક પ્રવૃત્તિઓ કરવા માટે કેનેડામાંથી જ મોટા પાયે ફંડિંગ અને આયોજન પણ કરી રહ્યા છે.

કેનેડાની રાજનીતિ અને ભારતનું સાચું વલણ

છેલ્લા ઘણા વર્ષોથી કેનેડાની સરકાર વોટ બેંકની રાજનીતિ અથવા અન્ય કારણોસર એ સ્વીકારવાનો ઇનકાર કરતી રહી હતી કે તેની ભૂમિનો ઉપયોગ ખાલિસ્તાની કટ્ટરપંથીઓ દ્વારા આતંક ફેલાવવા માટે થઈ રહ્યો છે. ભૂતકાળમાં તો કેનેડાની સરકારે ભારત પર જ કેનેડિયન નાગરિકો વિરુદ્ધ ઝુંબેશ ચલાવવાનો અને તેમની સાર્વભૌમત્વમાં દખલ કરવાનો આરોપ લગાવ્યો હતો. પરંતુ હવે જ્યારે કેનેડાની પોતાની જ ટોચની સુરક્ષા એજન્સીઓ આ ખાલિસ્તાન નેટવર્કના વાસ્તવિક ખતરા પ્રત્યે જાગૃત થઈ ગઈ છે અને સત્ય સ્વીકારી રહી છે, ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના વર્ષો જૂના વલણને બહુ મોટું સમર્થન મળ્યું છે. ભારત હંમેશાંથી કહેતું આવ્યું છે કે આતંકવાદ સામે વૈશ્વિક લડાઈ જરૂરી છે અને કોઈ પણ દેશે આતંકીઓને આશ્રય આપવો જોઈએ નહીં.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now