Home Gujarat Etomidate Drug Seizure Update Aramex Hub Rudra Enterprise

ઇટોમિડેટ કેસમાં તપાસ દરમિયાન વધુ 2 જપ્તી : Aramex Hub અને Rudra Enterprise માંથી મળ્યો ડ્રગ્સનો જથ્થો

ઇટોમિડેટ કેસમાં તપાસ દરમિયાન વધુ 2 જપ્તી
Published by: OBS Bureau
Last Updated: Mar 11, 2026, 09:42 AM IST

ગુજરાતમાં પ્રતિબંધિત સાયકોટ્રોપિક પદાર્થ એટોમિડેટ (Etomidate) ના ગેરકાયદેસર નિકાસના મસમોટા નેટવર્કનો પર્દાફાશ થયા બાદ, ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ આ કેસમાં વધુ સફળતા મેળવી છે. અગાઉ ઝડપાયેલા આરોપીની પૂછપરછના આધારે ATS એ વધુ બે આરોપીઓની ધરપકડ કરી હતી અને મુંબઈ એરપોર્ટ પરથી વિદેશ મોકલવામાં આવતો 22 કિલોગ્રામ એટોમિડેટનો જથ્થો જપ્ત કર્યો હતો. ત્યારે ઇટોમિડેટ ડ્રગ્સ કેસમાં તપાસ આગળ વધતા તપાસ એજન્સીઓએ વધુ મહત્વપૂર્ણ જપ્તી કરી છે. તપાસ દરમિયાન વધુ બે સ્થળોથી ઇટોમિડેટનો જથ્થો ઝડપાયો હોવાનું બહાર આવ્યું છે.

તપાસમાં સામે આવ્યું છે કે આરોપી નિકુંજ ગઢીયા દ્વારા એર કાર્ગો માટે મોકલવામાં આવેલા પેકેજમાંથી 4 કિલો ઇટોમિડેટ જપ્ત કરવામાં આવ્યું છે. આ જથ્થો Aramex ના હબમાંથી ઝડપાયો હતો. મળતી માહિતી મુજબ આ પાર્સલ 2 માર્ચના રોજ ડીએસયુએન કેમિકલ્સ એન્ડ ફાર્મા નામની કંપની દ્વારા મોકલવામાં આવ્યું હતું, જે આરોપીના નામે નોંધાયેલ નથી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ પાર્સલ મુખ્ય કાર્ટેલ સભ્ય Chua Zhi Xuan ને મોકલવામાં આવી રહ્યું હતું. તપાસને ભટકાવવા માટે પાર્સલ પર ખોટું લેબલ લગાવવામાં આવ્યું હતું અને તેને “એલોવેરા પાવડર” તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત આરોપી ચેતન વવાડિયાના નામે નોંધાયેલ Rudra Enterprise ના ઓફિસ પરિસરમાંથી પણ 5 કિલો ઇટોમિડેટ API જપ્ત કરવામાં આવ્યું છે.

કુલ જપ્તીનો જથ્થો

તપાસ એજન્સીઓ દ્વારા અત્યાર સુધીમાં લોજિસ્ટિક્સ હબમાંથી 30 કિલો ઇટોમિડેટ (કસ્ટમ્સ ક્લિયરન્સ બાકી), સુરતની ઓફિસ પરિસરમાંથી 5 કિલો ઇટોમિડેટ, એર કાર્ગો હબમાંથી 4 કિલો ઇટોમિડેટ, Thailandના કાયદા અમલીકરણ અધિકારીઓ દ્વારા 15 કિલોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

તપાસ એજન્સીઓ દ્વારા સમગ્ર ડ્રગ્સ નેટવર્ક અને તેમાં સંડોવાયેલા આંતરરાષ્ટ્રીય કનેક્શન્સ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ કેસમાં હજુ વધુ ખુલાસા થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now