વિશ્વના સૌથી ધનિક લોકોમાંના એક અને ટેસ્લા, સ્પેસએક્સ અને એક્સ જેવી કંપનીઓના માલિક એલોન મસ્કે શનિવારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેક્સ અને ખર્ચ બિલના તાજેતરના સીનેટ ડ્રાફ્ટની ઝાટકણી કાઢી હતી. તેમણે કટાક્ષમાં આ બિલને 'બિગ બ્યુટીફૂલ બિલ' ગણાવ્યું હતું. એલોન મસ્કે ચેતવણી આપતા કહ્યું કે, તે નિર્ણય અમેરિકાને 'ગંભીર રણનીતિક નુકસાન' પહોંચાડશે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, ''આ સીનેટ ડ્રાફ્ટ અમેરિકામાં લાખો નોકરીઓ ખતમ કરશે અને આપણા દેશને ભારે રણનીતિક નુકસાન પહોંચાડશે''
મેડિકેડ અને ફૂડ સ્ટેમ્પના ખર્ચમાં મોટો કાપ મૂકતો બિલ?
મસ્કે કહ્યું, ''આ બિલ ભવિષ્યના ઉદ્યોગોને નુકસાન પહોંચાડવાના ભોગે જૂના ઉદ્યોગોને છૂટ આપે છે'' આ પ્રસ્તાવ 940 પાના લાંબો છે, જેને સેનેટમાં રિપબ્લિકન કાયદા ઘડનારાઓ ટ્રમ્પની 4 જુલાઈની સમયમર્યાદા હેઠળ ઝડપથી પસાર કરવા માટે કામ કરી રહ્યા છે. આ બિલ મેડિકેડ અને ફૂડ સ્ટેમ્પ જેવા કાર્યક્રમોમાં મોટા ખર્ચમાં કાપને ટેક્સ બ્રેક્સ, સંરક્ષણ અને દેશનિકાલ માટે વધેલા ભંડોળ સાથે જોડે છે.
4 જુલાઈ પહેલા બિલ પાસ કરાવશે!
ટ્રમ્પે રિપબ્લિકન કાયદા ઘડનારાઓને જેમની પાસે હાલમાં સેનેટ અને હાઉસ બંનેમાં બહુમતી છે, રજાઓને ટાળીને 4 જુલાઈ પહેલા આ મુખ્ય બિલ પસાર કરવા સૂચના આપી છે. આ બિલનો મુખ્ય ભાગ ટ્રમ્પની $350 બિલિયનની સરહદ અને રાષ્ટ્રીય સુરક્ષા યોજના છે, જેમાં યુએસ-મેક્સિકો સરહદ દિવાલના વિસ્તરણ માટે $46 બિલિયન, 1 લાખ સ્થળાંતર અટકાયત માટે $45 બિલિયન અને 10,000 નવા ICE અધિકારીઓની ભરતીનો સમાવેશ થાય છે જેમને $10,000 સાઇનિંગ બોનસ આપવામાં આવશ. આ આખી યોજના ટ્રમ્પના યુએસ ઇતિહાસમાં સૌથી મોટા સામૂહિક દેશનિકાલ અભિયાન શરૂ કરવાના વચનનો એક ભાગ છે. જેનો ઉદ્દેશ્ય દર વર્ષે દેશમાંથી લગભગ 10 લાખ લોકોને દૂર કરવાનો છે. રિપબ્લિકન નેતાઓ ડેમોક્રેટિક વિરોધ છતાં બિલ પસાર કરવા માટે સેનેટમાં તેમની બહુમતીનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે

_7a9ea281-7f7b-4fca-aaf9-9bbf8bd0213d.jpg)




