Home National Eknath Shinde Hospitalised Thane Health Update Maharashtra

મહારાષ્ટ્રના ડેપ્યુટી CM એકનાથ શિંદેની તબિયત અચાનક લથડી : હોસ્પિટલમાં દાખલ થતાં તમામ કાર્યક્રમો રદ

Eknath Shinde Health
Image Credit: pinterest
Published by: Nirali Gohil
Last Updated: Jul 04, 2026, 06:17 AM IST

Eknath Shinde Health: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની તબિયત અચાનક બગડતાં તેમને થાણે સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સતત રાજકીય વ્યસ્તતા અને અનેક કાર્યક્રમોમાં ભાગ લીધા બાદ તેમને છેલ્લા બે દિવસથી તાવ, શરીરમાં દુઃખાવો અને ભારે અશક્તિ અનુભવાઈ રહી હતી. તબીબોની સલાહ બાદ સાવચેતીના ભાગરૂપે તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર એકનાથ શિંદેની સ્થિતિ હાલ સ્થિર છે અને ચિંતાજનક નથી. ડોક્ટરોની વિશેષ ટીમ તેમની તબિયત પર સતત નજર રાખી રહી છે તેમજ જરૂરી તબીબી તપાસો પણ કરવામાં આવી રહી છે. આરોગ્ય સુધરે ત્યાં સુધી તેમના તમામ જાહેર કાર્યક્રમો અને રાજકીય બેઠકઓ રદ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

ડોક્ટરોની દેખરેખ હેઠળ ચાલી રહી છે સારવાર

અહેવાલો અનુસાર, એકનાથ શિંદેને ગઈકાલથી સતત તાવ આવતો હતો અને સાથે શરીરમાં દુઃખાવો તેમજ થાકની ફરિયાદ પણ હતી. શરૂઆતમાં ઘરેથી જ સારવાર લેવામાં આવી હતી, પરંતુ તબિયતમાં ખાસ સુધારો ન જોવા મળતા ડોક્ટરોએ તેમને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી હતી. હાલ તેમની નિયમિત હેલ્થ મોનિટરિંગ કરવામાં આવી રહી છે અને વિવિધ તબીબી પરીક્ષણો દ્વારા તેમની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. હોસ્પિટલ તરફથી સત્તાવાર મેડિકલ બુલેટિન જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ નજીકના સૂત્રોનું કહેવું છે કે શિંદે ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે.

આ પણ વાંચો: મોદી સરકારનો આતંકવાદ પર મોટો પ્રહાર! : UAPA હેઠળ LeT-JeM સાથે જોડાયેલા 23 લોકો આતંકવાદી જાહેર, ગૃહ મંત્રાલયે બહાર પાડી યાદી

રાજકીય ગરમાવો વચ્ચે શિંદેની તબિયત લથડી

એકનાથ શિંદેની તબિયત એવા સમયે બગડી છે જ્યારે મહારાષ્ટ્રના રાજકારણમાં ફરીથી ભારે હલચલ જોવા મળી રહી છે. તાજેતરમાં જ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેનાને મોટો ફટકો પડ્યો હતો અને તેમના જૂથના છ સાંસદોએ એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનામાં જોડાવાનો નિર્ણય લીધો હતો. આ ઘટનાને મહારાષ્ટ્રની રાજનીતિમાં મહત્વપૂર્ણ વિકાસ તરીકે જોવામાં આવી રહી છે. શિવસેનાના બંને જૂથો વચ્ચે રાજકીય ટકરાવ વચ્ચે આ પક્ષપલટાએ નવી ચર્ચાઓને જન્મ આપ્યો છે.

‘અમે ઓપરેશન ક્યારેય અધૂરું છોડતા નથી’ : શિંદે

તાજેતરમાં જ પક્ષપલટા અંગે પ્રતિક્રિયા આપતાં એકનાથ શિંદેએ વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “આજે છ સાંસદો અમારી સાથે જોડાયા છે. હવે અહીં માત્ર એક નહીં, પરંતુ છ-છ વાઘ હાજર છે. અમે કોઈપણ ઓપરેશનને અધૂરું છોડતા નથી અને આ રાજકીય અભિયાન સંપૂર્ણપણે સફળ રહ્યું છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તમામ કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ જ સાંસદોને પક્ષમાં સામેલ કરવામાં આવ્યા છે. તેમના આ નિવેદન બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ચર્ચાનો માહોલ વધુ ગરમાયો હતો.

આ પણ વાંચો: લાલુ પ્રસાદ અને રાબડી દેવી માટે બિહાર સરકારનો મોટો યુ-ટર્ન : ફરી મળી Z-કેટેગરી સુરક્ષા અને બુલેટપ્રૂફ ગાડી

સમર્થકોમાં ચિંતા, ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છાઓ

એકનાથ શિંદે હોસ્પિટલમાં દાખલ થયાની માહિતી સામે આવતા તેમના સમર્થકો અને શિવસેના કાર્યકરોમાં ચિંતા જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં લોકો તેમના ઝડપી સ્વાસ્થ્યલાભ માટે શુભેચ્છા પાઠવી રહ્યા છે. રાજકીય વર્તુળોમાં પણ શિંદેની તબિયત અંગે સતત અપડેટ લેવામાં આવી રહ્યા છે. આગામી કેટલાક દિવસોમાં તેમના આરોગ્યમાં સુધારો થતાં તેઓ ફરી જાહેર જીવનમાં સક્રિય થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now