પહેલાંથી જ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા અનિલ અંબાણીને વધુ એક ઝટકો લાગ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપ ઓફ કંપનીઝના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (CFO) અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અશોક કુમાર પાલને નકલી બેંક ગેરંટી કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ગેરરીતિના આરોપસર કસ્ટડીમાં લીધા છે.
સૂત્રો અનુસાર, એજન્સીએ અશોક પાલનીને લાંબી પૂછપરછ બાદ પુરાવા એકત્ર કર્યા બાદ આ પગલું ભર્યું. તપાસમાં જાણવા મળ્યું છે કે નકલી બેંક ગેરંટીનો ઉપયોગ કરીને મોટી રકમ ગેરકાયદે રીતે ફેરવાઈ હતી.
ED અશોક પાલને ન્યાયિક અધિકારી સમક્ષ રજુ કરીને રિમાન્ડની માંગણી કરશે. અધિકારીઓ કહે છે કે આ કેસમાં અન્ય જોડાયેલા વ્યક્તિઓ અને સંસ્થાઓની પણ ભૂમિકા તપાસ હેઠળ છે.
અનિલ અંબાણીના ઉદ્યોગ સમૂહ માટે આ ઘટના વધુ એક આઘાતરૂપ સાબિત થઈ શકે છે. ગ્રુપ પહેલાથી જ અનેક નાણાકીય દબાણો અને કાનૂની વિવાદોમાં સપડાયેલું છે, અને હવે EDની કાર્યવાહીથી મુશ્કેલીઓમાં વધારો થવાની શક્યતા છે.
તપાસ એજન્સીનું કહેવું છે કે, આ સમગ્ર કેસ મની લોન્ડરિંગ અને દસ્તાવેજી ગેરવહીવટના વિશાળ જાળ સાથે સંબંધિત છે, અને વધુ ધરપકડો થવાની સંભાવના નકારી શકાય તેમ નથી.