દેશમાં E20 એટલે કે 20 ટકા ઇથેનોલ અને 80 ટકા પેટ્રોલના મિશ્રણવાળા ઇંધણને લઈને છેલ્લા કેટલાક સમયથી ચર્ચા અને વિવાદ બંને જોવા મળી રહ્યા છે. કેન્દ્ર સરકારનું માનવું છે કે ઇથેનોલ મિશ્રણ વધારવાથી ક્રૂડ ઓઇલની આયાતમાં ઘટાડો થશે, ખેડૂતોને શેરડી અને અન્ય કૃષિ પાકમાંથી વધારાની આવક મળશે તેમજ પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદ મળશે. બીજી તરફ કેટલાક વાહન નિષ્ણાતો અને ગ્રાહકો એન્જિન પર તેની અસર, માઇલેજમાં ઘટાડો અને જૂના વાહનોની સુસંગતતા જેવા મુદ્દાઓને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. આ વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આખરે E20 ફ્યૂલનો વિચાર ક્યાંથી આવ્યો અને વિશ્વના કેટલા દેશોમાં તેનો વાસ્તવિક ઉપયોગ થઈ રહ્યો છે.
E20 ફ્યૂલનો કોન્સેપ્ટ ક્યાંથી આવ્યો?
વિશ્વમાં પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાનો વિચાર મુખ્યત્વે પેટ્રોલિયમ પરની નિર્ભરતા ઘટાડવા, સ્થાનિક કૃષિ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને કાર્બન ઉત્સર્જન ઘટાડવાના હેતુથી શરૂ થયો હતો. ઇથેનોલ મુખ્યત્વે શેરડી, મકાઈ અને અન્ય કૃષિ પાકમાંથી બનાવવામાં આવે છે. 1970ના દાયકામાં વૈશ્વિક તેલ સંકટ બાદ અનેક દેશોએ વૈકલ્પિક ઇંધણના વિકલ્પો શોધવાનું શરૂ કર્યું હતું. તે સમયે બ્રાઝિલે શેરડીના મોટા ઉત્પાદનનો લાભ લઈને ઇથેનોલ આધારિત ઇંધણ નીતિ અમલમાં મૂકી હતી. ત્યારથી બ્રાઝિલ વિશ્વમાં ઇથેનોલ આધારિત પરિવહન વ્યવસ્થામાં અગ્રણી દેશ તરીકે ઓળખાય છે.
કયા દેશોમાં E20નો સૌથી વધુ ઉપયોગ થાય છે?
વિશ્વસ્તરે જોવામાં આવે તો બ્રાઝિલ E20 અથવા તેનાથી વધુ ઇથેનોલ મિશ્રણવાળા પેટ્રોલનો સૌથી જૂનો અને સફળ ઉપયોગ કરતો દેશ છે. છેલ્લા અનેક દાયકાઓથી ત્યાં લગભગ E18થી E27.5 સુધીના ઇથેનોલ મિશ્રણવાળા પેટ્રોલનો ઉપયોગ કરવામાં આવે છે. એટલું જ નહીં, બ્રાઝિલમાં ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો માટે E20થી લઈને E100 સુધીના વિવિધ પ્રકારના ઇંધણ પેટ્રોલ પંપ પર સરળતાથી ઉપલબ્ધ છે. લાંબા સમયથી આવી નીતિ અમલમાં હોવાથી ત્યાંના વાહન ઉત્પાદકોએ પણ પોતાના એન્જિનને ઇથેનોલ માટે અનુકૂળ બનાવ્યા છે, જેના કારણે ટેક્નિકલ સમસ્યાઓ ખૂબ ઓછી જોવા મળે છે.
થાઈલેન્ડ પણ E20ને સફળતાપૂર્વક અપનાવનાર દેશોમાં સામેલ છે. વર્ષ 2008થી ત્યાં E20નું વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું અને સરકાર આજે પણ E10, E20 તેમજ E85 જેવા ઇંધણને સક્રિય રીતે પ્રોત્સાહન આપે છે. E20 પર કેટલીક યોજનાઓ હેઠળ સબસિડી પણ આપવામાં આવે છે, જેના કારણે તે સામાન્ય ગ્રાહકોમાં લોકપ્રિય બન્યું છે.
અમેરિકા અને યુરોપમાં શું સ્થિતિ છે?
અમેરિકામાં E10 સૌથી સામાન્ય પેટ્રોલ તરીકે ઉપલબ્ધ છે. કેટલીક જગ્યાઓ પર E15 પણ વેચાય છે, પરંતુ સામાન્ય વાહનો માટે E20ને વ્યાપક મંજૂરી આપવામાં આવી નથી. અમેરિકાના મિનેસોટા રાજ્યએ એક સમયે E20ને ફરજિયાત બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જરૂરી મંજૂરી ન મળતા તે યોજના અમલમાં આવી શકી નહોતી. જોકે ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો માટે E25 અથવા E30 જેવા હાઈ-બ્લેન્ડ ઇંધણ મર્યાદિત પ્રમાણમાં ઉપલબ્ધ છે.
યુરોપના મોટાભાગના દેશોમાં લાંબા સમય સુધી માત્ર E5 પેટ્રોલની જ મંજૂરી હતી. ત્યારબાદ અનેક દેશોએ E10ને પણ સ્વીકાર્યું છે, પરંતુ હજુ પણ E20ને કોઈ મોટા પ્રમાણમાં પ્રોત્સાહન આપવામાં આવ્યું નથી. જર્મની, ફ્રાન્સ સહિતના દેશોમાં ફ્લેક્સ-ફ્યૂલ વાહનો માટે E85 મર્યાદિત પેટ્રોલ પંપ પર ઉપલબ્ધ છે, પરંતુ સામાન્ય વાહનો માટે E20 વ્યાપક રીતે અમલમાં નથી.
ભારતમાં E20 કાર્યક્રમ કેવી રીતે આગળ વધ્યો?
ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં ઇથેનોલ બ્લેન્ડિંગ કાર્યક્રમને ખૂબ ઝડપથી આગળ વધાર્યો છે. કેન્દ્ર સરકારના આંકડા મુજબ નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન પેટ્રોલમાં સરેરાશ ઇથેનોલ મિશ્રણનો દર લગભગ 19થી 20 ટકા સુધી પહોંચી ગયો છે. હાલમાં દર વર્ષે અંદાજે 1,000 કરોડ લિટરથી વધુ ઇથેનોલ પેટ્રોલમાં ભેળવવામાં આવી રહ્યો છે.
સરકારના જણાવ્યા મુજબ વર્ષ 2014 દરમિયાન દેશની ઇથેનોલ ઉત્પાદન ક્ષમતા આશરે 400 કરોડ લિટર હતી, જે હવે વધીને 1,800 કરોડ લિટરથી વધુ થઈ ગઈ છે. સરકારનો દાવો છે કે વર્ષ 2014 પછી પેટ્રોલમાં ઇથેનોલના વધતા ઉપયોગને કારણે ભારતે અત્યાર સુધી અંદાજે 1.44 લાખ કરોડ રૂપિયાના ક્રૂડ ઓઇલની આયાત ખર્ચમાં બચત કરી છે. આ ઉપરાંત શેરડી અને અન્ય કૃષિ પાક ઉગાડતા ખેડૂતોને પણ વધારાની આવકનો લાભ મળ્યો હોવાનું સરકાર જણાવે છે.
ભારતમાં કેમ વધી રહ્યો છે વિવાદ?
ભારતમાં E20ના અમલ સાથે અનેક પ્રશ્નો પણ સામે આવ્યા છે. ખાસ કરીને જૂના પેટ્રોલ વાહનોમાં E20નો લાંબા ગાળાનો ઉપયોગ એન્જિન, ફ્યૂલ સિસ્ટમ અને માઇલેજ પર કેવી અસર કરશે તે અંગે ચર્ચા ચાલી રહી છે. વાહન ઉત્પાદકો પણ હવે E20-કમ્પેટિબલ મોડેલો બજારમાં લાવી રહ્યા છે, પરંતુ જૂના વાહનોના લાખો માલિકો માટે આ મુદ્દો હજુ મહત્વનો છે. બીજી તરફ સરકારનું કહેવું છે કે નવી ટેક્નોલોજી અને યોગ્ય વાહનો સાથે E20નો ઉપયોગ સુરક્ષિત છે અને દેશની ઊર્જા સુરક્ષા માટે આ પગલું જરૂરી છે.
વિશ્વના અનુભવ પરથી સ્પષ્ટ થાય છે કે બ્રાઝિલ અને થાઈલેન્ડ જેવા દેશોએ લાંબા ગાળાની તૈયારી, વાહન ઉત્પાદકો સાથે સંકલન અને યોગ્ય નીતિઓના કારણે E20ને સફળતાપૂર્વક અપનાવ્યું છે. અમેરિકા અને યુરોપ જેવા વિકસિત બજારોમાં હજુ પણ E10 મુખ્ય ઇંધણ છે અને E20ને વ્યાપક સ્વીકાર મળ્યો નથી. ભારત હવે ઝડપથી E20 તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ તેની લાંબા ગાળાની સફળતા માટે વાહનોની સુસંગતતા, ગ્રાહકોમાં જાગૃતિ, ઇંધણની ગુણવત્તા અને ઉત્પાદન ક્ષમતાને સતત મજબૂત બનાવવી જરૂરી રહેશે.





