દેશના કરોડો માતા-પિતા અને બાળકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI)એ બ્લૂ આધાર કાર્ડ (Blue Aadhaar Card) સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. UIDAIએ 5થી 17 વર્ષના બાળકોના આધાર કાર્ડમાં ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ કરાવવાની મફત સમયમર્યાદા વધારીને હવે 30 સપ્ટેમ્બર 2026 સુધી કરી દીધી છે. આ સમયમર્યાદા દરમિયાન માતા-પિતા પોતાના બાળકોનું બાયોમેટ્રિક અપડેટ કોઈપણ પ્રકારની ફી ચૂકવ્યા વિના કરાવી શકશે. જો આ તારીખ બાદ અપડેટ કરાવવામાં આવશે તો નિયમ મુજબ નક્કી કરેલી ફી ચૂકવવી પડશે. UIDAIના આ નિર્ણયનો હેતુ બાળકોના આધાર ડેટાને વધુ ચોક્કસ અને અપડેટ રાખવાનો છે. બાળપણથી કિશોરાવસ્થા સુધી શરીરમાં થતા કુદરતી ફેરફારોને ધ્યાનમાં રાખીને બાયોમેટ્રિક માહિતી સમયસર અપડેટ કરવી જરૂરી માનવામાં આવે છે. આ પ્રક્રિયા પૂર્ણ ન થાય તો ભવિષ્યમાં આધાર આધારિત સેવાઓ મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે.
બ્લૂ આધાર કાર્ડ શું છે?
બ્લૂ આધાર કાર્ડ પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જારી કરવામાં આવતું વિશેષ આધાર કાર્ડ છે. આ કાર્ડનો રંગ સામાન્ય આધાર કાર્ડથી અલગ હોય છે અને તેમાં બાળકના ફિંગરપ્રિન્ટ અથવા આંખના આઇરિસની માહિતી લેવામાં આવતી નથી. તેના બદલે માતા અથવા પિતાના આધાર સાથે બાળકનું આધાર જોડવામાં આવે છે. જ્યારે બાળક પાંચ વર્ષની ઉંમર પૂર્ણ કરે છે ત્યારે પ્રથમ વખત તેનો બાયોમેટ્રિક ડેટા લેવામાં આવે છે. ત્યારબાદ 15 વર્ષની આસપાસ ફરી એક વખત બાયોમેટ્રિક અપડેટ કરાવવું જરૂરી બને છે, કારણ કે આ સમયગાળા દરમિયાન શરીરના વિકાસ સાથે ફિંગરપ્રિન્ટ, આઇરિસ અને ચહેરાના લક્ષણોમાં નોંધપાત્ર ફેરફાર થાય છે.
આ પણ વાંચો: EPFના નવા નિયમથી હાથમાં વધશે પગાર? : ₹1,800 PF કપાતનો કોને મળશે સીધો ફાયદો, જાણો સંપૂર્ણ ગણિત
બાયોમેટ્રિક અપડેટ કેમ જરૂરી છે?
UIDAIના નિયમો મુજબ બાળકોના આધાર કાર્ડમાં સમયસર બાયોમેટ્રિક અપડેટ કરાવવાથી આધાર રેકોર્ડ વધુ સચોટ રહે છે. આ ઉપરાંત આધારની માન્યતા જાળવવામાં પણ મદદ મળે છે. જો બાળકનું બાયોમેટ્રિક અપડેટ સમયસર નહીં કરવામાં આવે તો કેટલીક આધાર આધારિત સેવાઓ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. તેથી તમામ માતા-પિતાને સમયમર્યાદા પૂર્ણ થાય તે પહેલાં આ પ્રક્રિયા પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવી છે.
બાળકોને શું મળશે લાભ?
બાયોમેટ્રિક અપડેટ બાદ બાળકો માટે અનેક સરકારી અને શૈક્ષણિક સેવાઓ સરળ બની શકે છે. શાળા, કોલેજ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ પ્રક્રિયા દરમિયાન આધારનો ઉપયોગ સરળતાથી થઈ શકે છે. આ ઉપરાંત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અરજી, સરકારી યોજનાઓનો લાભ, શિષ્યવૃત્તિ (Scholarship), ફેલોશિપ, ઇન્ટર્નશિપ તેમજ અન્ય સરકારી સેવાઓમાં પણ અપડેટ આધાર કાર્ડ ઉપયોગી સાબિત થાય છે. આધારની માહિતી અપડેટ હોવાથી ઓળખ ચકાસણીની પ્રક્રિયા પણ વધુ સરળ અને ઝડપી બને છે.
આ પણ વાંચો: સહી કરેલો ચેક ખોવાઈ ગયો? : ગભરાશો નહીં, પૈસા સુરક્ષિત રાખવા માટે તરત કરો આ 5 કામ
બાયોમેટ્રિક અપડેટ કેવી રીતે કરાવશો?
બાળકનું બાયોમેટ્રિક અપડેટ કરાવવા માટે માતા-પિતાએ બાળકને સાથે લઈને નજીકના આધાર સેવા કેન્દ્ર અથવા આધાર નોંધણી કેન્દ્ર પર જવું પડશે. ત્યાં જરૂરી અરજી ફોર્મ ભર્યા બાદ બાળકના ફિંગરપ્રિન્ટ લેવામાં આવશે, આંખના આઇરિસનું સ્કેન કરવામાં આવશે અને નવી તસવીર લેવામાં આવશે. સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અપડેટની નોંધ કરવામાં આવશે. સામાન્ય રીતે આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી અંદાજે 7થી 15 દિવસમાં અપડેટ થયેલી માહિતી આધાર ડેટાબેઝમાં ઉપલબ્ધ થઈ જાય છે. ત્યારબાદ જરૂરિયાત મુજબ નવું આધાર કાર્ડ ડાઉનલોડ પણ કરી શકાય છે.
હવે માતા-પિતાનું બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન પણ ફરજિયાત
UIDAIએ નાના બાળકોના આધાર નોંધણી માટેના નિયમોમાં પણ મહત્વની સ્પષ્ટતા કરી છે. પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોનું આધાર કાર્ડ માતા અથવા પિતાના આધારના આધારે જ બનાવવામાં આવે છે. હવે બાળકનું આધાર બનાવતી વખતે માતા અથવા પિતામાંથી કોઈ એકનું બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ફરજિયાત રહેશે. તેની સાથે KYC પ્રક્રિયા અને OTP વેરિફિકેશન પણ પૂર્ણ કરવું પડશે. આ નિયમનો હેતુ આધાર નોંધણીને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવાનો છે જેથી કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવી શકાય.
સંબંધ અને જન્મતારીખનો પુરાવો પણ જરૂરી
UIDAIના નિયમો મુજબ બાળકનું આધાર કાર્ડ બનાવતી વખતે અથવા જરૂરી પ્રક્રિયા દરમિયાન માતા-પિતાએ બાળકની જન્મ તારીખનો પુરાવો અને બાળક સાથેના સંબંધનો પુરાવો પણ રજૂ કરવો પડશે. કારણ કે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના ફિંગરપ્રિન્ટ અને આઇરિસની માહિતી લેવામાં આવતી નથી, તેથી માતા અથવા પિતાના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનના આધારે જ બાળકની ઓળખ ચકાસવામાં આવે છે.





