ભારતમાં મોટાભાગની નદીઓના નામ સ્ત્રી સ્વરૂપ સાથે જોડાયેલા છે. ગંગા, યમુના, નર્મદા, ગોદાવરી, સરસ્વતી અને કૃષ્ણા જેવી નદીઓના નામ સૌને જાણીતા છે. પરંતુ દેશમાં કેટલીક એવી નદીઓ પણ છે, જેમના નામ પુરુષોના નામ સાથે જોડાયેલા છે. બ્રહ્મપુત્ર નદી વિશે તો મોટાભાગના લોકો જાણે છે, પરંતુ દામોદર અને સોન નદી પણ એવા જ અપવાદ છે. ખાસ કરીને દામોદર નદીનું નામ ભગવાન શ્રીકૃષ્ણના એક પ્રસિદ્ધ નામ 'દામોદર' પરથી પડ્યું હોવાનું માનવામાં આવે છે. આ નદી માત્ર ધાર્મિક દૃષ્ટિએ જ નહીં પરંતુ ઔદ્યોગિક, આર્થિક અને ભૌગોલિક રીતે પણ ભારત માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
દામોદર નામ ભગવાન શ્રીકૃષ્ણ સાથે કેવી રીતે જોડાયેલું?
'દામોદર' શબ્દ સંસ્કૃતના બે શબ્દોથી બનેલો છે. 'દામ' એટલે દોરી અથવા રસ્સી અને 'ઉદર' એટલે પેટ. પૌરાણિક કથા અનુસાર બાળપણમાં ભગવાન શ્રીકૃષ્ણે અનેક શરારતો કરી હતી. એક પ્રસંગે માતા યશોદાએ તેમને દોરી વડે ઓખળી સાથે બાંધી દીધા હતા. આ ઘટનાના કારણે ભગવાન શ્રીકૃષ્ણને 'દામોદર' નામથી ઓળખવામાં આવ્યા અને ત્યારથી આ નામ વિશેષ પ્રસિદ્ધ બન્યું. પૂર્વ ભારતની દામોદર નદીનું નામ પણ આ જ નામ સાથે જોડાયેલું માનવામાં આવે છે.
દામોદર નદી ક્યાંથી નીકળે છે અને ક્યાં મળે છે?
દામોદર નદીનો ઉદ્ભવ ઝારખંડના છોટા નાગપુર પટાર વિસ્તારમાં થાય છે. અહીંથી નીકળીને નદી પૂર્વ દિશામાં વહે છે અને ઝારખંડ તથા પશ્ચિમ બંગાળમાંથી પસાર થયા બાદ અંતે પશ્ચિમ બંગાળમાં હૂગલી નદીમાં મળી જાય છે. દામોદર નદીની કુલ લંબાઈ આશરે 592 કિલોમીટર છે, જ્યારે તેના બેસિનનું કુલ ક્ષેત્રફળ લગભગ 25,820 ચોરસ કિલોમીટર જેટલું છે. આ સમગ્ર વિસ્તાર ભારતના સૌથી મહત્વપૂર્ણ ખનિજ અને ઔદ્યોગિક વિસ્તારોમાંનો એક ગણાય છે.
ભારતની પુરુષોના નામ ધરાવતી નદીઓ
ભારતમાં બ્રહ્મપુત્ર ઉપરાંત દામોદર અને સોન એવી મુખ્ય નદીઓ છે, જેમના નામ પુરુષોના નામ સાથે જોડાયેલા છે. બ્રહ્મપુત્ર નદી તિબ્બતથી શરૂ થઈને અરુણાચલ પ્રદેશ અને આસામમાંથી પસાર થઈ બાંગ્લાદેશ સુધી પહોંચે છે. બીજી તરફ સોન નદી મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને બિહારમાંથી વહે છે. જ્યારે દામોદર નદી ઝારખંડ અને પશ્ચિમ બંગાળના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
શા માટે કહેવાતી હતી 'બંગાળનો શોક'?
એક સમય એવો હતો જ્યારે દામોદર નદીને 'બંગાળનો શોક' અથવા 'બંગાળનું દુઃખ' તરીકે ઓળખવામાં આવતી હતી. તેનું મુખ્ય કારણ દર વર્ષે આવતા વિનાશક પૂર હતા. ભારે વરસાદ દરમિયાન દામોદર નદીમાં પાણીનું પ્રમાણ એટલું વધી જતું કે પશ્ચિમ બંગાળના નીચાણવાળા વિસ્તારોમાં વ્યાપક પૂર આવતું અને ખેતી, ગામો તેમજ જનજીવનને ભારે નુકસાન થતું. આ સતત આવતી આપત્તિના કારણે નદીને આ ઉપનામ મળ્યું હતું.
સ્વતંત્રતા બાદ પરિસ્થિતિમાં મોટો ફેરફાર આવ્યો. વર્ષ 1948માં દામોદર ઘાટી નિગમ (Damodar Valley Corporation - DVC)ની સ્થાપના કરવામાં આવી, જે ભારતની પ્રથમ મોટી બહુહેતુક નદી ઘાટી યોજના તરીકે જાણીતી છે. આ યોજના અમેરિકાની ટેનેસી વેલી ઓથોરિટી (TVA)ના મોડલ પરથી વિકસાવવામાં આવી હતી. બંધો, બેરાજ અને જળાશયો બન્યા બાદ પૂરની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થયો, જોકે આજે પણ પૂર વ્યવસ્થાપન, નદીનું પ્રદૂષણ અને પર્યાવરણીય સંતુલન જાળવવાના પડકારો યથાવત છે.
દામોદર નદીની સહાયક નદીઓ અને મહત્વપૂર્ણ બંધ
દામોદર નદીને અનેક સહાયક નદીઓનું જળ મળે છે. તેની મુખ્ય સહાયક નદીઓમાં બરાકર, કોનાર, બોકારો, હાહારો, જામુનિયા, ઘારી, ગુઇયા, ખાદિયા અને ભેરાનો સમાવેશ થાય છે. તેમાં બરાકર નદી વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે તેના પર તિલૈયા બંધ અને મૈથન બંધ જેવા મહત્વપૂર્ણ બહુહેતુક પ્રોજેક્ટો બનાવવામાં આવ્યા છે. કોનાર બંધ કોનાર નદી પર આવેલો છે, જ્યારે પંચેત બંધ સીધો દામોદર નદી પર સ્થિત છે. આ તમામ પ્રોજેક્ટો પૂર નિયંત્રણ, સિંચાઈ, પીવાનું પાણી અને વીજ ઉત્પાદન માટે અત્યંત ઉપયોગી સાબિત થયા છે.





