Home Gujarat Dycms Gandhinagar Base Amid Rising Typhoid Cases

ટાઇફોઇડના વધતા કેસો વચ્ચે DyCM નો ગાંધીનગર પ્રવાસ : હર્ષ સંઘવી સહિત ઉચ્ચ અધિકારીઓએ સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત

ટાઇફોઇડના વધતા કેસો વચ્ચે DyCM નો ગાંધીનગર પ્રવાસ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 04, 2026, 04:41 AM IST

ગાંધીનગરમાં છેલ્લા એક અઠવાડિયાથી ટાઇફોઇડના કેસોમાં નોંધપાત્ર વધારો થતાં સ્થિતિ ચિંતાજનક બની છે. આ પરિસ્થિતિને ધ્યાને લઈ DyCM હર્ષ સંઘવી, મેયર મીરાબેન પટેલ, કલેક્ટર મેહુલ દવે સહિતના અધિકારીઓએ ગાંધીનગરની ગાંધીનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન દર્દીઓને મળી રહેલી સારવાર, સુવિધાઓ અને તબીબી વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી.

ગાંધીનગરના સેક્ટર 24, 26, 28 તેમજ આદિવાડા વિસ્તારમાં દૂષિત પાણીના કારણે રોગચાળો વકર્યો હોવાનું સામે આવ્યું છે. આ વિસ્તારોમાં ઘેરઘેર ટાઇફોઇડના કેસો મળી રહ્યા છે. હાલ 104 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાંથી 42 દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે બાકીના દર્દીઓ વિવિધ આરોગ્ય કેન્દ્રોમાં સારવાર લઈ રહ્યા છે.

દર્દીઓને યોગ્ય અને સમયસર સારવાર મળી રહે તે માટે 22 ડોક્ટરોની વિશેષ ટીમ બનાવવામાં આવી છે. DyCM એ હોસ્પિટલની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે સરકાર સંપૂર્ણ રીતે પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને કોઈ પરિવારને મુશ્કેલી ન પડે તેની ખાસ કાળજી લેવામાં આવી રહી છે.

આ મામલે કેન્દ્રીય મંત્રી અમિત શાહ દ્વારા પણ સવારથી ત્રણ વખત સ્થિતિની માહિતી લેવામાં આવી હોવાનું જણાવાયું છે. તેમણે પણ દર્દીઓ અને તેમના પરિવારજનોને કોઈ તકલીફ ન પડે તે અંગે ચિંતા વ્યક્ત કરી છે.

ગાંધીનગર મનપાની તપાસ દરમિયાન રોગચાળો વકરેલા સેક્ટરોમાં પાણીના કનેક્શનો પાસે 10 થી વધુ લીકેજ મળી આવ્યા છે. મનપાની ટીમનું અનુમાન છે કે ગટરના દૂષિત પાણી પીવાના પાણીમાં ભળવાથી ટાઇફોઇડ ફેલાયો હોઈ શકે છે. નાના-મોટા ઇશ્યૂને લઈને મનપા દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે.

ગાંધીનગર મનપા દ્વારા સર્વેલન્સ વધારી દેવામાં આવ્યું છે અને તમામ અસરગ્રસ્ત સેક્ટરોમાં શુદ્ધ પીવાનું પાણી પહોંચે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ આગામી 10 થી 15 દિવસમાં શરૂ કરી દેવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે. આરોગ્ય વિભાગ અને મનપાની સંયુક્ત કામગીરીથી ટૂંક સમયમાં સ્થિતિ કાબૂમાં આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now