Home Gujarat Ahmedabad Ahmedabad Capsule Design Traffic Plan Hatkeshwar Sola Civil Isanpur Char Rasta News

હાટકેશ્વર બાદ હવે અમદાવાદના આ ચાર રસ્તા હંમેશા માટે થશે બંધ! : ટ્રાફિક જામથી રાહત માટે અમલમાં આવશે ‘કેપ્સૂલ ડિઝાઇન’

Ahmedabad Traffic AMC Capsule Design
Image Credit: ai
Published by: Nirali Gohil
Last Updated: Jul 01, 2026, 04:32 AM IST

AMC Capsule Design: અમદાવાદમાં સતત વધી રહેલા વાહનવ્યવહાર અને પીક અવર્સ દરમિયાન સર્જાતા ટ્રાફિક જામને નિયંત્રિત કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને ટ્રાફિક પોલીસે નવી ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ અમલમાં મૂકવાની દિશામાં મહત્વનું પગલું ભર્યું છે. શહેરના વ્યસ્ત ચાર રસ્તાઓ પર પરંપરાગત ક્રોસિંગ વ્યવસ્થાને બદલે હવે ‘કેપ્સૂલ ડિઝાઇન’ આધારિત ટ્રાફિક મોડલ અપનાવવામાં આવી રહ્યું છે, જેના માધ્યમથી વાહન વ્યવહાર વધુ સરળ અને અવરોધમુક્ત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પેલેડિયમ મોલ નજીક આ મોડલને મળેલા સકારાત્મક પ્રતિસાદ બાદ હવે પૂર્વ અમદાવાદના સૌથી વ્યસ્ત જંક્શન પૈકીના હાટકેશ્વર ચાર રસ્તા પર પણ આ વ્યવસ્થા કાયમી રીતે લાગુ કરવામાં આવશે. એટલું જ નહીં, પશ્ચિમ અમદાવાદમાં સોલા સિવિલ હોસ્પિટલ-કારગીલ પેટ્રોલ પંપ વિસ્તાર અને પૂર્વમાં ઈસનપુર ચોકડી ખાતે પણ આગામી સમયમાં આ જ મોડલ અમલમાં મૂકવાની તૈયારી શરૂ કરવામાં આવી છે.

હાટકેશ્વર ચાર રસ્તા પર કાયમી બેરિકેડિંગ, 100 મીટર દૂર મળશે U-ટર્ન

AMC અને ટ્રાફિક પોલીસના અધિકારીઓ દ્વારા તાજેતરમાં હાટકેશ્વર ચાર રસ્તાનું સંયુક્ત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સ્થળ પર ટ્રાફિકની હાલની સ્થિતિ, વાહનોની અવરજવર અને પીક અવર્સ દરમિયાન સર્જાતી સમસ્યાઓનું મૂલ્યાંકન કર્યા બાદ ચાર રસ્તાને કાયમી ધોરણે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવી વ્યવસ્થા અંતર્ગત ચાર રસ્તાના મધ્ય ભાગમાં ડિવાઈડર અને બેરિકેડિંગ કરવામાં આવશે. સીધા ક્રોસિંગ પરથી પસાર થવાની સુવિધાને બંધ કરીને બંને તરફ અંદાજે 100 મીટર દૂર U-ટર્નની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. વાહનચાલકોને પોતાની દિશા બદલવા માટે આ U-ટર્નનો ઉપયોગ કરવો પડશે, જેના કારણે ટ્રાફિક સિગ્નલ પરનો ભાર ઘટશે અને વાહનોનો પ્રવાહ વધુ સુગમ બનશે.

શું છે ‘કેપ્સૂલ ડિઝાઇન’ અને કેવી રીતે ઘટાડશે ટ્રાફિક?

‘કેપ્સૂલ ડિઝાઇન’ ટ્રાફિક મેનેજમેન્ટનું એવું મોડલ છે જેમાં મુખ્ય ચાર રસ્તા પર વાહનોના સીધા ક્રોસ મૂવમેન્ટને મર્યાદિત કરવામાં આવે છે અને તેના બદલે નિયંત્રિત U-ટર્ન દ્વારા વાહન વ્યવહારનું સંચાલન કરવામાં આવે છે. આ મોડલનો મુખ્ય હેતુ ટ્રાફિક જામ ઘટાડવો, સિગ્નલ પરનો સમય ઓછો કરવો અને અકસ્માતોની સંભાવના ઘટાડવાનો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, નવી ડિઝાઇન એવી રીતે તૈયાર કરવામાં આવશે કે U-ટર્ન લેતા વાહનો અને સીધા પસાર થતા વાહનો વચ્ચે કોઈ પ્રકારનો અવરોધ ઉભો ન થાય. સાથે જ રોડની ક્ષમતા પ્રમાણે ટ્રાફિક ફ્લો જાળવી શકાય તે માટે માર્ગરેખા અને ડિવાઈડરનું આયોજન કરવામાં આવશે.

સોલા સિવિલ અને ઈસનપુર ચોકડી પણ આગામી તબક્કામાં સામેલ

હાટકેશ્વર બાદ શહેરના અન્ય વ્યસ્ત જંક્શનો પર પણ આ મોડલ લાગુ કરવાની યોજના છે. પશ્ચિમ અમદાવાદમાં સોલા સિવિલ હોસ્પિટલ અને કારગીલ પેટ્રોલ પંપ વિસ્તાર આસપાસના ચાર રસ્તા તથા પૂર્વ અમદાવાદમાં ઈસનપુર ચાર રસ્તાને આગામી તબક્કામાં કેપ્સૂલ ડિઝાઇન હેઠળ વિકસાવવામાં આવશે. શહેરમાં રોજબરોજ વધતા વાહનોના કારણે અનેક સ્થળોએ પીક અવર્સ દરમિયાન લાંબી વાહન કતારો સર્જાય છે. AMCનું માનવું છે કે જો આ મોડલ સફળ રહેશે તો ભવિષ્યમાં અન્ય ટ્રાફિક હોટસ્પોટ વિસ્તારોમાં પણ તેને વિસ્તૃત કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો: અમદાવાદ મેટ્રો ફેઝ-3B માટે કાઉન્ટડાઉન શરૂ : GMRCએ રૂ.1.46 કરોડનું જિયોટેકનિકલ ટેન્ડર બહાર પાડ્યું

ગેરકાયદે પાર્કિંગ અને દબાણ દૂર કરવા પણ કાર્યવાહી

નવી ટ્રાફિક વ્યવસ્થાના અસરકારક અમલ માટે ટ્રાફિક પોલીસ દ્વારા સ્થળ પર વધારાના જવાનોની તૈનાતી કરવામાં આવશે. ઉપરાંત રોડ પર ગેરકાયદે પાર્કિંગ, રિક્ષાઓનું અયોગ્ય ઊભું રહેવું તેમજ લારીઓ અને ફૂટપાથ પરના દબાણ સામે પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અધિકારીઓનું કહેવું છે કે, ટ્રાફિક શિસ્ત અને નવી વ્યવસ્થાનો યોગ્ય અમલ થશે તો હાટકેશ્વર સહિત શહેરના અનેક વિસ્તારોમાં વર્ષોથી અનુભવાતી ટ્રાફિક સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.

શહેરના ટ્રાફિક મેનેજમેન્ટમાં મોટો બદલાવ

અમદાવાદમાં વધતી વસતિ અને વાહનોની સંખ્યા વચ્ચે ટ્રાફિક મેનેજમેન્ટ મોટો પડકાર બની રહ્યું છે. આવી સ્થિતિમાં કેપ્સૂલ ડિઝાઇન આધારિત ટ્રાફિક મોડલ શહેર માટે લાંબા ગાળાનો ઉકેલ બની શકે છે. જો આ પ્રયોગ સફળ સાબિત થશે તો આગામી સમયમાં અમદાવાદના અન્ય મહત્વના ચાર રસ્તાઓ પર પણ સમાન વ્યવસ્થા અમલમાં આવી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now