સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકા વિસ્તારમાં આવેલા મોહનપુરા નજીક નશાની હાલતમાં એક પોલીસ કોન્સ્ટેબલે ગંભીર અકસ્માત સર્જ્યો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો. વડાલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ ચેતન અસારી દારૂના નશામાં કાર હંકારતા એક રિક્ષા અને મોપેડને અડફેટે લીધી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે આઠ લોકોને ઈજાઓ પહોંચી હતી અને આસપાસના લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી.
દારૂની બોટલ પણ મળી હતી!
અકસ્માત બાદ ઈડર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસ દરમિયાન પોલીસને કારની અંદર દારૂની બોટલ મળી આવી હતી, જેના આધારે સ્પષ્ટ થયું કે કોન્સ્ટેબલ ચેતન અસારી નશાની હાલતમાં વાહન ચલાવી રહ્યો હતો. ઘટના બાદ ઈડર પોલીસે ચેતન અસારી વિરુદ્ધ બે અલગ અલગ ફરિયાદો નોંધાવી અને કાનૂની કાર્યવાહી શરૂ કરી હતી.
ચેતન અસારી સસ્પેન્ડ
આ મામલે ગંભીરતા દાખવતા સાબરકાંઠાના જિલ્લા પોલીસ વડા એસપી પાર્થરાજસિંહ ગોહિલે તરત જ ચેતન અસારીને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી છે. પોલીસ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ફરજ પર રહેલા કોઈ અધિકારી કે કર્મચારી દ્વારા કાયદાનો ભંગ સહન કરવામાં નહીં આવે. આ ઘટનાએ પોલીસ દળની છબી પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે અને વિભાગ દ્વારા આંતરિક તપાસ પણ શરૂ કરવામાં આવી છે.






