Donald Trump reacts on Half Fly US Flag: ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. જો કે, આ શપથ ગ્રહણ સમારોહ દરમિયાન અમેરિકાનો ધ્વજ અડધી કાઠીએ લહેરાશે. ટ્રમ્પે પણ અમેરિકાની સરકારના આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે. તો ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો?
ટ્રમ્પે શેર કર્યું ટ્વીટ
ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક ટ્વિટ શેર કરતા કહ્યું કે, કોઈ આ જોવા નથી માંગતું અને અમેરિકાના કોઈ નાગરિક આ જોઈને ખુશ નહીં થાય. મારા શપથ ગ્રહણ સમારોહ દરમિયાન અમેરિકાના ધ્વજને અડધી કાઠીએ લહેરાવવામાં આવશે. ડેમોક્રેટ્સ માને છે કે આ એક મહાન બાબત છે અને દરેક તેનાથી ખુશ થશે. પરંતુ વાસ્તવમાં તે પોતાના દેશને પ્રેમ કરતા નથી. તેઓ ફક્ત પોતાના વિશે જ વિચારે છે. તેમણે છેલ્લા 4 વર્ષમાં અમેરિકાની હાલત શું કરી નાખી છે, તેમણે બધું બગાડી નાખ્યું છે.
વ્હાઇટ હાઉસે આપ્યો જવાબ
ડોનાલ્ડ ટ્રમ્પનું અનુમાન છે કે કદાચ તેમના શપથ ગ્રહણ સમારોહ સુધી અમેરિકાની સરકાર આ નિર્ણયને બદલશે અને ધ્વજ ફરીથી ઉંચો લહેરાવવા લાગશે. પરંતુ અમેરિકાના પ્રેસ સેક્રેટરી જનરલ કરીન જીન પિયરે આ અટકળોને સંપૂર્ણપણે ફગાવી દીધી છે. તેમણે કહ્યું કે, વ્હાઇટ હાઉસ આ નિર્ણયને પલટાવવાનું વિચારી રહ્યું નથી.
શું છે સમગ્ર મામલો?
ઉલ્લેખનીય છે કે, પૂર્વ રાષ્ટ્રપતિ જિમી કાર્ટરના નિધન બાદ જો બાઈડન સરકારે શોક દિવસ જાહેર કર્યો હતો અને ધ્વજ અડધી કાઢીએ લહેરાવવાનો આદેશ આપ્યો હતો. 29 ડિસેમ્બરના રોજ જિમી કાર્ટરે આ દુનિયાને અલવિદા કહ્યું હતું, ત્યારબાદ અમેરિકામાં 30 દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો. આ દરમિયાન ટ્રમ્પનો શપથ ગ્રહણ સમારોહ પણ યોજાઈ રહ્યો છે. જિમી કાર્ટરના અંતિમ સંસ્કાર 9 જાન્યુઆરીએ કરવામાં આવશે.
અંતિમ સંસ્કારમાં ટ્રમ્પ આપશે હાજરી
ડોનાલ્ડ ટ્રમ્પ જિમી કાર્ટરના આકરા ટીકાકાર રહ્યા છે. આમ છતાં ટ્રમ્પે કાર્ટરના છ દિવસના અંતિમ સંસ્કારમાં ભાગ લેવાની જાહેરાત કરી છે. ટ્રમ્પ કહ્યું કે, હું તેમની સાથે ફિલોસોફિક અને રાજકીય રીતે સંપૂર્ણપણે અસંમત હતો. પરંતુ તે અમેરિકાને પ્રેમ કરતા હતા, તે આપણા દેશનું સન્માન કરતા હતા. તેમણે અમેરિકાને વધુ સારું બનાવવા માટે સખત મહેનત કરી અને તેથી હું તેને મારું સર્વોચ્ચ સન્માન આપવા માંગુ છું.

_236347f6-ad94-4d0a-8d60-65cc6bca18a1.jpg)




