અમેરિકી રાષ્ટ્રપતિ કાર્યાલય, વ્હાઇટ હાઉસે ભારત પર લાદવામાં આવેલી વધારાના ટેરિફને 9 જુલાઈ સુધી સ્થગિત કરવાનો આદેશ જારી કર્યો છે. આ સરકારી આદેશ અનુસાર, ભારત પર વધારાની ડ્યુટી લાદવાનો નિર્ણય 90 દિવસ માટે મોકૂફ રાખવામાં આવ્યો છે. અગાઉ 2 એપ્રિલના રોજ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લગભગ 60 દેશોમાંથી આયાત થતા ઉત્પાદનો પર ટેરિફ લાદવાની અને ભારત જેવા દેશો પર અલગથી ઉચ્ચ ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી.
ટ્રમ્પના પગલાથી વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં ઝીંગાથી માંડીને સ્ટીલ ઉત્પાદનો સુધીની દરેક વસ્તુના વેચાણને અસર થવાની અપેક્ષા હતી. તેમના પગલાનો હેતુ અમેરિકાની વિશાળ વેપાર ખાધ ઘટાડવા અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો હતો.
અમેરિકાએ ભારત પર વધારાની 26% ટેરિફ લાદ્યો હતો
અમેરિકાએ ભારત પર 26 ટકા વધારાની ટેરિફ લાદ છે જે થાઈલેન્ડ, વિયેતનામ અને ચીન જેવા પ્રતિસ્પર્ધી દેશો કરતાં ઓછી છે. ટેરિફ વધારાનો આ આદેશ 9 એપ્રિલથી અમલમાં આવ્યો હતો, પરંતુ ટ્રમ્પે હવે તેને 90 દિવસ માટે મુલતવી રાખ્યો છે. જો કે ટેરિફનું,સસ્પેન્શન હોંગકોંગ, મકાઉ સિવાય ચીનને લાગુ પડતું નથી.
10% આધાર શુલ્ક લાગુ રહેશે
આ સાથે વ્હાઇટ હાઉસના આદેશમાં કહેવામાં આવ્યું છે કે સંબંધિત દેશો પર લાદવામાં આવેલી 10 ટકા બેઝ ડ્યુટી અમલમાં રહેશે. એક વેપાર નિષ્ણાતે જણાવ્યું હતું કે સ્ટીલ, એલ્યુમિનિયમ (12 માર્ચથી લાગુ) અને ઓટો કમ્પોનન્ટ્સ (3 એપ્રિલથી) પર 25 ટકા ડ્યૂટી પણ ચાલુ રહેશે. નિકાસકારોની સંસ્થા ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન (FIEO)ના ડિરેક્ટર જનરલ અજય સહાયે જણાવ્યું હતું કે સેમિકન્ડક્ટર્સ, ફાર્માસ્યુટિકલ્સ અને કેટલીક એનર્જી પ્રોડક્ટ્સ ડ્યૂટી મુક્તિની શ્રેણીમાં છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે વિશ્વભરના નેતાઓ યુએસ સાથે વેપાર સોદા સુધી પહોંચવા માટે ઉત્સુક છે અને ટેરિફ જાહેરાત પર સમાધાન કરવા માટે કંઈપણ કરવા તૈયાર છે. ટ્રમ્પે કહ્યું, "હું તમને કહું છું, આ દેશો અમારો સંપર્ક કરી રહ્યા છે." તેઓ મારી સામે નાક ઘસતા હોય છે."





