Home International Dominican Republic Private Jet Crash La Romana Airport

ઉડાન ભરતાની સાથે જ ક્રેશ થયું પ્રાઇવેટ જેટ : આંખના પલકારે આખે આખું વિમાન બળીને ખાખ, જુઓ અકસ્માતનો Live Video

Dominican Republic Plane Crash
Image Credit: @elsalvador
Published by: Nirali Gohil
Last Updated: Jun 08, 2026, 04:06 AM IST

Dominican Republic Plane Crash: ડોમિનિકન રિપબ્લિકમાંથી એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી હવાઈ દુર્ઘટનાની ઘટના સામે આવી છે. દેશના પૂર્વીય વિસ્તારમાં આવેલા લા રોમાના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરવા તૈયાર થયેલું એક પ્રાઇવેટ જેટ ટેક-ઓફ દરમિયાન જ ભયાનક અકસ્માતનો ભોગ બન્યું હતું. થોડા જ સેકન્ડોમાં બનેલી આ ઘટનાએ એરપોર્ટ પર હાજર લોકોમાં અફરાતફરી મચાવી દીધી હતી. વિમાન રનવે પર ઝડપથી દોડી રહ્યું હતું ત્યારે તે અચાનક અનિયંત્રિત બન્યું અને પછી ભીષણ આગની લપેટમાં આવી ગયું હતું. પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માત એટલો ગંભીર હતો કે ક્રેશ બાદ સમગ્ર વિમાન આગના વિશાળ ગોળામાં ફેરવાઈ ગયું હતું. બચાવ ટીમો અને એરપોર્ટ સ્ટાફ તરત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, પરંતુ આગની તીવ્રતા એટલી વધારે હતી કે વિમાનને બચાવવાની કોઈ શક્યતા રહી નહોતી. આ દુર્ઘટનામાં વિમાનના પાયલોટ અને કો-પાયલોટ બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હોવાનું અધિકારીઓએ પુષ્ટિ કરી છે.

ટેક-ઓફ દરમિયાન ખોરવાયું સંતુલન

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે પ્રાઇવેટ જેટ ટેક-ઓફ માટે રનવે પર ઝડપથી આગળ વધી રહ્યું હતું. તે દરમિયાન અચાનક વિમાનનું સંતુલન બગડતું નજરે પડે છે. રનવે સાથેના જોરદાર સંપર્ક બાદ વિમાન હવામાં અનેક વખત ઉછળ્યું હોવાનું વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વિમાન બે-ત્રણ વખત હવામાં ઝાટકાથી ઉછળ્યા બાદ અચાનક જમીન સાથે અથડાયું અને ત્યારબાદ પ્રચંડ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ સાથે જ આગની ઊંચી જવાળાઓ અને કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં ફેલાઈ ગયા હતા. ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વિમાનમાં મુસાફરો ન હોવાથી મોટી જાનહાનિ ટળી

ડોમિનિકન સિવિલ એવિએશન ઇન્સ્ટિટ્યૂટના સત્તાવાર નિવેદન અનુસાર, અકસ્માતગ્રસ્ત વિમાન ગલ્ફસ્ટ્રીમ G200 બિઝનેસ જેટ હતું. સદનસીબે વિમાનમાં કોઈ મુસાફરો સવાર નહોતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હોવાનું માનવામાં આવે છે. અહેવાલો અનુસાર, આ વિમાન પ્યુર્ટો રિકોથી ડોમિનિકન રિપબ્લિક પહોંચ્યું હતું. લા રોમાના એરપોર્ટ પર લેન્ડિંગ બાદ તેમાં ફરીથી ઇંધણ ભરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તે અમેરિકાના ટેક્સાસ રાજ્યના ઓસ્ટિન શહેર તરફ રવાના થવા તૈયાર હતું. જોકે ઉડાન શરૂ થતાં જ ટેકનિકલ અથવા ઓપરેશનલ સમસ્યા સર્જાતા આ દુર્ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: અમેરિકામાં AIને કારણે રેકોર્ડ સ્તરે છટણી: ટેક સેક્ટરને સૌથી મોટો ફટકો; પાંચ મહિનામાં 87,700 નોકરીઓ ગઈ

ઇમરજન્સી એલર્ટ બાદ પણ બચાવી શકાયું નહીં

એવિએશન સત્તાધીશોના જણાવ્યા મુજબ, વિમાને કટોકટીની સ્થિતિ સર્જાતા ઇમરજન્સી એલર્ટ જાહેર કર્યું હતું. એર ટ્રાફિક કંટ્રોલ સાથે પણ સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ સ્થિતિ ઝડપથી બગડતા પાયલોટને વિમાન પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવાનો સમય મળ્યો નહોતો. અકસ્માત બાદ એરપોર્ટ ફાયર બ્રિગેડ, ઇમરજન્સી સર્વિસ અને બચાવ દળોએ તરત જ કામગીરી શરૂ કરી હતી. આગ પર કાબૂ મેળવવા માટે અનેક કલાકો સુધી પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે વિમાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું.

અકસ્માતના કારણોની ઊંડાણપૂર્વક તપાસ શરૂ

હાલમાં દુર્ઘટનાના ચોક્કસ કારણો અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. પ્રાથમિક તપાસમાં ટેકનિકલ ખામી, લેન્ડિંગ ગિયર સંબંધિત સમસ્યા અથવા ટેક-ઓફ દરમિયાન સર્જાયેલી મિકેનિકલ તકલીફ જેવી સંભાવનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. ડોમિનિકન રિપબ્લિકની એવિએશન ઓથોરિટીએ અકસ્માતની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપી દીધા છે. તપાસ ટીમ ફ્લાઇટ ડેટા, એર ટ્રાફિક કંટ્રોલ રેકોર્ડ અને વિમાનના જાળવણી ઇતિહાસની તપાસ કરશે. અધિકારીઓનું કહેવું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ અકસ્માતનું વાસ્તવિક કારણ સ્પષ્ટ થઈ શકશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now