Home Agriculture Dollar Crop For Farmers Gujarat Best Place To Cultivate Isabgol Psyllium Superfood Good Income

ખેડૂતો માટે ડોલરીયો પાક : આ સુપરફુડની ખેતી માટે ગુજરાત છે બેસ્ટ જગ્યા, માત્ર 3 મહિનામાં 2 લાખ સુધીની થશે કમાણી!

ખેડૂતો માટે ડોલરીયો પાક
Published by: OBS Bureau
Last Updated: Dec 24, 2025, 04:50 AM IST

Farming Tips: આજના સમયમાં વિશ્વભરમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધી છે અને સુપરફૂડ તરીકે ઓળખાતા ઇસબગોલ (પ્સિલિયમ હસ્ક)ની માંગ ઝડપથી વધી રહી છે. ગુજરાતના ખેડૂતો માટે આ ખેતી સોનું ઉગાડવા જેવી સાબિત થઈ રહી છે, કારણ કે ભારત વિશ્વના 80%થી વધુ ઇસબગોલનું ઉત્પાદન કરે છે અને તેની નિકાસમાંથી મોટી કમાણી થાય છે. ખાસ કરીને અમેરિકા, જર્મની, ઇટલી અને યુકે જેવા દેશોમાં આની માંગ ખૂબ છે. સ્થાનિક ભાષામાં ઘોડાજીરૂ તરીકે ઓળખાતો ઇસબગોલ પાચનતંત્રની સમસ્યાઓ, કોલેસ્ટ્રોલ નિયંત્રણ અને વજન ઘટાડવામાં મદદરૂપ છે. ભારતમાં ગુજરાત આ પાકના પ્રોસેસિંગમાં અગ્રેસર છે – દેશના 90% ઇસબગોલનું પ્રોસેસિંગ અહીં થાય છે. ઉંઝા અને સિદ્ધપુરમાં 25થી વધુ પ્રોસેસિંગ યુનિટ્સ છે, જ્યાંથી વિશ્વભરમાં નિકાસ થાય છે. 2025માં ગુજરાતમાં ઇસબગોલનું વાવેતર વિસ્તાર રેકોર્ડ 27,000 હેક્ટરને પાર કરી ગયો છે.

ગુજરાત કેમ છે બેસ્ટ જગ્યા?

ગુજરાતની રેતાળ અને ગોરાડુ જમીન તેમજ ઠંડું-સુકું વાતાવરણ ઇસબગોલ માટે આદર્શ છે. અહીંના ખેડૂતોને તરછોડો (ડાઉની મિલ્ડ્યુ) જેવા રોગોનું જોખમ ઓછું છે અને ઉંઝા માર્કેટમાં સીધું વેચાણની સુવિધા છે. આ પાકને 'ડોલરીયો પાક' કહેવામાં આવે છે, કારણ કે 93% ઉત્પાદનની નિકાસ થાય છે અને ડોલરમાં કમાણી થાય છે.આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો અનુસાર, નવેમ્બર-ડિસેમ્બરમાં વાવેતર કરો તો માર્ચમાં કાપણી મળે. વાવેતર વહેલું ન કરવું, કારણ કે ઝાકળ કે વધુ ભેજથી રોગ આવી શકે છે. રેતાળ જમીનમાં એક વખત ખેડ કરી વાવણી કરી શકાય, જ્યારે કાળી જમીનમાં 2-3 વખત ખેડ જરૂરી છે.

ખેતીની ટીપ્સ

  • જમીન તૈયારી — નીંદામણ મુક્ત અને સારી નિતારવાળી જમીન પસંદ કરો.

  • ખાતર — પ્રતિ હેક્ટર 30 કિલો નાઇટ્રોજન અને 15 કિલો ફોસ્ફરસ. ઓર્ગેનિક માટે છાણિયું ખાતર અથવા લીલું પડવાસ (સરપંખા) વાપરો, જેથી ઉત્પાદન 20% વધે.

  • પિયત — દર 25-30 દિવસે પાણી આપો.

  • વાવેતર સમય — નવેમ્બરથી ડિસેમ્બર અંત સુધી.

કમાણીનો હિસાબ

આ પાક માત્ર 115-120 દિવસમાં તૈયાર થાય છે. પ્રતિ હેક્ટર 10-15 ક્વિન્ટલ (1000-1500 કિલો) ઉત્પાદન મળી શકે છે. હાલના બજાર ભાવ (ડિસેમ્બર 2025) અનુસાર ઉંઝા માર્કેટમાં રૂ.10,000થી રૂ.12,500 પ્રતિ ક્વિન્ટલ છે. આ હિસાબે એક હેક્ટરમાંથી રૂ.1.5 લાખથી રૂ.2 લાખ સુધીની કમાણી થઈ શકે છે, અને ખર્ચ ઓછો હોવાથી નફો વધુ! ગુજરાતના ખેડૂતો માટે ઇસબગોલની ખેતી આત્મનિર્ભરતા અને સમૃદ્ધિનો માર્ગ છે. વધુ માહિતી માટે સ્થાનિક કૃષિ વિભાગ કે આણંદ કૃષિ યુનિવર્સિટીનો સંપર્ક કરો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now