દેશભરમાં કરોડો લોકો દ્વારા ઉપયોગમાં લેવાતું ડિજિટલ દસ્તાવેજ પ્લેટફોર્મ DigiLocker હવે સાયબર ઠગોના નિશાને આવ્યું છે. કેન્દ્ર સરકાર અને Digital India દ્વારા DigiLocker યુઝર્સ માટે મહત્વપૂર્ણ ચેતવણી જાહેર કરવામાં આવી છે. સરકારનું કહેવું છે કે DigiLocker જેવી દેખાતી કેટલીક નકલી વેબસાઇટ્સ મારફતે લોકોની વ્યક્તિગત માહિતી અને બેંકિંગ વિગતો ચોરી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
સરકારએ ખાસ કરીને લોકોને એવી વેબસાઈટ્સથી સાવધાન રહેવા કહ્યું છે, જે DigiLocker અથવા અન્ય શૈક્ષણિક અને સરકારી સંસ્થાઓના નામે ફેક પોર્ટલ બનાવી લોકોને ફસાવી રહી છે. સત્તાવાર ચેતવણી મુજબ જો લોકો અજાણતા આવી વેબસાઇટ્સ પર પોતાની માહિતી દાખલ કરે તો તેઓ સાયબર ફ્રોડ, બેંકિંગ છેતરપિંડી અને આઈડેન્ટિટી થેફ્ટનો ભોગ બની શકે છે.
DigiLocker શું છે અને લોકો તેનો ઉપયોગ કેમ કરે છે?
ભારતમાં ડિજિટલ ગવર્નન્સને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલ DigiLocker આજે કરોડો લોકો માટે મહત્વપૂર્ણ ડિજિટલ સ્ટોરેજ પ્લેટફોર્મ બની ગયું છે. લોકો તેમાં Aadhaar, PAN કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, માર્કશીટ, વોટર આઈડી અને અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજો સુરક્ષિત રીતે સ્ટોર કરે છે.
સરકારી સેવાઓમાં ડિજિટલ દસ્તાવેજોની સ્વીકાર્યતા વધતા DigiLockerનો ઉપયોગ પણ ઝડપથી વધ્યો છે. પરંતુ તેની વધતી લોકપ્રિયતાને કારણે હવે સાયબર ગુનેગારો પણ DigiLocker જેવા દેખાતા ફેક પોર્ટલ બનાવી લોકોને નિશાન બનાવી રહ્યા છે.
‘digilocker.cisceboard.org’ જેવી નકલી સાઈટથી ચેતજો
સરકાર દ્વારા ખાસ કરીને “digilocker.cisceboard.org” નામની વેબસાઇટ અંગે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પ્રથમ નજરે આ વેબસાઇટ અસલી DigiLocker જેવી દેખાય છે, પરંતુ સરકારએ સ્પષ્ટ કર્યું છે કે તેનો DigiLocker, CISCE, NAD, NeGD અથવા Ministry of Electronics and Information Technology સાથે કોઈ સંબંધ નથી. ડિજિટલ ઇન્ડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાહેર કરેલા એલર્ટમાં જણાવ્યું હતું કે લોકો આવી સાઇટ્સ પર એકાઉન્ટ બનાવવાથી અથવા પોતાની માહિતી શેર કરવાથી મોટું નુકસાન ભોગવી શકે છે.
આ 4 માહિતી ક્યારેય શેર ન કરો
Aadhaar નંબર
OTP
બેંકિંગ અથવા પેમેન્ટ વિગતો
વ્યક્તિગત દસ્તાવેજો
સરકારનું કહેવું છે કે સાયબર ઠગો આ માહિતી મેળવી લીધા પછી બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી શકે છે, નકલી ટ્રાન્ઝેક્શન કરી શકે છે અથવા વ્યક્તિની ઓળખનો દુરુપયોગ કરી શકે છે.
કેવી રીતે ઓળખશો નકલી વેબસાઈટ?
સાયબર સુરક્ષા નિષ્ણાતોના જણાવ્યા મુજબ આજકાલ ફેક વેબસાઇટ્સ ખૂબ જ વ્યાવસાયિક રીતે બનાવવામાં આવે છે, જેથી સામાન્ય લોકો માટે અસલી અને નકલી સાઇટ વચ્ચેનો ફરક સમજવો મુશ્કેલ બને છે. તેમ છતાં કેટલીક બાબતો ધ્યાનમાં રાખીને લોકો છેતરપિંડીથી બચી શકે છે. સૌથી મહત્વની બાબત છે વેબસાઇટનું URL. જો વેબસાઇટનું સરનામું અજીબ લાગે, સ્પેલિંગમાં ફેરફાર હોય અથવા સત્તાવાર ડોમેન સાથે મેળ ખાતું ન હોય તો તરત સાવધાન થઈ જવું જોઈએ. કોઈ પણ લિંક પર સીધું ક્લિક કરવાની જગ્યાએ બ્રાઉઝરમાં જાતે સત્તાવાર URL ટાઇપ કરવું વધુ સુરક્ષિત છે. ઉદાહરણ તરીકે DigiLocker માટે હંમેશા સત્તાવાર સરકારી ડોમેનનો જ ઉપયોગ કરવો જોઈએ.
સાયબર ફ્રોડના કેસોમાં વધારો
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં સાયબર છેતરપિંડીના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. ફેક બેંકિંગ એપ્સ, નકલી KYC લિંક્સ, ડિજિટલ પેમેન્ટ ફ્રોડ અને હવે DigiLocker જેવી સરકારી સેવાઓના નામે ઠગાઈના કેસો સામે આવી રહ્યા છે. સાયબર ગુનેગારો સામાન્ય રીતે લોકોમાં ભય અથવા તાત્કાલિકતા ઉભી કરીને માહિતી મેળવવાનો પ્રયાસ કરે છે. ઘણી વખત “એકાઉન્ટ બ્લોક થઈ જશે”, “દસ્તાવેજ અપડેટ કરો” અથવા “વેરિફિકેશન જરૂરી છે” જેવા મેસેજ મોકલી લોકો પાસેથી OTP અને બેંકિંગ માહિતી મેળવી લેવાય છે.
આ પણ વાંચો: દમણને મળશે ડબલ વિકાસની સોગાદ : ભવ્ય એરપોર્ટ અને આધુનિક હોસ્પિટલ તૈયાર
સરકાર અને નિષ્ણાતોની મહત્વપૂર્ણ સલાહ
સરકારએ લોકોને સાવચેત રહેવા અને કોઈ પણ અજાણી વેબસાઈટ અથવા મેસેજ પર વિશ્વાસ ન કરવાની અપીલ કરી છે. જો કોઈ શંકાસ્પદ લિંક અથવા વેબસાઈટ મળે તો તરત જ તેની તપાસ કરવી અને જરૂરી હોય તો સાયબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવવી જોઈએ.





