ધંધુકામાં થયેલા ધર્મેશ ગમારા હત્યાકાંડ બાદ જિલ્લા પ્રશાસને કડક વલણ અપનાવતા ગુનાહિત ભૂતકાળ ધરાવતા તત્વો સામે મોટો એક્શન લીધો છે. આજે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર બાંધકામો પર ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે હવે પૂર્ણ થઈ છે. સમગ્ર કામગીરી દરમિયાન સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રાથમિક માહિતી મુજબ, આરોપીઓ અને હિસ્ટ્રીશીટર તરીકે ઓળખાતા તત્વોને અગાઉથી નોટિસ આપવામાં આવી હતી. કાયદેસર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ આ ડિમોલિશનનું પગલું ભરાયું હતું. પ્રશાસનનો સ્પષ્ટ સંદેશ છે કે ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા લોકો સામે કોઈ પણ પ્રકારની રાહત રાખવામાં નહીં આવે.
કડક પોલીસ બંદોબસ્ત અને દ્વિ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા
ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા બે લેયરમાં સુરક્ષા ગોઠવવામાં આવી હતી. અંદાજે 400 જેટલા સુરક્ષા જવાનોને સ્થળ પર તહેનાત રાખવામાં આવ્યા હતા. આ સિવાય ડ્રોન દ્વારા પણ નજર રાખવામાં આવી રહી હતી. પોલીસ સાથે સાથે સ્થાનિક પ્રશાસનના અધિકારીઓ પણ સતત દેખરેખ રાખી રહ્યા હતા.
આ કામગીરી દરમિયાન એમ્બ્યુલન્સ અને ફાયર વિભાગની ટીમને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી, જેથી કોઈ આપત્તિજનક પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક કાર્યવાહી કરી શકાય. સમગ્ર ઓપરેશનને અત્યંત સંવેદનશીલ ગણવામાં આવતું હોવાથી દરેક પાસા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: વડોદરામાં VVIP બંદોબસ્ત દરમિયાન પોલીસ પર હુમલો : 3 આરોપીઓ સામે ગુનો નોંધાયો
DySP આસ્થા રાણાએ જણાવ્યો પોલીસ બંદોબસ્ત
આ મામલે DySP આસ્થા રાણાએ પોલીસ બંદોબસ્ત વિશે જણાવ્યું કે, "બે લેયર બંદોબસ્ત છે, જેમાં 3 DySP, 11 PI અને તેમની સાથે 350 થી 400 ની પોલીસ ફોર્સ ફાળવવામાં આવી હતી." ત્યારે "તકેદારીના ભાગરૂપે મેડિકલ ટીમ, ફાયરની ટીમ પણ હાજર રખવામાં આવી હતી," તેમણે જણાવ્યું.
Source: Offbeat Stories






