વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં ગત મોડી રાત્રે ગેરકાયદેસર રેતી ખનન દરમિયાન એક મોટી અને હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ છે. નદી કિનારે ચાલી રહેલા ગેરકાયદેસર ઉત્ખનન દરમિયાન અચાનક માટીની એક વિશાળ ભેખડ ધસી પડતાં ત્યાં કામ કરી રહેલા બે શ્રમિકો તેના નીચે જીવતા દટાઈ ગયા હતા. આ અકસ્માતમાં હિટાચી મશીનના ઓપરેટર અને એક ટ્રક કંડક્ટરનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.
ધટના બાદ ખનન માફિયાઓ ફરાર, મામલો દબાવવાનો પ્રયાસ
મળતી માહિતી મુજબ, રાત્રિના અંધકારનો લાભ લઈને અહીં મોટા પાયે ગેરકાયદેસર રેતી ચોરીનું નેટવર્ક ચાલી રહ્યું હતું. અકસ્માત સર્જાતા જ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તત્વો અને ખનન માફિયાઓ શ્રમિકોને બચાવવાના બદલે વાહનો મૂકીને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, અકસ્માત બાદ માફિયાઓ દ્વારા આ સમગ્ર મામલા પર પડદો પાડવા અને ઘટનાને દબાવી દેવાના પૂરેપૂરા પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે, વહેલી સવારે આ બાબતની જાણ આસપાસના લોકોને થતાં મામલો બહાર આવ્યો હતો.
સ્થાનિકોમાં ભારે રોષ: તંત્રની રહેમનજર હેઠળ ખનન થતું હોવાનો આક્ષેપ
આ દુર્ઘટનાને પગલે સ્થાનિક ગ્રામજનોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ડેસરના આ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી ભૂમાફિયાઓ દ્વારા બેરોકટોક ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક સ્તરે અવારનવાર રજૂઆતો કરવા છતાં ખાણ-ખનિજ વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા ન હતા, જેના પરિણામે આજે બે નિર્દોષ શ્રમિકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.
આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી આગ! : 10 દિવસમાં જ ત્રીજી વાર વધ્યા ભાવ, પેટ્રોલ 87 પૈસા અને ડીઝલ 91 પૈસા મોંઘુ
પોલીસ તપાસ શરૂ, તંત્રની કડક કાર્યવાહી સામે નજર
ધટનાની જાણ થતાં જ ડેસર પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે માટી નીચેથી બંને શ્રમિકોના મૃતદેહોને બહાર કાઢી, પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે ડેસર સિવિલ હોસ્પિટલ (CHC) ખાતે ખસેડ્યા છે. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી ફરાર ખનન માફિયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બાદ હવે ઊંઘતું ઝડપાયેલું તંત્ર અને ખાણ-ખનિજ વિભાગ ગેરકાયદેસર ખનન કરનારાઓ સામે કેવા પગલાં ભરે છે અને મુખ્ય સૂત્રધારોની ધરપકડ ક્યારે થાય છે, તેના પર સૌની નજર મંડાયેલી છે.





