Home Gujarat Vadodara Vadodara Stray Dog Bite Cases Vmc Action Plan After Supreme Court Order

વડોદરામાં રખડતા શ્વાનનો આતંક : રોજ સરેરાશ 35 લોકોને બચકાં ભરે છે શ્વાન, સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ પાલિકા એક્શન મોડમાં

Vadodara stray dogs Supreme Court order
Published by: Nirali Gohil
Last Updated: May 21, 2026, 06:21 AM IST

વડોદરા: સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહેલા સંસ્કારી નગરી વડોદરાના નાગરિકો હાલ એક ગંભીર અને ભયજનક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે નાના બાળકોથી લઈને વડીલો સુધીના તમામ લોકો રસ્તા પર નીકળતા ડરી રહ્યા છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, વડોદરા શહેરમાં રખડતા શ્વાન કરડવાના રોજિંદા સરેરાશ 35 કેસ નોંધાઈ રહ્યા છે, જે દર્શાવે છે કે સ્થિતિ કેટલી ગંભીર બની ચૂકી છે. આ આતંકને ડામવા માટે હવે વડોદરા મહાનગરપાલિકા (VMC) એ આખરે કમર કસી છે.

મળતી માહિતી મુજબ, વડોદરા શહેરમાં વાર્ષિક ધોરણે અંદાજે સરેરાશ 12 હજાર જેટલા ડોગ બાઈટ (કૂતરા કરડવા) ના કેસો સામે આવે છે. એક અંદાજ મુજબ સમગ્ર વડોદરા શહેરમાં હાલમાં રખડતા કૂતરાઓની સંખ્યા 40 હજાર જેટલી થવા જાય છે. કૂતરાઓની વધતી જતી વસ્તી અને તેના કારણે નિર્દોષ નાગરિકો પર થતા હુમલાઓને લઈને સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. સર્વોચ્ચ અદાલતના આદેશ બાદ હવે વડોદરા પાલિકાનું તંત્ર સફાળું જાગ્યું છે અને આ સમસ્યાના કાયમી ઉકેલ માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

10 વર્ષમાં 80 હજાર શ્વાનોનું ખસીકરણ, છતાં વસ્તી નિયંત્રણ બહાર!

વડોદરા મહાનગરપાલિકાના માર્કેટ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. વિજય પંચાલના જણાવ્યા અનુસાર, પાલિકા દ્વારા શ્વાનોની વસ્તી પર કાબૂ મેળવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. છેલ્લા ૧૦ વર્ષના ગાળામાં શહેરમાં અંદાજે 80 હજાર જેટલા શ્વાનોનું સક્સેસફુલ ખસીકરણ (Sterilization) કરવામાં આવ્યું છે. આમ છતાં, આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી શ્વાનોનું સ્થળાંતર થવાના કારણે અથવા અન્ય વહીવટી મર્યાદાઓને લીધે શહેરમાં હજુ પણ 40 હજાર જેટલા રખડતા કૂતરાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે, જેનાથી જનતા પરેશાન છે.

આ પણ વાંચો: વડોદરા રેલવે પોલીસનું 'મિશન સેફ સ્ટેશન': પુરી-ઓખા એક્સપ્રેસમાંથી લાખોના ગાંજા સાથે બુટલેગર ઝડપાયો

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કડક એક્શન: ચાર ઝોનમાં બનશે આધુનિક 'ડોગ શેલ્ટર હોમ'

સ્થાનિક રહીશોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન્સના પાલન અર્થે પાલિકા પ્રશાસન હવે સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગયું છે. વડોદરા શહેરના તમામ ચાર ઝોન (પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ) માં અદ્યતન 'ડોગ શેલ્ટર હોમ' બનાવવાની કામગીરી ખૂબ જ ઝડપી ગતિએ શરૂ કરી દેવામાં આવી છે. આ શેલ્ટર હોમ્સ કાર્યરત થવાથી આક્રમક કે બીમાર શ્વાનોને પકડીને ત્યાં શિફ્ટ કરવામાં આવશે, જેથી રસ્તાઓ પર નાગરિકો, ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો અને રાત્રે નોકરી પરથી પરત ફરતા લોકો સુરક્ષિત રહી શકે. પાલિકા તંત્રનો દાવો છે કે આગામી દિવસોમાં આ શેલ્ટર હોમની કામગીરી પૂર્ણ થતાં જ વડોદરાવાસીઓને રખડતા શ્વાનના આતંકમાંથી મોટી રાહત મળશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now