Home Gujarat Deputy Chief Minister Harsh Sanghvi Visits Vadodara Inauguration Of Development Works Worth Rs 200 Crore Attendance Pran Pratishtha Mahotsav

"દીકરીઓને ફસાવવાનો પ્રયાસ કરશે તો ભાજપ સરકાર કોઈને છોડશે નહીં" : વડોદરામાં હર્ષ સંઘવીની ગર્જના

"દીકરીઓને ફસાવવાનો પ્રયાસ કરશે તો ભાજપ સરકાર કોઈને છોડશે નહીં"
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 06, 2026, 10:22 AM IST

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં આજે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો ઝંઝાવતી પ્રવાસ યોજાયો હતો. આ મુલાકાત દરમિયાન તેમણે ધાર્મિક આસ્થા અને શહેરના વિકાસ વચ્ચે સમન્વય સ્થાપ્યો હતો. નવાયાર્ડ રેલવે કોલોનીના ડી-કેબિન વિસ્તારમાં નવનિર્મિત રામેશ્વર મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મંત્રીએ હાજરી આપી હતી. અહીં તેમણે ભગવાન શિવ અને ભારત માતાના ચરણોમાં વંદન કરી નગરજનોને અંદાજે રૂ.210 કરોડના વિકાસકાર્યોની ભેટ ધરી હતી. પોતાના સંબોધનમાં હર્ષ સંઘવીએ સામાજિક સુરક્ષા પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે ખાસ કરીને દીકરીઓને લલચાવી-ફોસલાવીને ફસાવતા તત્વો સામે લાલ આંખ કરી હતી. મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જો કોઈ ખોટું નામ ધારણ કરીને દીકરીઓને પ્રેમજાળમાં ફસાવશે તો, ભૂપેન્દ્ર પટેલની સરકાર તેમને છોડશે નહીં. આ સાથે જ તેમણે વડોદરા પાલિકાના પ્રોજેક્ટ્સ અને સ્પોર્ટ્સ યુનિવર્સિટીના વિકાસકાર્યોનું લોકાર્પણ કરીને વડોદરાને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાની ખાતરી આપી હતી.

આસ્થાનું કેન્દ્ર રામેશ્વર મંદિર: એકતાનું પ્રતિક

હર્ષ સંઘવીએ નવાયાર્ડના રામેશ્વર મંદિરના મહત્વ વિશે જણાવ્યું હતું કે, જ્યારે રેલવેનું અસ્તિત્વ પણ ન હતું ત્યારથી અહીં શિવલિંગ બિરાજમાન છે. આ મંદિર વિસ્તારના લોકોની આસ્થાનું સૌથી મોટું કેન્દ્રબિંદુ છે. અહીંના પરિવારોએ પેટે પાટા બાંધીને, એક-એક રૂપિયો ભેગો કરીને મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો છે, જે વિસ્તારની એકતા અને સહકારનું સર્વોત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

"દીકરીઓની ટીકા છોડો, ઝાંસીની રાણી બનીને વ્હારે આવો"

ગૃહ રાજ્યમંત્રીએ વડોદરાની ધરતી પરથી સમાજને એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે, "જ્યારે સમાજની ભોળી દીકરીઓ કોઈનો શિકાર બને કે મુશ્કેલીમાં ફસાય, ત્યારે તેની ટીકા કરવાને બદલે તેનું રક્ષણ કરવાની જરૂર છે. સમાજની દરેક વ્યક્તિએ દીકરીઓની વ્હારે આવવું જોઈએ અને અન્યાય સામે ઝાંસીની રાણી બનીને ઊભા રહેવું જોઈએ. જો સમાજ વિચાર બદલશે અને એક થશે, તો કોઈની હિંમત નહીં ચાલે કે તે આપણી દીકરીઓને હેરાન કરી શકે."

નામ બદલીને ફસાવનારાઓને સરકારનો સીધો પડકાર

રાજ્યમાં વધી રહેલા લવ જેહાદ જેવા બનાવો પર પ્રહાર કરતા હર્ષ સંઘવીએ કડક ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે, જે કોઈ વ્યક્તિ ખોટું નામ ધારણ કરીને કે પોતાની ઓળખ છુપાવીને સમાજની દીકરીઓ સાથે લગ્ન કરશે, તેને ભાજપ સરકાર એવો સબક શીખવાડશે કે તે આખી જિંદગી કોઈ દીકરી સામે આંખ ઉઠાવીને જોવાની હિંમત નહીં કરે. આ મામલે પોલીસની સફળતાનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, બનાસકાંઠા, વડોદરા, પંચમહાલ અને સુરત જેવા જિલ્લાઓમાં આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં પોલીસે વિવિધ સામાજિક સંગઠનો સાથે મળીને ત્વરિત કાર્યવાહી કરી છે અને અનેક દીકરીઓને સુરક્ષિત રીતે બચાવી લીધી છે.

વડોદરાને રૂ.210 કરોડના વિકાસકાર્યોનું નજરાણું

ધાર્મિક કાર્યક્રમની સાથે મંત્રીએ વડોદરાના વિકાસને પણ નવી ગતિ આપી હતી અને શહેરને અંદાજે રૂ.210 કરોડના વિકાસકાર્યોનું નજરાણું ધર્યું હતું. વડોદરા મહાનગરપાલિકાના ₹200 કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાની સાથે તેમણે ટેકનોલોજીના ઉપયોગ પર પણ ભાર મૂક્યો હતો. આ પ્રસંગે વડોદરાના સાંસદ હેમાંગ જોષી દ્વારા તૈયાર કરવામાં આવેલા અત્યાધુનિક 'AI આધારિત MP પોર્ટલ'નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જે આધુનિક ટેકનોલોજીના માધ્યમથી લોકોના પ્રશ્નો અને સમસ્યાઓનું ઝડપી નિવારણ લાવવામાં મદદરૂપ થશે.

રમતગમત અને શિક્ષણ ક્ષેત્રે પણ મહત્વની જાહેરાતો કરતા મંત્રીએ ડેસર સ્પોર્ટ્સ યુનિવર્સિટી ખાતે 'ગર્લ્સ હોસ્ટેલ ફેઝ-2' ના બાંધકામનું ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું, જે દૂર-દૂરથી આવતી ખેલાડી દીકરીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ ઉપરાંત, ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને જાળવવા માટે રાજ્ય સરકાર દ્વારા યાત્રાધામોના વિકાસ અર્થે ત્વરિત રૂ.25 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી હતી. આમ, હર્ષ સંઘવીએ વડોદરામાં સુરક્ષા, સુવિધા અને શ્રદ્ધાના ત્રિવેણી સંગમ સમાન અનેક પ્રકલ્પો જનતાને સમર્પિત કર્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now