નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં આજે રાજકીય અને સુરક્ષાના દૃષ્ટિકોણથી અત્યંત મહત્વનો દિવસ છે. એક તરફ સંસદનું ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે તો બીજી તરફ કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા જાહેર કરાયેલા 'સંસદ ચાલો' માર્ચને લઈને સમગ્ર શહેરમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હી પોલીસે સંસદ ભવન અને તેની આસપાસના વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. રાજીવ ચોક સહિત પાંચ મહત્વના મેટ્રો સ્ટેશનો પર એન્ટ્રી અને એક્ઝિટ અસ્થાયી રીતે બંધ કરવામાં આવી છે, જ્યારે સંવેદનશીલ વિસ્તારોમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 હેઠળ પ્રતિબંધાત્મક આદેશો અમલમાં મૂકવામાં આવ્યા છે.
CJP દ્વારા NEET પેપર લીક કેસ, શિક્ષણ વ્યવસ્થામાં વધતી ગેરરીતિઓ અને દેશના યુવાનોમાં વધતી બેરોજગારીના મુદ્દે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતાનો અભાવ છે અને લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. આ મુદ્દાઓને લઈને જ આજે જંતર-મંતરથી સંસદ સુધી માર્ચ યોજવાની જાહેરાત કરવામાં આવી છે.
જંતર-મંતરથી સંસદ સુધી ચુસ્ત સુરક્ષા
સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે દિલ્હી પોલીસે સુરક્ષાના અભૂતપૂર્વ બંદોબસ્ત કર્યા છે. જંતર-મંતરથી સંસદ ભવન સુધીના સમગ્ર માર્ગ પર બેરિકેડિંગ કરવામાં આવ્યું છે અને પાંચ હજારથી વધુ પોલીસકર્મીઓ તથા અર્ધલશ્કરી દળના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ પ્રદર્શનકારીઓને સંસદ ભવન સુધી પહોંચવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ કારણે જંતર-મંતર વિસ્તાર અને આસપાસના માર્ગો પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. જો પ્રદર્શનકારીઓ બેરિકેડ તોડવાનો પ્રયાસ કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સુરક્ષા એજન્સીઓએ સંવેદનશીલ વિસ્તારોમાં સતત નજર રાખવા માટે ડ્રોન અને સીસીટીવી સર્વેલન્સની પણ વ્યવસ્થા કરી છે.
આ પણ વાંચો: સંસદ માર્ચ પહેલાં સોનમ વાંગચુકનું મોટું એલાન : અનશન તોડવા મૂકી 3 શરતો, સરકારને આપ્યું અલ્ટીમેટમ
5 મેટ્રો સ્ટેશનો પર પ્રતિબંધ, મુસાફરોને મુશ્કેલી
સુરક્ષાના ભાગરૂપે રાજીવ ચોક સહિત પાંચ મહત્વના મેટ્રો સ્ટેશનો પર એન્ટ્રી અને એક્ઝિટ સેવાઓ અસ્થાયી રીતે બંધ રાખવામાં આવી છે. જોકે, મેટ્રો ટ્રેનો નિયમિત રીતે દોડતી રહેશે, પરંતુ કેટલાક સ્ટેશનો પર મુસાફરોને ચઢવા-ઉતરવાની મંજૂરી આપવામાં નહીં આવે. દિલ્હી મેટ્રો અને પોલીસે મુસાફરોને ઘરેથી નીકળતા પહેલાં ટ્રાફિક અને મેટ્રો અંગેની તાજી માહિતી તપાસવાની અપીલ કરી છે.
આ ઉપરાંત સંસદ માર્ગ, જનપથ, અશોક રોડ અને આસપાસના અનેક રસ્તાઓ પર ટ્રાફિકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેના કારણે ઓફિસ જતાં લોકો અને અન્ય મુસાફરોને વિકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.
સોનમ વાંગચુક પછી અભિજીત દિપકે બેઠા અનશન પર
CJPના આંદોલનને વધુ ગતિ ત્યારે મળી જ્યારે જાણીતા પર્યાવરણ કાર્યકર અને શિક્ષણ સુધારક સોનમ વાંગચુકને લાંબા સમયથી ચાલતા અનશન દરમિયાન દિલ્હી પોલીસે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. CJPએ આરોપ લગાવ્યો હતો કે પોલીસ દ્વારા તેમને બળજબરીપૂર્વક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. વાંગચુક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમણે અનશન સમાપ્ત કરવા માટે કેટલીક શરતો પણ જાહેર કરી છે. તેમની ગેરહાજરી બાદ CJPના સ્થાપક અભિજીત દિપકે અનશનની કમાન સંભાળી છે. તેઓ હાલમાં જંતર-મંતર ખાતે ભૂખ હડતાળ પર બેઠા છે અને તેમની સાથે અન્ય અનેક કાર્યકરો પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ પર CJP અડગ
CJPનું કહેવું છે કે NEET સહિત વિવિધ ભરતી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સામે આવેલા પેપર લીકના બનાવોને લઈને કેન્દ્ર સરકારે જવાબદારી સ્વીકારવી જોઈએ. પાર્ટી કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પર પણ અડગ છે. CJPનો આરોપ છે કે પરીક્ષા પ્રણાલીમાં વારંવાર થતી ગેરરીતિઓને કારણે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે.
પાર્ટીના નેતાઓનું કહેવું છે કે જ્યાં સુધી સરકાર શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા, જવાબદારી અને પરીક્ષા પ્રણાલીમાં સુધારા માટે સ્પષ્ટ પગલાં નહીં ભરે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. બીજી તરફ સરકાર તરફથી હજુ સુધી આ માંગણીઓ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.






