Surat News: શહેરમાં આર્થિક ગુનાખોરીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે સુરત ઇકોસેલ (Economic Offences Wing) પોલીસને એક મોટી સફળતા મળી છે. દમણમાં આલીશાન હોટલ અને ફ્લેટ બનાવવાના બહાને સુરતના એક આસામી સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર મુખ્ય સૂત્રધાર ભરત સિંધીની પોલીસે ધરપકડ કરી છે.
શું હતો સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ, આરોપી ભરત સિંધીએ તેના સાથીદાર વિજય સાથે મળીને એક સુનિયોજિત કાવતરું ઘડ્યું હતું. તેઓએ સુરતના ફરિયાદીને દમણમાં એક ભવ્ય પ્રોજેક્ટની લાલચ આપી હતી. ભરતે ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા કે તેઓ દમણ ખાતે એક થ્રી-સ્ટાર હોટલ અને રહેણાંક ફ્લેટનું નિર્માણ કરી રહ્યા છે.
આ પણ વાંચો: મનપાની ચૂંટણીમાં કોંગ્રેસ જીતશે તો અમદાવાદમાં કતલખાનું બનાવવાનું વચન! : MLA ઇમરાન ખેડાવાલાનું મોટું નિવેદન
1.07 કરોડનું રોકાણ અને વિશ્વાસઘાત
રોકાણના નામે ઊંચા વળતર અને મિલકતની લાલચમાં આવીને ફરિયાદીએ આ પ્રોજેક્ટમાં કુલ ₹1,07,62,000 (એક કરોડ સાત લાખ બાસઠ હજાર) જેટલી માતબર રકમનું રોકાણ કર્યું હતું. શરૂઆતમાં બાંધકામ શરૂ હોવાનું નાટક કરીને આરોપીઓએ ફરિયાદી પાસેથી ટપ્પે-ટપ્પે નાણાં પડાવ્યા હતા.
છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી
આ કેસમાં ચોંકાવનારી વિગતો એ સામે આવી છે કે રોકાણ મેળવ્યા બાદ આરોપીઓએ બાંધકામ અધવચ્ચે જ અટકાવી દીધું હતું. જે જગ્યા પર ફ્લેટ બનવાના હતા અને જેમાં ફરિયાદીએ રોકાણ કર્યું હતું, તે જ જમીન આરોપીઓએ ફરિયાદીને જાણ કર્યા વગર અન્ય ત્રીજી વ્યક્તિને વેચી મારી હતી. ફરિયાદી જ્યારે પોતાના રોકાણ કે મિલકત અંગે પૃચ્છા કરવા ગયા ત્યારે તેમને છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો.
આ પણ વાંચો: ભરૂચ મનપાની ચૂંટણીમાં યુસુફ રિઝવીનું વિવાદાસ્પદ નિવેદન : '80 લાખ મુસ્લિમ મતદાન કરશે તો બુલડોઝર નહીં ચાલે'
પોલીસ કાર્યવાહી
ફરિયાદીની ફરિયાદના આધારે સુરત ઇકોસેલ પોલીસે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ભરત સિંધીને દબોચી લીધો છે. પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી તેના અન્ય સાથીદારો અને આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય લોકોની શોધખોળ હાથ ધરી છે. ઇકોસેલ પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે કોઈપણ મોટા પ્રોજેક્ટમાં રોકાણ કરતા પહેલા દસ્તાવેજોની પૂરેપૂરી તપાસ કરવી અને લાલચમાં આવીને નાણાં ન રોકવા.





