દાહોદ જિલ્લાના લીમખેડાની ધાનપુર ચોકડી પાસે પોલીસની રૂટીન વાહન ચેકિંગ કામગીરી દરમિયાન એક મોટી સફળતા હાથ લાગી છે. પોલીસે શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી એક અર્ટિગા કારને અટકાવી તેની તલાશી લેતા, તેમાંથી કરોડો રૂપિયાની બિનહસાબી રોકડ રકમનો જથ્થો મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. લોકસભા ચૂંટણીઓ નજીક હોવાથી અથવા સુરક્ષાના ભાગરૂપે ચાલી રહેલા સઘન ચેકિંગ દરમિયાન આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
પંચોની હાજરીમાં થઈ ગણતરી: કુલ ₹2,56,80,500 જપ્ત
મળતી માહિતી મુજબ, લીમખેડા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ધાનપુર ચોકડી પાસે વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન ત્યાંથી પસાર થતી અર્ટિગા કારને રોકીને તપાસ કરવામાં આવતા પોલીસને કારની અંદરથી ત્રણ શંકાસ્પદ પાર્સલ મળી આવ્યા હતા. પોલીસે તાત્કાલિક સ્થાનિક પંચોને બોલાવી તેમની પ્રત્યક્ષ હાજરીમાં આ ત્રણેય પાર્સલ ખોલીને તપાસ કરી હતી. પાર્સલમાંથી ભારતીય ચલણી નોટોના બંડલો મળી આવ્યા હતા, જેની વિધિવત ગણતરી કરતા કુલ ₹2,56,80,500 (બે કરોડ છપ્પન લાખ એંસી હજાર પાંચસો)ની માતબર રકમ હોવાનું સામે આવ્યું હતું.
દાહોદથી વડોદરા લઈ જવાતી હતી રકમ
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ નાણાં હેરફેર અંગેનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ઝડપાયેલી કારના ચાલક રાજુભાઈ નીનામાની પોલીસે જ્યારે કડક પૂછપરછ કરી, ત્યારે તેણે કબૂલાત કરી હતી કે આ માતબર રકમ દાહોદની એક આંગડિયા પેઢીમાંથી લાવવામાં આવી હતી અને તેને વડોદરા ખાતે પહોંચાડવાની હતી. વાહન ચાલકે વધુમાં જણાવ્યું હતું કે, દાહોદના ભરત ચોપડા નામના વ્યક્તિએ આ નાણાં વડોદરા ડિલિવરી કરવા માટે આપ્યા હતા.
'આંગણવાડીમાં એક પણ બાળક ન રહેવું જોઈએ રમકડાંથી વંચિત': જાણો ગુજરાત મુલાકાત દરમિયાન અમિત શાહે બીજું શું કહ્યું
કાયદેસરના દસ્તાવેજોના અભાવે નાણાં સીઝ કરાયા
પોલીસે જ્યારે કાર ચાલક રાજુભાઈ પાસે આટલી મોટી રકમ લઈ જવા અંગેના બિલ, રસીદ કે અન્ય કોઈ પણ પ્રકારના કાયદેસરના આધાર-પુરાવા અથવા દસ્તાવેજો માંગ્યા, ત્યારે તે કોઈ પણ સંતોષકારક પુરાવો રજૂ કરી શક્યો ન હતો. આ નાણાં સંપૂર્ણપણે બિનહસાબી અને શંકાસ્પદ જણાતા લીમખેડા પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની સંબંધિત કલમો હેઠળ આ સમગ્ર રોકડ રકમ અને કારને સીઝ કરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે ભારતને મળી મોટી રાહત!: વિશ્વનો સૌથી જોખમી માર્ગ પસાર કરી ગુજરાત પહોંચ્યું LPG ટેન્કર





