Home Gujarat Amit Shah Gandhinagar Balak Abhiyan Meeting

'આંગણવાડીમાં એક પણ બાળક ન રહેવું જોઈએ રમકડાંથી વંચિત' : જાણો ગુજરાત મુલાકાત દરમિયાન અમિત શાહે બીજું શું કહ્યું

અમિત શાહની બેઠકની છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: May 17, 2026, 06:15 AM IST

ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં બાળ વિકાસ અને સામાજિક ભાગીદારીને મજબૂત બનાવવાના હેતુથી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા સ્થાનિક સાંસદ અમિત શાહએ મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી. બેઠકમાં “રમશે બાળક, ખીલશે બાળક” અભિયાન સાથે જોડાયેલા ઈન્ચાર્જ અને સહ-ઈન્ચાર્જ સહિત વિવિધ વિધાનસભા વિસ્તારોના ચૂંટાયેલા નગરસેવકો હાજર રહ્યા હતા. આ પ્રસંગે અમિત શાહે અભિયાન સાથે સંકળાયેલા તમામ કાર્યકરોના પ્રયાસોની પ્રશંસા કરી અને આ પહેલને વધુ વ્યાપક બનાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે બાળ વિકાસ માત્ર સરકારી યોજનાઓથી નહીં પરંતુ સમાજના સહયોગથી જ સફળ બની શકે છે. તેમણે આ અભિયાનને ગાંધીનગર સંસદીય ક્ષેત્રના દરેક ખૂણામાં પહોંચાડવા અને લોકભાગીદારી વધારવા માર્ગદર્શન આપ્યું હતું.

બાળ વિકાસ માટે સર્વસમાવેશી અભિગમ

અમિત શાહે ખાસ કરીને આંગણવાડીઓમાં રમકડાંની ઉપલબ્ધિ અંગે ચિંતા વ્યક્ત કરી અને જણાવ્યું કે કોઈ પણ બાળક રમકડાંથી વંચિત ન રહે તે માટે તંત્ર અને સમાજ બંનેને જવાબદારીપૂર્વક કાર્ય કરવું જોઈએ. બાળપણમાં રમકડાં અને રમતમાં જોડાવું બાળકના માનસિક અને શારીરિક વિકાસ માટે મહત્વપૂર્ણ છે, જે લાંબા ગાળે સમાજના વિકાસમાં યોગદાન આપે છે. આ અભિયાનને માત્ર એક કાર્યક્રમ તરીકે નહીં પરંતુ સામાજિક આંદોલન તરીકે વિકસાવવા તેમણે સૂચન આપ્યું હતું. તેમણે ઉમેર્યું કે ગામડાંથી લઈને શહેર સુધી દરેક વર્ગના લોકો આ અભિયાન સાથે જોડાય તે માટે જાગૃતિ અને સહયોગ જરૂરી છે.

આ પણ વાંચો: Gujarat Census; ગુજરાતમાં આજથી વસતી ગણતરીનો પ્રારંભ : જાણો પહેલીવાર પૂછાશે કયા 4 સવાલો

નગરસેવકોને જનસેવા માટે સંદેશ

બેઠક દરમિયાન ઘાટલોડિયા, નારણપુરા, સાબરમતી અને વેજલપુર વિધાનસભા ક્ષેત્રોમાંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટાયેલા નગરસેવકોને પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. અમિત શાહે તેમને સંબોધતા જણાવ્યું કે નગરસેવકો લોકશાહીનો સૌથી નજીકનો તબક્કો છે અને તેઓએ નાગરિકોની સમસ્યાઓને સમજતા ઝડપી અને અસરકારક ઉકેલ આપવા જોઈએ. તેમણે નગરસેવકોને અહર્નિશ સેવા, સંવાદ અને સમર્પણ સાથે કાર્ય કરવા પ્રેરણા આપી અને જણાવ્યું કે લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવું એ જ સાચી જનસેવા છે. વિકાસના કાર્યોમાં પારદર્શિતા અને જવાબદારી જાળવવા તેમણે ખાસ ભાર મૂક્યો હતો.

કેન્દ્ર અને રાજ્યની યોજનાઓ પર વિશ્વાસ વ્યક્ત

અમિત શાહે પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચાલી રહેલી “ટ્રાન્સફોર્મ, પર્ફોર્મ અને રિફોર્મ”ની નીતિનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં નાગરિકોની સુખાકારી અને જીવનધોરણ સુધારવા અનેક મહત્વપૂર્ણ પહેલો અમલમાં મૂકી છે. સાથે સાથે તેમણે રાજ્ય સરકારના કાર્યને પણ વખાણતા કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાતમાં અનેક લોક કલ્યાણકારી યોજનાઓ સફળતા પૂર્વક અમલમાં આવી રહી છે. આ યોજનાઓનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે માટે સ્થાનિક પ્રતિનિધિઓની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાનું તેમણે જણાવ્યું.

આ પણ વાંચો: ભારતમાં પ્રથમવાર કેપ્ટાગોન ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો : NCB ની ગુજરાતમાં કાર્યવાહી, ₹182 કરોડના ડ્રગ્સ સાથે સિરિયન નાગરિકની ધરપકડ

લોકભાગીદારી

બેઠકનો મુખ્ય કેન્દ્રબિંદુ લોકભાગીદારી અને વિકાસ રહ્યો હતો. અમિત શાહે જણાવ્યું કે સરકારની યોજનાઓ ત્યારે જ સફળ બને છે જ્યારે સામાન્ય નાગરિક તેમાં જોડાય અને તેનો લાભ લે. તેમણે નગરસેવકોને આ યોજનાઓને ઘરઘર સુધી પહોંચાડવા માટે સક્રિય ભૂમિકા ભજવવા આહવાન કર્યું હતું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાના વિસ્તારના વિકાસમાં સક્રિય યોગદાન આપશે અને લોકોના વિશ્વાસને મજબૂત બનાવશે. આ પ્રકારની બેઠકઓથી તંત્ર અને સમાજ વચ્ચે સંવાદ વધે છે અને વિકાસની ગતિને વધુ વેગ મળે છે.

અમિત શાહનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ

અમિત શાહ બપોરે 1:30 કલાકે ઈન્ફોસિટી પાસે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નવ નિર્મિત બગીચાનું ઉદ્ઘાટન કરશે.

અમિત શાહ બપોરે 1:45 કલાકે દશેલામાં ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડના નવ નિર્મિત 5 લાખ લીટર ક્ષમતાવાળા નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે.

અમિત શાહ બપોરે 03:00 કલાકે પેથાપુરમાં ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નવ નિર્મિત પાણીની ટાંકી અને નર્મદા જળ વિતરણ પ્રણાલીનું ઉદ્ઘાટન કરશે.

અમિત શાહ બપોરે 03:15 કલાકે કોલવડમાં ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નવ નિર્મિત STP પ્લાનની મુલાકાત લેશે અને વૃક્ષા રોપણ કરશે.

અમિત શાહ બપોરે 03:35 કલાકે સહકાર કોલોની ખાતે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નવ નિર્મિત યોગ સ્ટુડિયો અને પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરશે.

અમિત શાહ બપોરે 03:50 કલાકે સેક્ટર 22માં ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નવ નિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે.

અમિત શાહ બપોરે 04:00 કલાકે સેક્ટર-17 ખાતે ગાંધીનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ સમારોહ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now