વેલેન્ટાઇન ડે (14 ફેબ્રુઆરી) નજીક આવતા જ સાયબર ઠગો નવી નવી યુક્તિઓ સાથે સક્રિય બન્યા છે. “લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે” કહેવતને સાર્થક કરતી એક ખતરનાક ‘વેલેન્ટાઇન ડે સ્પેશિયલ ગિફ્ટ કોલ ફોરવર્ડિંગ સ્કેમ’ હાલમાં ઝડપથી ફેલાઈ રહી છે. આ સ્કેમમાં લોકોની ઉત્સુકતા, લાગણી અને સરપ્રાઇઝ ગિફ્ટના લાલચનો ચતુરાઈપૂર્વક ઉપયોગ કરવામાં આવે છે. આ સ્કેમની કાર્યપદ્ધતિ (મોડેસ ઓપરેન્ડી) મુજબ, પીડિતને અજાણ્યા નંબર પરથી ફોન આવે છે.
વેલેન્ટાઇન ડે પહેલા સાયબર ઠગો સક્રિય
ફોન કરનાર સામેની વ્યક્તિને કહે છે કે, “તમારા કોઈ ખાસ મિત્ર અથવા શુભચિંતકે તમારા માટે વેલેન્ટાઇન ડે સ્પેશિયલ ગિફ્ટ મોકલી છે.” ત્યારબાદ સ્કેમર એવો વિશ્વાસ અપાવે છે કે ડિલિવરી બોય તમારા ઘરની આસપાસ જ છે, પરંતુ તેને તમારું ચોક્કસ સરનામું મળી રહ્યું નથી. વિશ્વાસ વધારવા માટે તેઓ કહે છે કે, “હું તમને એક નંબર મોકલું છું, તેના પર કોલ કરશો તો તમારો ફોન સીધો ડિલિવરી બોયને લાગશે અને તમે તેને રસ્તો સમજાવી શકશો.” આ દરમિયાન સ્કેમર પીડિતને એક ખાસ કોડ ડાયલ કરવા કહે છે, જે સામાન્ય રીતે *21 સાથે શરૂ થતો હોય છે. અજાણ્યો કોડ ડાયલ કરતાં જ પીડિતના ફોનના તમામ ઇનકમિંગ કોલ્સ સ્કેમરના નંબર પર ફોરવર્ડ થઈ જાય છે. ત્યારબાદ સ્કેમર બેંક કે સોશિયલ મીડિયા એકાઉન્ટમાં લોગિન માટે ‘OTP via Call’ વિકલ્પ પસંદ કરે છે. OTP માટે આવતા કોલ્સ પીડિત સુધી પહોંચવા બદલે સીધા સ્કેમર પાસે જાય છે અને તે સરળતાથી બેંક ખાતામાંથી રૂપિયા ઉપાડી લે છે.
‘સ્પેશિયલ ગિફ્ટ કોલ ફોરવર્ડિંગ સ્કેમ’થી સાવધાન
સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકરના જણાવ્યા અનુસાર, આ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે ક્યારેય પણ કોઈના કહેવાથી 21, 401 અથવા કોઈપણ અજાણ્યો કોડ ડાયલ ન કરવો. અચાનક મળતા ‘સરપ્રાઇઝ ગિફ્ટ’ના ફોન કોલથી સાવચેત રહેવું જરૂરી છે. જો શંકા થાય કે તમારો કોલ ફોરવર્ડ થઈ રહ્યો છે, તો તરત તપાસ કરવી. ભૂલથી કોલ ફોરવર્ડિંગ ચાલુ થઈ ગઈ હોય તો 002 ડાયલ કરીને તમામ કોલ ફોરવર્ડિંગ તરત બંધ કરી શકાય છે. આ ઉપરાંત WhatsApp અને બેંકિંગ એપ્સમાં ‘ટુ-સ્ટેપ વેરિફિકેશન’ ફરજિયાત ચાલુ રાખવું જોઈએ. જો કોઈ પણ પ્રકારની છેતરપિંડીનો ભોગ બનવામાં આવે, તો વિલંબ કર્યા વિના સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરવો અથવા www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવવી અત્યંત જરૂરી છે.




















