Home Gujarat Cyber Crime 16 Arrested 77 Crore Fraud Network Gujarat Goa

દેશભરમાં 375 સાયબર ગુના આચરનાર 16 શખસોની ધરપકડ : 77 કરોડના દેશવ્યાપી ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શનનો ખુલાસો

Cybercrime network
Published by: Aryan Shah
Last Updated: Apr 13, 2026, 10:59 AM IST

Cybercrime network exposed : ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા એક ખૂબ જ મોટા સાયબર ક્રાઇમ નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. વડોદરા, પાલનપુર અને ગોવા ખાતેથી કુલ 16 શખસોની ધરપકડ કરવામાં આવી છે, જેઓ દેશભરમાં કરોડો રૂપિયાના સાયબર ફ્રોડ આચરતા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે, આ ગેંગે અત્યાર સુધીમાં અંદાજે 77 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે અને 375 જેટલા ગુનાઓને અંજામ આપ્યો છે.

પોલીસની મોટી કાર્યવાહી

સાયબર પોલીસે ત્રણ અલગ-અલગ ટીમો બનાવીને વડોદરામાંથી 5, પાલનપુરથી 2 અને ગોવાથી 9 આરોપીઓની ધરપકડ કરી છે. આ દરોડા દરમિયાન પોલીસને મોટી સફળતા મળી છે, જેમાં 15 લેપટોપ, 87 મોબાઈલ ફોન, 2 રાઉટર, 126 સીમકાર્ડ, 4 કોરા ચેક અને 15 ડેબિટ કાર્ડ મળી આવ્યા છે. આ સાધનોનો ઉપયોગ તેઓ ગુનાહિત પ્રવૃત્તિઓ માટે કરતાં હતા.

છેતરપિંડીની પદ્ધતિ (મોડસ ઓપરેન્ડી)

આ આરોપીઓ ખૂબ જ ચાલાકીથી કામ કરતાં હતા. તેઓ લોકોના નામે ખોટી પેઢીઓ (જેમ કે શિવમ એજન્સી, એમ.આર. વોટર) ઉભી કરતાં અને બેંકમાં સેવિંગ તથા કરંટ એકાઉન્ટ ખોલાવતા હતા. આ 'મ્યુલ એકાઉન્ટ્સ' માં સાયબર ફ્રોડ અને ઓનલાઇન ગેમિંગના પૈસા મંગાવવામાં આવતા હતા. ત્યારબાદ આ નાણાંને ડોલર અથવા ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરીને સગેવગે કરી દેવામાં આવતા હતા.

ગોવાથી ચાલતું મુખ્ય નેટવર્ક

તપાસમાં ખુલાસો થયો છે કે, આ આખું નેટવર્ક ગોવાથી ઓપરેટ થતું હતું. પાટણનો જીતુભાઈ ભુરાભાઈ ઠક્કર આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે. તે ગોવામાં બેસીને અન્ય 8 સાથીદારો સાથે મળીને નાણાંની હેરફેરનું સંચાલન કરતો હતો. વડોદરાથી પકડાયેલા કિરણ જોષી અને સિધ્ધરાજ શિરવાડિયા આ મ્યુલ એકાઉન્ટ્સના નેટવર્કને સંભાળતા હતા.

ઝડપાયેલા આરોપીઓની વિગતો

વડોદરાથી પકડાયેલા આરોપીઓમાં કિરણ જોષી, સિધ્ધરાજ શિરવાડિયા, મહેશ જોશી, જીગર સોલંકી અને પ્રકાશ જોશીનો સમાવેશ થાય છે. પાલનપુરથી મીત શ્રીમાળી અને મેહુલ સોલંકી ઝડપાયા છે. જ્યારે ગોવાથી મુખ્ય સંચાલક જીતુ ઠક્કર સહિત સાહિલ પ્રજાપતિ, જયમીન પ્રજાપતિ, વિજય નાયી, હિતેષ ઠાકોર, ધ્રુવ ચૌધરી, અનીલકુમાર ચૌધરી, આશિષ કુમાર ચૌધરી અને નરેશકુમાર ખારશનની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ હવે અન્ય રાજ્યોમાંથી પણ આ અંગેની માહિતી મેળવી રહી છે જેથી વધુ ગુનાઓનો ભેદ ઉકેલી શકાય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now