સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સે 41મી બટાલિયનના સૈનિક મુનીર અહેમદને તાત્કાલિક અસરથી નોકરીમાંથી બરતરફ કર્યા છે. કોન્સ્ટેબલ તરીકે તૈનાત મુનીર અહેમદે એક પાકિસ્તાની મહિલા સાથે લગ્ન કર્યા હતા અને પોતાના લગ્ન બધાથી છુપાવ્યા હતા. મુનીરની પત્ની પાકિસ્તાની નાગરિક છે. આ જાણતા હોવા છતાં તેણે તેના વિઝાની મુદત પૂરી થયા પછી પણ તેને પોતાની સાથે રાખી. તેણે જાણી જોઈને એક પાકિસ્તાની નાગરિકને આશ્રય આપ્યો. આ વાતનો ખુલાસો થયા બાદ મુનીર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
શનિવારે સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે મુનીરનું પગલું રાષ્ટ્રીય સુરક્ષા માટે હાનિકારક હોવાનું જણાયું છે. આ સૈનિક છેલ્લે દેશના મુખ્ય આંતરિક સુરક્ષા દળ CRPFની 41મી બટાલિયનમાં પોસ્ટેડ હતા. સત્તાવાર સૂત્રોએ પીટીઆઈને જણાવ્યું હતું કે તેમને એવા નિયમો હેઠળ સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા છે જેમાં કોઈ તપાસની જરૂર નથી.
સીઆરપીએફ પ્રવક્તાનું નિવેદન
સીઆરપીએફના પ્રવક્તા ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (ડીઆઈજી) એમ દિનાકરણે જણાવ્યું હતું કે "તેમના કાર્યો સેવા આચારસંહિતાનું ઉલ્લંઘન અને રાષ્ટ્રીય સુરક્ષા માટે હાનિકારક હોવાનું જણાયું હતું." પહેલગામ આતંકવાદી હુમલા જેમાં 26 લોકો માર્યા ગયા હતા ત્યારબાદ લેવામાં આવેલા રાજદ્વારી પગલાંના ભાગ રૂપે ભારતે પાકિસ્તાની નાગરિકોને દેશ છોડી દેવાનું કહ્યું ત્યારે અહેમદના મૈનાલ ખાન સાથેના લગ્ન પ્રકાશમાં આવ્યા. બંનેએ ગયા વર્ષે 24 મેના રોજ વીડિયો કોલ દ્વારા લગ્ન કર્યા હતા. CRPF તપાસમાં જાણવા મળ્યું કે જવાને તેના લગ્ન અને ભારતમાં રોકાણ વિશે સંબંધિત અધિકારીઓને "જાણ" કરી ન હતી.
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવાનો આદેશ આપ્યો છે. આ આદેશ પછી ખબર પડી કે મુનીરની પત્ની મીનલ પાકિસ્તાની નાગરિક છે. ભારત સરકારે 23 એપ્રિલે એક આદેશ જારી કરીને કહ્યું હતું કે તમામ પાકિસ્તાની નાગરિકોએ 48 કલાકની અંદર ભારત છોડી દેવું જોઈએ. આ પછી મોટાભાગના પાકિસ્તાની નાગરિકો ભારત છોડી ગયા છે.






