Home International Crisil Upgrades India Gdp Growth Forecast To 7 Percent Amid Us Tariff Risks

ભારતીય અર્થવ્યવસ્થાની બુલેટ ટ્રેન ગતિ : જાણો ક્રિસિલના GDP ગ્રોથનું અનુમાન, ટ્રમ્પના ટેરિફનો ડર યથાવત

ભારતીય અર્થવ્યવસ્થાની બુલેટ ટ્રેન ગતિ
Published by: OBS Bureau
Last Updated: Nov 29, 2025, 07:34 PM IST

ભારતીય અર્થતંત્રની રફ્તાર જોઈને રેટિંગ એજન્સી ક્રિસિલે મોટો નિર્ણય લીધો છે અને ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતના જીડીપી ગ્રોથનું અનુમાન 6.5 ટકાથી વધારીને સીધું 7 ટકા કરી દીધું છે. દેશના અર્થતંત્રમાં પહેલા છ મહિનામાં જોવા મળેલા શાનદાર પ્રદર્શન બાદ આ ફેરફાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતે ધારણા કરતા ઘણું સારું પ્રદર્શન કરતા 8.2 ટકાનો રિયલ જીડીપી ગ્રોથ હાંસલ કર્યો છે. જોકે આ ઉજળા ચિત્રમાં એક ચિંતાનું વાદળ પણ છે અને તે છે અમેરિકાની નવી સરકારની નીતિઓ. ક્રિસિલના મુખ્ય અર્થશાસ્ત્રી ધર્મકીર્તિ જોશીએ સ્પષ્ટ કર્યું છે કે ભલે શરૂઆત ધમાકેદાર રહી હોય પણ વર્ષના બીજા હાફમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવતા ઉંચા ટેરિફની અસર જોવા મળી શકે છે જેને કારણે ગ્રોથ રેટ ધીમો પડીને 6.1 ટકા રહેવાની સંભાવના છે.

આર્થિક નિષ્ણાતોના મતે ભારતના આ મજબૂત પ્રદર્શન પાછળ સૌથી મોટું કારણ ખાનગી વપરાશ એટલે કે પ્રાઈવેટ કન્ઝપ્શન છે. દેશમાં મોંઘવારી કાબૂમાં આવતા લોકોની ખરીદશક્તિ વધી છે અને તેમણે ખર્ચ વધાર્યો છે. સપ્લાય સાઈડની વાત કરીએ તો મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના રિસર્ચ રિપોર્ટ ઈકોરેપમાં આ આંકડાઓને વધાવી લેવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે ભારતની ગ્રોથ સ્ટોરી હવે નવી અને સાહસિક ઊંચાઈઓ સર કરી રહી છે. છેલ્લા છ ક્વાર્ટરમાં 8.2 ટકાનો ગ્રોથ સૌથી વધુ છે જે ભારતીય અર્થવ્યવસ્થાની મજબૂતી દર્શાવે છે.

જોકે એચડીએફસી બેંકના રિપોર્ટમાં ભવિષ્ય માટે થોડી સાવચેતીના સૂર કાઢવામાં આવ્યા છે. તેમના મતે બીજા હાફમાં સરેરાશ જીડીપી ગ્રોથ 6.6 ટકા રહે તેવી વકી છે. તેનું કારણ એ છે કે સરકારી ખર્ચ હવે સામાન્ય સ્તરે આવી જશે અને અમેરિકાના ઉંચા ટેરિફ તથા વૈશ્વિક મંદીની અસર ભારતની નિકાસ પર પડી શકે છે. આમ છતાં મહિન્દ્રા ગ્રુપના સીઈઓ અનીશ શાહ અને એસોચેમના પ્રમુખ નિર્મલ કુમાર મિન્ડાએ આ આંકડાઓને આવકાર્યા છે. તેમના મતે ઘરેલુ માંગમાં થયેલો વધારો અને ઉદ્યોગોની અનુકૂળ થવાની ક્ષમતા એ સાબિત કરે છે કે પડકારો છતાં ભારતીય અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now