Home National Covid 19 Alert India Andhra Pradesh Two Deaths Eight Active Cases

ભારતમાં ફરી કોરોનાની દસ્તક? : આંધ્રપ્રદેશમાં 2 મોત બાદ એલર્ટ, 8 એક્ટિવ કેસથી આરોગ્ય તંત્ર સતર્ક

કદપામાં કોરોના કેસ બાદ આરોગ્ય વિભાગની સતર્ક કામગીરી દર્શાવતું પ્રતીકાત્મક દૃશ્ય.
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 12, 2026, 02:26 PM IST

COVID-19 India: દેશમાં કોરોના વાયરસને લઈને ફરી એકવાર ચિંતા વધે તેવા સમાચાર સામે આવ્યા છે. આંધ્રપ્રદેશના કદપા જિલ્લામાં COVID-19 સંક્રમણના બે દર્દીઓના મોત નોંધાયા છે, જ્યારે હાલમાં કુલ 8 એક્ટિવ કેસ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. આ ઘટનાને પગલે રાજ્યનું આરોગ્ય તંત્ર એલર્ટ પર આવી ગયું છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ખાસ દેખરેખ વધારી દેવામાં આવી છે.

ચાર નવા કેસ મળ્યા, બે દર્દીઓના મોતથી વધ્યો સતર્કતા સ્તર

અધિકારીઓના જણાવ્યા મુજબ કદપા જિલ્લામાં ચાર નવા કોરોના કેસ નોંધાયા છે. તાજેતરમાં બે દર્દીઓના મોત થયા બાદ આરોગ્ય વિભાગે સમગ્ર જિલ્લામાં સર્વેલન્સ વધુ કડક બનાવ્યું છે. છેલ્લા ચાર વર્ષમાં રાજ્યમાં કોરોનાથી નોંધાયેલા આ પ્રથમ મોત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

રેપિડ રિસ્પોન્સ ટીમો તૈનાત, સેમ્પલિંગ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ તેજ

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કદપામાં ખાસ 'રેપિડ રિસ્પોન્સ ટીમો' તૈનાત કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં સંપર્કમાં આવેલા લોકોના સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરી છે. અત્યાર સુધીમાં અનેક લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં કેટલાકના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે નવા કેસોની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. સાથે જ કોન્ટેક્ટ ટ્રેસિંગ અને સેનિટાઇઝેશનની કામગીરી પણ તેજ કરવામાં આવી છે.

મૃતકોમાં ગંભીર શ્વસન સમસ્યા, હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયા મોત

આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ એક દર્દી લાંબા સમયથી ગંભીર શ્વસન તકલીફ અને ફેફસાંના ગંભીર ચેપથી પીડાતો હતો. સારવાર દરમિયાન CT સ્કેન અને અન્ય તપાસમાં કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ હતી. બીજા દર્દીનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું. બંને કેસોની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.

જનતાને ગભરાવાની નહીં, પરંતુ સાવચેતી રાખવાની અપીલ

આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે, છતાં સાવચેતી રાખવી જરૂરી છે. શરદી, તાવ, ઉધરસ અથવા શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક તપાસ કરાવવાની સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને વૃદ્ધો, ગંભીર બીમારીઓ ધરાવતા લોકો અને ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોએ વધુ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: અંબાજી મંદિર ચોરીનો ચોંકાવનારો CCTV : પગ નીચે નોટોનું બંડલ દબાવી લેગામાં સરકાવતો હતો આરોપી,1 વર્ષના CCTV તપાસવાની ઉઠતી માંગ


આરોગ્ય વિભાગની સતત નજર, પરિસ્થિતિ પર મોનિટરિંગ ચાલુ

રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ સતત સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. હાલના 8 એક્ટિવ કેસોની સારવાર અને મોનિટરિંગ ચાલી રહ્યું છે. અધિકારીઓએ લોકોને અફવાઓથી દૂર રહીને માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવાની અપીલ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now