ભારતે જૂન 2026 દરમિયાન રશિયા પાસેથી આશરે ₹49 હજાર કરોડનું કાચું તેલ (ક્રૂડ ઓઈલ) આયાત કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર (CREA)ના તાજેતરના અહેવાલ મુજબ, મે મહિનાની સરખામણીએ રશિયન ક્રૂડની ભારતીય ખરીદીમાં 34 ટકાનો વધારો નોંધાયો છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભૂરાજકીય તણાવ અને પશ્ચિમી દેશોના પ્રતિબંધો વચ્ચે પણ ભારતે રિયાયતી દરે ઉપલબ્ધ રશિયન તેલની ખરીદી વધારી છે.
રિપોર્ટ અનુસાર, આ ખરીદી સાથે ભારત હવે ચીન બાદ રશિયન ક્રૂડ ઓઈલ ખરીદનાર વિશ્વનો બીજો સૌથી મોટો દેશ બની ગયો છે. જૂન દરમિયાન ભારતે રશિયાથી આયાત કરેલા કુલ જીવાશ્મ ઈંધણમાં લગભગ 83 ટકા હિસ્સો માત્ર ક્રૂડ ઓઈલનો રહ્યો હતો.
ઊર્જા સુરક્ષા માટે ભારતની વ્યૂહરચના
ભારત વિશ્વના સૌથી મોટા ઊર્જા આયાતકાર દેશોમાંનું એક છે અને તેની મોટાભાગની પેટ્રોલિયમ જરૂરિયાતો આયાત પર નિર્ભર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં જ્યારે પણ કાચા તેલના ભાવમાં વધારો થાય છે અથવા પુરવઠામાં અનિશ્ચિતતા સર્જાય છે ત્યારે ભારત માટે ઊર્જા સુરક્ષા જાળવવી મહત્વપૂર્ણ બની જાય છે.
રશિયા-યુક્રેન યુદ્ધ બાદ પશ્ચિમી દેશોએ રશિયા પર વિવિધ આર્થિક પ્રતિબંધો લાદ્યા હતા. તેના કારણે રશિયાએ પોતાના ક્રૂડ ઓઈલને આંતરરાષ્ટ્રીય બજારમાં ડિસ્કાઉન્ટ સાથે વેચવાનું શરૂ કર્યું હતું. ભારતે આ તકનો લાભ લઈને ઓછી કિંમતે મોટા પ્રમાણમાં કાચું તેલ ખરીદ્યું, જેના કારણે આયાત ખર્ચમાં નોંધપાત્ર બચત થઈ હોવાનું માનવામાં આવે છે.
ભારતીય રિફાઈનરીઓએ વધારી ખરીદી
CREAના અહેવાલ મુજબ, જૂન દરમિયાન ભારતની કુલ ક્રૂડ ઓઈલ ખરીદીમાં 5.4 ટકાનો વધારો થયો હતો, પરંતુ તેમાં સૌથી મોટો ફાળો રશિયન તેલનો રહ્યો હતો. વિવિધ ભારતીય રિફાઈનરીઓએ રિયાયતી કિંમતોનો લાભ લઈને ખરીદીમાં નોંધપાત્ર વધારો કર્યો.
રિપોર્ટ પ્રમાણે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જામનગર રિફાઈનરીમાં રશિયન તેલની સપ્લાયમાં મેની સરખામણીએ લગભગ 150 ટકાનો વધારો થયો હતો. ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશનની પારાદીપ રિફાઈનરીમાં 126 ટકા, ભારત પેટ્રોલિયમ (BPCL)ની કોચી રિફાઈનરીમાં 83 ટકા અને નાયરા એનર્જીની વાડીનાર રિફાઈનરીમાં 45 ટકાનો વધારો નોંધાયો હતો. આ આંકડા દર્શાવે છે કે ભારતીય રિફાઈનિંગ કંપનીઓએ
વૈશ્વિક બજારમાં ઉપલબ્ધ સસ્તા રશિયન ક્રૂડનો વ્યાપક ઉપયોગ કર્યો છે.
રશિયન તેલથી તૈયાર ઉત્પાદનોનો નિકાસ
રિપોર્ટમાં વધુ એક મહત્વપૂર્ણ મુદ્દો સામે આવ્યો છે. ભારતીય રિફાઈનરીઓએ રશિયન ક્રૂડને પ્રોસેસ કરીને પેટ્રોલ, ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનો તૈયાર કર્યા અને ત્યારબાદ તે ઉત્પાદનો યુરોપિયન યુનિયન (EU), અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સહિતના પશ્ચિમી દેશોમાં નિકાસ કર્યા.
CREAના જણાવ્યા મુજબ જૂન દરમિયાન ભારત, તુર્કી, બ્રુનેઈ અને જ્યોર્જિયાથી પશ્ચિમી દેશોમાં કુલ લગભગ €814 મિલિયનના રિફાઇન્ડ પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ થઈ હતી. તેમાં અંદાજે €369 મિલિયનના ઉત્પાદનો એવા હતા જે રશિયન કાચા તેલમાંથી તૈયાર કરવામાં આવ્યા હતા. આ પરિસ્થિતિ વૈશ્વિક ઊર્જા વેપારમાં જોવા મળતી જટિલતા તરફ પણ ઈશારો કરે છે, જ્યાં કાચા તેલ પર પ્રતિબંધ હોવા છતાં તેમાંથી બનેલા ઉત્પાદનો વૈશ્વિક બજારમાં પહોંચતા રહે છે.
આ પણ વાંચો: પૂરના પાણીમાં તણાઈ બહાર આવ્યા કોબ્રા સહિત 900 સાપ! : લોકોને ઘરમાં રહેવાની અપીલ, રેસ્ક્યુ ટીમો થઈ દોડતી
ખરીદી વધી છતાં રશિયાની આવક ઘટી
ભારત અને અન્ય દેશોની વધેલી ખરીદીના કારણે જૂન મહિનામાં રશિયાના કાચા તેલના વૈશ્વિક નિકાસ વોલ્યુમમાં લગભગ 14 ટકાનો વધારો નોંધાયો હતો. જોકે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ ઘટતા રશિયાની દૈનિક નિકાસ આવકમાં ઘટાડો થયો હતો. રિપોર્ટ મુજબ, રશિયાની દૈનિક ક્રૂડ નિકાસ આવક લગભગ 8 ટકા ઘટીને પ્રતિદિન €348 મિલિયન રહી હતી. એટલે કે વધુ પ્રમાણમાં તેલ વેચવા છતાં નીચા ભાવના કારણે કુલ આવકમાં વધારો નોંધાયો નહોતો.
'શેડો ટેન્કર' નેટવર્કનો ઉપયોગ
પશ્ચિમી દેશોના પ્રતિબંધોને ટાળવા માટે રશિયાએ છેલ્લા કેટલાક વર્ષોમાં કહેવાતા 'શેડો ટેન્કર' નેટવર્કનો ઉપયોગ વધાર્યો છે. આ એવા જહાજો છે જે માલિકી, વીમા અથવા રજિસ્ટ્રેશન સંબંધિત જટિલ વ્યવસ્થાઓ દ્વારા પ્રતિબંધોની અસર ઘટાડવાનો પ્રયાસ કરે છે.
CREAના અહેવાલ મુજબ જૂન દરમિયાન રશિયાના દરિયાઈ માર્ગે નિકાસ કરાયેલા લગભગ 54 ટકા કાચા તેલનું પરિવહન આવા શેડો ટેન્કરો દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે લગભગ 43 ટકા તેલ G7 દેશોના વીમા હેઠળ ચાલતા જહાજો દ્વારા મોકલવામાં આવ્યું હતું.
ભારત માટે શું છે તેનો અર્થ?
ભારત માટે રિયાયતી કિંમતે રશિયન ક્રૂડની ઉપલબ્ધતા ઊર્જા સુરક્ષા અને ઈંધણના ખર્ચને નિયંત્રિત રાખવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સસ્તા કાચા તેલના કારણે ભારતીય રિફાઈનરીઓને સ્પર્ધાત્મક લાભ મળે છે અને દેશની ઈંધણ પુરવઠા વ્યવસ્થા વધુ સ્થિર રહે છે.
જો કે, વૈશ્વિક ભૂરાજકીય પરિસ્થિતિ, પશ્ચિમી દેશોની પ્રતિબંધ નીતિઓ અને આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવમાં થતા ફેરફારોને ધ્યાનમાં રાખીને ભારતે પોતાની ઊર્જા આયાતની વ્યૂહરચનામાં સંતુલન જાળવવું પડશે. હાલમાં CREAના આંકડાઓ દર્શાવે છે કે ભારતે જૂન 2026 દરમિયાન રશિયન ક્રૂડની ખરીદીમાં ઐતિહાસિક વધારો કરીને પોતાની ઊર્જા જરૂરિયાતોને પ્રાથમિકતા આપી છે.





