Home International Countries Without Railway Network Global Transport Facts

રેલવે વગરના દેશો : જાણો વિશ્વના એવા દેશો અંગે, જ્યાં એક પણ ટ્રેન દોડતી નથી, જાણો કેવી રીતે થાય છે અવરજવર

રેલવે વગરના દેશો
Published by: OBS Bureau
Last Updated: Dec 22, 2025, 05:00 PM IST

વર્તમાન સમયમાં રેલવેને વિશ્વની સૌથી ઝડપી અને સુવિધાજનક પરિવહન વ્યવસ્થા માનવામાં આવે છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે દુનિયામાં કેટલાક એવા પણ દેશો છે જ્યાં એક પણ રેલવે સ્ટેશન નથી. ભૌગોલિક પરિસ્થિતિ, ઇતિહાસ, અર્થતંત્ર અને મર્યાદિત વસ્તી જેવા કારણોસર આ દેશોમાં રેલવે નેટવર્ક ક્યારેય વિકસી શક્યું નથી. આ રાષ્ટ્રોમાં લોકો મુસાફરી માટે મુખ્યત્વે બસ, ટેક્સી, પ્રાઈવેટ કાર અને ફ્લાઈટ પર નિર્ભર રહે છે.

હિમાલયની ગોદમાં વસેલું ભૂતાન

આ યાદીમાં ભારતનું પાડોશી દેશ ભૂતાન મોખરે છે. હિમાલયના દુર્ગમ અને ઊંચા પહાડી વિસ્તારોને કારણે અહીં રેલવે લાઈન નાખવી ટેકનિકલ રીતે અત્યંત પડકારજનક અને ખર્ચાળ છે. ઊંડી ખીણો અને સીધા ચઢાણવાળા પહાડોમાં ટ્રેક બનાવવો લગભગ અશક્ય હોવાથી ભૂતાનના લોકો આંતરિક મુસાફરી માટે સરકારી બસ સેવા અને ખાનગી વાહનોનો ઉપયોગ કરે છે.

એન્ડોરા અને આઇસલેન્ડની સ્થિતિ

ફ્રાન્સ અને સ્પેનની વચ્ચે આવેલો નાનકડો દેશ એન્ડોરા પણ રેલવે સુવિધાથી વંચિત છે. પહાડી ભૂપૃષ્ઠ અને મર્યાદિત ભૌગોલિક વિસ્તારને કારણે અહીં ટ્રેન દોડતી નથી. જોકે, એન્ડોરાનું બસ નેટવર્ક એટલું મજબૂત છે કે તે દેશના ખૂણેખૂણાને સાંકળવાની સાથે પાડોશી દેશો સાથે પણ કનેક્ટિવિટી પૂરી પાડે છે. બીજી તરફ, આઇસલેન્ડમાં ક્યારેય પબ્લિક રેલવે સિસ્ટમ રહી નથી. જ્વાળામુખીવાળી જમીન, ગ્લેશિયર્સ અને વસ્તીની ઓછી ગીચતાને લીધે અહીં રેલવે કરતાં રોડ ટ્રાન્સપોર્ટને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

સાયપ્રસ: જ્યાં ટ્રેનો દોડતી હતી પણ હવે બંધ છે

સાયપ્રસમાં હાલમાં કોઈ સક્રિય રેલવે સિસ્ટમ નથી. બ્રિટિશ શાસન દરમિયાન અહીં ટ્રેન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ ૨૦મી સદીના મધ્યભાગમાં તેને બંધ કરી દેવામાં આવ્યો. આજે અહીંના નાગરિકો અવરજવર માટે સંપૂર્ણપણે બસ અને ટેક્સી સેવા પર આધારિત છે.

રેલવે ન હોવા પાછળના કારણો

રેલવે નેટવર્ક ન હોવા પાછળ કુદરતી ભૌગોલિક સ્થિતિ સૌથી મોટું કારણ છે. ઘણા દેશોમાં પહાડો અને ખડકાળ જમીનને કારણે ટ્રેક બનાવવો અશક્ય છે. માલ્ટા અને સાયપ્રસ જેવા દેશોએ આર્થિક કારણોસર રેલવે સેવા પડતી મૂકી છે. સાયપ્રસે ૧૯૦૫ થી ૧૯૫૧ દરમિયાન રેલ સેવા ચલાવી હતી, પરંતુ વધતા ખર્ચ અને રોડ ટ્રાન્સપોર્ટના વિકાસ સામે ટ્રેન વ્યવહાર આર્થિક રીતે નફાકારક ન રહેતા તેને કાયમ માટે અટકાવી દેવામાં આવ્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now