Sola Police Bribery Case: અમદાવાદમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) એ વધુ એક સફળ ઓપરેશન પાર પાડીને પોલીસ બેડામાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે. સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ વતી લાંચ લેતા એક વચેટિયાને એસીબીએ રંગેહાથે ઝડપી લીધો છે. નાણાકીય છેતરપિંડીના કેસમાં પતાવટ કરવા અને હેરાન ન કરવા માટે કોન્સ્ટેબલે લાંચની માંગણી કરી હતી, જે અંતે તેને અને તેના મધ્યસ્થીને ભારે પડી છે. આ ઘટનાને પગલે શહેરના પોલીસ આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
કેસમાં રાહત આપવા માંગી હતી રૂ.1.20 લાખની લાંચ
સમગ્ર વિગત મુજબ, ફરિયાદીના ભાઈ અને અન્ય પાંચ લોકો વિરુદ્ધ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. આ કેસમાં તપાસ દરમિયાન વધુ હેરાનગતિ ન કરવા, કોર્ટમાં વહેલી ચાર્જશીટ રજૂ કરવા, નવો ગુનો દાખલ ન કરવા અને જામીન પ્રક્રિયામાં મદદ કરવાના બદલામાં પોલીસ કોન્સ્ટેબલ લક્ષ્મણભાઇ ગાગજીભાઇ મોરીએ રૂ.1.20 લાખની મસમોટી લાંચ માંગી હતી. જોકે, રકઝક બાદ આ રકમ રૂ.70 હજાર નક્કી કરવામાં આવી હતી.
ઓનલાઇન ટ્રાન્સફર અને ટ્રેપનું આયોજન
આરોપી કોન્સ્ટેબલે લાંચની રકમમાંથી રૂ.20 હજાર અગાઉ ઓનલાઇન માધ્યમથી મેળવી લીધા હતા. બાકીના રૂ.50 હજાર લેવા માટે તેણે મધ્યસ્થી તરીકે બ્રિજેશકુમાર મનસુખભાઇ શ્રીમાળીને મોકલ્યો હતો. બીજી તરફ, ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક સાધ્યો હતો. એસીબીએ બાતમીના આધારે 9 એપ્રિલ 2026ના રોજ સરખેજ સર્કલ પાસે આવેલા 'ઉપ સરપંચ ટી સ્ટોલ' નજીક ગોઠવણ કરી હતી.
આ પણ વાંચો: ચૂંટણી પહેલા LCBનો સપાટો : રહેણાંક મકાનમાંથી રૂ.12.61 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
સરખેજ સર્કલ પાસે વચેટિયો રંગેહાથે ઝડપાયો
એસીબીની ટીમે ગોઠવેલા છટકા દરમિયાન, જેવો બ્રિજેશકુમાર શ્રીમાળીએ કોન્સ્ટેબલ વતી રૂ.50 હજાર સ્વીકાર્યા, કે તરત જ છુપાઈને ઉભેલી એસીબીની ટીમે તેને દબોચી લીધો હતો. સ્થળ પર જ લાંચની રકમ રિકવર કરીને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ ટ્રેપ સફળ રહેતા એસીબીએ હવે મુખ્ય આરોપી કોન્સ્ટેબલ લક્ષ્મણભાઇ મોરી વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ એસીબીની કડક કાર્યવાહી
પોલીસે બ્રિજેશકુમાર અને કોન્સ્ટેબલ લક્ષ્મણભાઇ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (પ્રોહિબિશન ઓફ કરપ્શન એક્ટ) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એસીબી દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે જો કોઈ સરકારી કર્મચારી કામના બદલામાં લાંચની માંગણી કરે તો તુરંત એસીબીના ટોલ ફ્રી નંબર પર જાણ કરવી.





