logo-img
Congress Protests In Jamnagar And Rajkot Over Nathuram Godse Related Drama

નથુરામ ગોડસે સંબંધિત નાટક મામલે જામનગર અને રાજકોટમાં કોંગ્રેસનો વિરોધ : જામનગરમાં SP ને લખ્યો પત્ર, રાજકોટમાં કોંગ્રેસનો ઉગ્ર વિરોધ પ્રદર્શન

નથુરામ ગોડસે સંબંધિત નાટક મામલે જામનગર અને રાજકોટમાં કોંગ્રેસનો વિરોધ
Published by: Offbeat Team
| Last Updated: Feb 08, 2026, 06:14 AM IST

મહાત્મા ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેને કેન્દ્રમાં રાખીને યોજાનાર નાટકના આયોજનને લઈને જામનગર અને રાજકોટમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ મુદ્દે કોંગ્રેસે રાજ્યના વિવિધ શહેરોમાં વિરોધ પ્રદર્શન કરી નાટકના આયોજન સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

નથુરામ ગોડસે સંબંધિત નાટક

જામનગર શહેરના ટાઉન હોલ ખાતે R R GROUP દ્વારા મહાત્મા ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસે સંબંધિત નાટક યોજવાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળતાં કોંગ્રેસ પક્ષમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ બાબતે જામનગર કોંગ્રેસ શહેર પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજાએ જિલ્લા પોલીસ વડા (SP)ને લેખિત પત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સમગ્ર વિશ્વમાં અહિંસા, સત્ય અને શાંતિના પ્રતિક છે અને તેમના હત્યારાને કેન્દ્રમાં રાખતું અથવા તેને મહિમા આપતું કોઈપણ નાટક સમાજમાં ખોટો સંદેશ ફેલાવી શકે છે.

કોંગ્રેસે પોલીસને લખ્યો પત્ર

પત્રમાં વધુમાં જણાવાયું છે કે આવા નાટકના આયોજનથી સામાજિક તણાવ ઊભો થવાની તેમજ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બગડવાની પુરેપુરી શક્યતા છે. આ પ્રકારનું આયોજન દેશની એકતા, અખંડિતતા અને સામાજિક સૌહાર્દને નુકસાન પહોંચાડે તેવું હોવાથી તેની સામે તાત્કાલિક પગલાં લેવાં જરૂરી છે. જો નાટક યોજાશે તો શાંતિપ્રિય નાગરિકોની લાગણી દુભાશે અને જાહેર વિરોધ ઊભો થવાની સંભાવના છે, તેવો ઉલ્લેખ પણ પત્રમાં કરવામાં આવ્યો છે. અંતે, ટાઉન હોલ ખાતે યોજાનાર નાટક રદ કરવા અથવા તેના પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવા વિનંતી કરવામાં આવી છે.

રાજકોટમાં કોંગ્રેસનો ઉગ્ર વિરોધ

બીજી તરફ રાજકોટમાં પણ આ મુદ્દે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કોંગ્રેસ કાર્યકર્તાઓએ ગોડસે સંબંધિત નાટકના આયોજન સામે કડક નારેબાજી કરી અને આવા કાર્યક્રમોને મંજૂરી ન આપવાની માંગ કરી હતી. સમગ્ર મામલે રાજકીય ગરમાવો વધી ગયો છે અને પોલીસ તંત્ર પણ કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now