Jignesh Mevani on Sabar Dairy Clash: સાબરકાંઠામાં આવેલી સાબર ડેરી હાલ ગુજરાતની રાજનીતિના કેન્દ્ર સ્થાને આવી ગઈ છે. છેલ્લાં કેટલાંક દિવસોથી સાબર ડેરીમાં ચાલતો વિવાદ સતત વધી રહ્યો છે. ત્યારે હવે આ મુદ્દે સતત રાજકારણ ગરમાઈ રહ્યું છે. સાબર ડેરી ખાતે પશુપાલકો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ ઈડરના ઝીંજવા ગામના એક યુવાન, અશોક ચૌધરીના મૃત્યુના મામલે રાજકીય ગરમાવો આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય જીગ્રેશ મેવાણીએ યુવકના મૃત્યુને હત્યા ગણાવતા રાજકારણ ગરમાયું છે.
કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આજે સવારે બનાસકાંઠાના ઝીંજવા ગામ પહોંચી મૃતકના પરિવારને સાંત્વના પાઠવી હતી. આસાથે મેવાણીએ મૃતકના પરિવારને મળીને આ ઘટનાને 'મૃત્યુ નહીં, પણ હત્યા' ગણાવી ભાજપ સરકાર અને સાબર ડેરી પર ગંભીર આરોપો લગાવ્યા છે. સાબર ડેરી વિવાદને લઈને ગુજરાતમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. કોંગ્રેસના આગેવાન અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા કરાયેલા ગંભીર આરોપો બાદ સમગ્ર મુદ્દો વધુ ચકાસણીલાયક બની ગયો છે. અત્યારે ચાલી રહેલા ભાવફેરના વિવાદને પગલે પશુપાલકો છેલ્લા સાતથી આઠ દિવસથી વિરોધમાં છે. આ વિરોધ દરમિયાન ડેરીમાં દૂધ આપવાનો બહિષ્કાર કરીને રસ્તા પર દૂધ ઢોળી પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા હતા.
આ દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે તીવ્ર ઘર્ષણ સર્જાયું હતું, જેમાં લાઠીચાર્જ તેમજ ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા. મેવાણીએ આરોપ લગાવ્યો છે કે છોડવામાં આવેલા ટીયર ગેસના સેલ એક્સપાયરી ડેટના હતા. મેવાણીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે અશોક ચૌધરીનું મૃત્યુ નહીં, હત્યા થઈ છે.
અશોક ચૌધરીનું મૃત્યુ કે "હત્યા"?
ઘર્ષણ દરમિયાન ઈડર તાલુકાના ઝીંજવા ગામના યુવાન અશોક ચૌધરીનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ જીગ્નેશ મેવાણી તેમના પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યાંથી તેમણે અત્યંત ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, "આ મૃત્યુ નહીં, સ્પષ્ટ રીતે હત્યા છે." મેવાણીએ એવો પણ આરોપ લગાવ્યો કે જો સાબર ડેરીએ પશુપાલકોના દેવા પુર્વે નક્કી કરેલા ભાવ મુજબ ચુકવણી કરી હોત, તો આજે અશોકભાઈ ચૌધરી જીવિત હોત.
સરકાર અને ડેરી પર “મિલીભગત”નો આક્ષેપઃ
MLA જીગ્નેશ મેવાણીએ કહ્યું કે આ આખી ઘટના ભાજપ સરકાર અને સાબર ડેરી વચ્ચેની મળીભગતનું પરિણામ છે. તેમણે આરોપ લગાવ્યો કે પશુપાલકોને જાણે એજ પુર્વનિયોજિત રીતે ઉશ્કેરવામાં આવ્યા હતા જેથી તેમને દબાવી શકાય.
જીગ્નેશ મેવાણીની ચાર મુખ્ય માંગણીઓ:
1) 24 કલાકમાં સરકારે અને સાબર ડેરીએ પશુપાલકો સાથે મંત્રણા કરી ગયા વર્ષે બાકી રહેલા ભાવ ફરકની ચુકવણી કરે.
2) અશોક ચૌધરીના મૃત્યુ માટે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે હત્યા માટે IPC હેઠળ ગુનો દાખલ કરવામાં આવે.
3) આ સમગ્ર ઘટનાની તપાસ ભાજપથી અસંકળાયેલા, ઈમાનદાર અધિકારીઓને સોંપવામાં આવે.
4) 74 જેટલા ખેડૂતો પર કરાયેલા ખોટા કેસ તાત્કાલિક પાછા ખેંચવામાં આવે.
આ વિવાદ ભાજપ સરકાર માટે રાજકીય રીતે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે, ખાસ કરીને ગ્રામિણ વિસ્તારોમાં જ્યાં ડેરી આધારિત આર્થિકતા વંચિત વર્ગ માટે જીવનદાયિ છે. મેવાણીના આ દાવાઓ પછી વિપક્ષ દ્વારા વધુ દબાણ ઉમેરાવાની શક્યતા છે.






