Home Gujarat Congress Leader In Mehsana Drives Car While Drunk

મહેસાણામાં કોંગ્રેસ નેતાએ નશામાં ધૂત થઈ બેફામ ચલાવી કાર : વાહનોને ટક્કર મારતા ભારે હોબાળો, ‘રાજસ્થાન ઓનલી ફોર સેલ’ બોટલ ઝડપાઈ, 'મહામંત્રી' પોલીસ હવાલે

મહેસાણામાં કોંગ્રેસ નેતાએ નશામાં ધૂત થઈ બેફામ ચલાવી કાર
Published by: OBS Bureau
Last Updated: Jan 26, 2026, 07:42 AM IST

મહેસાણા શહેરમાં કોંગ્રેસના નેતા દ્વારા નશામાં ધૂત હાલતમાં કાર ચલાવવાની ઘટના સામે આવતા ભારે ચર્ચા અને હોબાળો મચ્યો છે. ગત રાત્રે ફુવારા સર્કલ નજીક એક કાર ચાલકે બેફામ રીતે કાર હંકારી અન્ય વાહનોને ટક્કર મારતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી.

કોંગ્રેસ શહેર મહામંત્રી નશાની હાલતમા ઝડપાયા!

આ ઘટના મહેસાણાના નવા કોંગ્રેસ કાર્યાલય નજીક બની હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ રાહદારીઓ અને સ્થાનિક લોકોના ટોળા સ્થળ પર એકત્ર થઈ ગયા હતા. સ્થળ પર હાજર લોકોએ જોયું હતું કે કાર ચાલક નશાની હાલતમાં હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કાર ચાલકની અટકાયત કરી હતી.

‘રાજસ્થાન ઓનલી ફોર સેલ’ લખેલી દારૂની બોટલ મળી

પોલીસ તપાસ દરમિયાન ખુલાસો થયો કે કાર ચલાવનાર વ્યક્તિ કોંગ્રેસના શહેર મહામંત્રી પાર્થ રાવલ છે. પોલીસે તેમની કારની તપાસ કરતા તેમાં દારૂની બોટલ મળી આવી હતી, જેના પર ‘રાજસ્થાન ઓનલી ફોર સેલ’નું લેબલ લગાવવામાં આવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે પાર્થ રાવલે પોતાની કાર બેફામ રીતે હંકારી અન્ય વાહનો સાથે અથડાવી હતી, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ ગંભીર જાનહાનિ થઈ નહોતી, પરંતુ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પોલીસ દ્વારા પાર્થ રાવલ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નવેમ્બરમાં કોંગ્રેસ દ્વારા શહેર મહામંત્રી બનાવ્યા હતા

ઉલ્લેખનીય છે કે પાર્થ રાવલને ગત નવેમ્બર માસમાં જ કોંગ્રેસ પક્ષ દ્વારા શહેર મહામંત્રી તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. જવાબદાર પદ પર રહેલા નેતાની આ પ્રકારની હરકતથી રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા જાગી છે અને સમગ્ર ઘટના મહેસાણા શહેરમાં ચર્ચાનો વિષય બની રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now