Home Gujarat Cm Bhupendra Patel Mehsana Election Campaign Bjp Victory Speech

‘એવો વિજય અપાવો કે વિપક્ષને બીજી વાર ફોર્મ ભરવાનો વિચાર પણ ના આવે’ : CM ભૂપેન્દ્ર પટેલની ગર્જના, મહેસાણાથી પ્રચંડ પ્રચારના કર્યા શ્રીગણેશ

CM Bhupendra Patel Mehsana Election Campaign
Play Video
Published by: Nirali Gohil
Last Updated: Apr 16, 2026, 06:25 AM IST

Mehsana Election Campaig: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ જામ્યો છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના લીંચ અને મહેસાણા શહેર ખાતેથી ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી પ્રચાર અભિયાનની ભવ્ય શરૂઆત કરી છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે આયોજિત 'વિકાસ સંકલ્પ સભા'માં મુખ્યમંત્રીએ વિરોધ પક્ષો પર આકરા પ્રહાર કરતા કાર્યકરો અને મતદારોને એક મોટો પડકાર ફેંક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભાજપનો વિજય એટલો ભવ્ય અને પ્રચંડ હોવો જોઈએ કે ભવિષ્યમાં કોઈપણ ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવારોને ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા પણ સો વાર વિચાર કરવો પડે.

મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં ભાજપની વિકાસની રાજનીતિ પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે લોકોનો વિશ્વાસ જ ભાજપની સૌથી મોટી શક્તિ છે. મહેસાણામાં યોજાયેલી આ સભા માત્ર ચૂંટણી પ્રચાર ન બની રહેતા એક શક્તિ પ્રદર્શનમાં ફેરવાઈ ગઈ હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જે બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા છે તેમનું વિશેષ સન્માન કરી આ વિજયને રાજ્યમાં આવનારા મોટા પરિવર્તનનો સંકેત ગણાવ્યો હતો.

વિપક્ષને ભૂપેન્દ્ર પટેલનો ખુલ્લો પડકાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરતા જ આક્રમક તેવર બતાવ્યા હતા. તેમણે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, "લોકશાહીમાં જનતા સર્વોપરી છે અને જનતા ભાજપના વિકાસ કાર્યોને જોઈ રહી છે. આ વખતે એવી રીતે વિજય અપાવો કે બીજી વખત વિપક્ષને ફોર્મ ભરવાનો વિચાર પણ ન આવે." તેમના આ નિવેદનથી ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સીએમએ સ્પષ્ટ કર્યું કે ભાજપનો લક્ષ્યાંક માત્ર જીત નથી, પરંતુ વિરોધ પક્ષોનું અસ્તિત્વ ભૂંસી નાખે તેવો પ્રચંડ જનાદેશ મેળવવાનો છે.

આ પણ વાંચો: ફોર્મ પરત ખેંચવાની મર્યાદા પૂર્ણ થતાં ચૂંટણી ચિત્ર સ્પષ્ટ : સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026માં 194 સીટ બિનહરિફ જાહેર, 1832 ફોર્મ પરત ખેંચાયા

બિનહરીફ વિજેતા ઉમેદવારોનું ભવ્ય સન્માન

મહેસાણાની 'વિકાસ સંકલ્પ સભા'માં એક ખાસ નજારો જોવા મળ્યો હતો. મુખ્યમંત્રીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે બેઠકો પર ભાજપના ઉમેદવારો સામે કોઈ વિરોધ પક્ષ ન ટકી શક્યો અને જેઓ બિનહરીફ જાહેર થયા છે, તેવા તમામ ઉમેદવારોનું જાહેર મંચ પરથી સન્માન કર્યું હતું. તેમણે આ બિનહરીફ વિજયને સંગઠનની જીત અને લોકોના અપાર પ્રેમનું પરિણામ ગણાવ્યું હતું.

મહેસાણાથી ગુજરાતભરમાં પ્રચારની લહેર

ઉમેદવારી ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે મુખ્યમંત્રીનો મહેસાણા પ્રવાસ એ સૂચવે છે કે ભાજપ આ ચૂંટણીને કેટલી ગંભીરતાથી લઈ રહી છે. લિંચ અને મહેસાણા ખાતેની સભાઓમાં મોટી સંખ્યામાં ઉમટેલી જનમેદનીને જોઈને રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે સીએમ પટેલે ઉત્તર ગુજરાતના ગઢ ગણાતા મહેસાણાથી સમગ્ર રાજ્યમાં ભાજપના પક્ષમાં માહોલ બનાવવાની શરૂઆત કરી દીધી છે. વિકાસના મુદ્દા અને હિન્દુત્વના એજન્ડા સાથે ભાજપ હવે આગામી દિવસોમાં રાજ્યભરમાં સભાઓનો ધમધમાટ શરૂ કરશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now