જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદને કારણે ગુરુવારે બપોરે કિશ્તવાડમાં વાદળ ફાટ્યું. આ ઘટના પદ્દર સબ-ડિવિઝનમાં બની હતી. વાદળ ફાટ્યા પછી અચાનક પૂર આવ્યું છે. આ કિસ્સામાં, કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે કિશ્તવાડના ડીસી પંકજ શર્મા પાસેથી ફોન પર વિગતો મેળવી હતી. આ ઘટનામાં મોટા પાયે તબાઈ થઈ હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે શું કહ્યું?
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, "જમ્મુ અને કાશ્મીરના લોકપ્રતિનિધિ અને સ્થાનિક ધારાસભ્ય સુનિલ કુમાર શર્મા પાસેથી માહિતી મળ્યા પછી, મેં કિશ્તવાડના ડેપ્યુટી કમિશનર પંકજ કુમાર શર્મા સાથે વાત કરી. ચોસીટી વિસ્તારમાં વાદળ ફાટવાથી ભારે જાનહાનિ થવાની સંભાવના છે. વહીવટીતંત્ર તાત્કાલિક કામગીરીમાં લાગી ગયું છે અને બચાવ ટીમો ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે."કેન્દ્રીય મંત્રીએ વધુમાં લખ્યું કે નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને જરૂરી બચાવ અને તબીબી વ્યવસ્થાપનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે.
વાદળ ફાટવાની ઘટના યાત્રા માર્ગ પર બની હતી
કિશ્તવાડના ડેપ્યુટી કમિશનર પંકજ શર્માએ જણાવ્યું હતું કે, "કિશ્તવાડના ચાશોટી વિસ્તારમાં અચાનક પૂર આવ્યું છે, જે માચૈલ માતા યાત્રાનું પ્રારંભિક બિંદુ છે. બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે." કિશ્તવાડના ચાશોટી વિસ્તારમાં અચાનક આવેલા પૂર અંગે, જમ્મુ અને કાશ્મીરના વિરોધ પક્ષના નેતા અને પદ્દર-નાગસેનીના ધારાસભ્ય સુનિલ કુમાર શર્માએ જણાવ્યું હતું કે, "અમારી પાસે હજુ સુધી કોઈ આંકડા કે ડેટા નથી, પરંતુ ત્યાં ભારે નુકસાન થવાની સંભાવના છે. યાત્રા ચાલુ હોવાથી આ વિસ્તારમાં ભારે ભીડ છે''. વાદળ ફાટવાની ઘટના યાત્રા માર્ગ પર બની હતી અને અધિકારીઓએ હજુ સુધી જાનહાનિના ચોક્કસ આંકડાની પુષ્ટિ કરી નથી. પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે જાનમાલનું મોટું નુકસાન થયું છે.






